Mon Jun 15 2026

Logo

કાલે અક્ષય પુણ્ય આપનારી પુરુષોત્તમ માસની સોમવતી અમાસ! બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન-દાનનું છે વિશેષ મહત્વ

2026-06-14 22:41:36
Author: Devayat Khatana
Article Image

હિન્દુ ધર્મમાં દરેક તિથીનું કઈક આગવું મહત્વ રહેલું છે. એકમથી લઈને અમાસ સુધીની દરેક તિથી કોઈને કોઈ દેવી-દેવતાઓને સમર્પિત છે. ત્યારે હિન્દુ પંચાંગમાં અમાસ પિતૃઓના તર્પણ, ગંગા સ્નાન અને દાન માટે આગવું મહત્વ ધરાવે છે. ત્યારે આવતીકાલે આ વર્ષના પુણ્ય માસ પુરુષોતમ માસની અમાસ છે, તેમાં પણ સોમવારનો સંગમ હોઇ સોમવતી અમાસ છે. વળી 30 વર્ષ બાદ અધિક માસમાં સોમવતી અમાસનો સંયોગ સર્જાયો છે. આ દિવસે ભગવાન શિવ, માતા પાર્વતી અને પિતૃઓની પૂજાને ફળદાયી માનવામાં આવે છે.  તો ચાલો જાણીએ સ્નાન, દાનનું શુભ મુર્હુત ક્યારે છે. 

હિન્દુ પંચાંગ અનુસાર, જેઠ અધિક માસ એટલે કે પુરુષોતમ માસના કૃષ્ણ પક્ષની અમાસની તિથિ આજે એટલે કે 14ના રોજ  બપોરે 12:22 વાગ્યે શરૂ થાય છે. તે આવતીકાલે 15 જૂન, સવારે 8 વાગીને 26 મિનિટે વાગ્યે સમાપ્ત થશે. તેથી ઉદય તિથિને ધ્યાનમાં રાખીને સોમવતી અમાવસ્યા 15  જૂને ઉજવવામાં આવશે.

સોમવતી અમાસ પર દાન અને સ્નાન માટે બ્રહ્મ મુહૂર્ત સૌથી શુભ સમય માનવામાં આવે છે. આથી 15 જૂન સોમવારે બ્રહ્મ મુહૂર્ત સવારે 04:18 થી 05:06 (અંદાજે ૪૮ મિનિટનો ગાળો) સુધીનો રહેશે.  આ સમયગાળા દરમિયાન, કોઈપણ  વ્યક્તિ પવિત્ર નદીઓમાં સ્નાન કરી શકે છે અને જરૂરિયાતમંદોને દાન કરી શકે છે. તે ઉપરાંત, અભિજિત મુહૂર્ત જે સવારે 11:54 થી બપોરે 12:50 સુધી ચાલે છે તે દાન અને સ્નાન માટે પણ શુભ માનવામાં આવે છે.

નદીઓમાં સ્નાન અને દાનનું મહત્વ 
આ દિવસે, વ્યક્તિએ ગંગા, યમુના વગેરે પવિત્ર નદીઓમાં સ્નાન કરવું જોઈએ, અથવા ઘરે ગંગાજળથી સ્નાન કરવું જોઈએ. પિતૃઓને દાન કરવું શુભ માનવામાં આવે છે. આ દિવસે પિતૃનું તર્પણ કરવાથી તેમને શાંતિ મળે છે અને તેમના આશીર્વાદ પરિવાર પર રહે છે. સોમવતી અમાસ પર જરૂરિયાતમંદોને ચોખા, લોટ, કઠોળ, ખાંડ, મીઠાઈ અને ફળોનું દાન કરવું શુભ માનવામાં આવે છે.

પીપળાની પૂજા
હિન્દુ ધાર્મિક માન્યતા છે કે સોમવતી અમાસ પર ભગવાન વિષ્ણુ પીપળાના વૃક્ષમાં નિવાસ કરે છે. પીપળાના વૃક્ષની ૧૦૮ વાર પરિક્રમા કરવાથી સુખ અને સમૃદ્ધિ મળે છે. પરિણીત સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખી દામ્પત્ય જીવન માટે ઉપવાસ કરે છે.