Tue Jun 23 2026

Logo

છ સાંસદોએ પોતાને જ વેચી દીધા: અંબાદાસ દાનવે

2026-06-23 16:34:00
Author: Vipul Vaidya
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: એકનાથ શિંદેની શિવસેનામાં સામેલ થયેલા છ સાંસદોએ ‘પોતાની જાતને જ વેચી નાખ્યા’ હોવાની અને લાલચમાં ફસાઈ ગયા હોવાની ટીકા કરતાં જણાવ્યું હતું કે વિકાસ માટે ભંડોળ ન મળતું હોવાના તેમના દાવાઓ ખોટા છે.
 
શિવસેના (યુબીટી)ના જે સાંસદો એકનાથ શિંદે સાથે જોડાયા છે તેમાં સંજય દેશમુખ (યવતમાળ), સંજય જાધવ (પરભણી), સંજય દિના પાટીલ (ઈશાન મુંબઈ), નાગેશ પાટીલ-આષ્ટિકર (હિંગોલી), ઓમપ્રકાશ રાજે નિમ્બાળકર (ધારાશિવ) અને ભાઉસાહેબ વાકચૌરે (શિરડી)નો સમાવેશ થાય છે.
 
આમાંથી કેટલાક સાંસદે એવો દાવો કર્યો હતો સત્તાધારી પક્ષમાં જોડાવાથી તેમના મતવિસ્તારોને વિકાસ ભંડોળ મળશે અને મોટા પ્રોજેક્ટ્સ લાવવામાં મદદ મળશે.
 
દાનવેએ આ મુદ્દે કહ્યું હતું કે અમારો સાથ છોડીને એકનાથ શિંદે સાથે જોડાયેલા તમામ છ સાંસદોએ પોતાને વેચી દીધા છે. વિકાસ ભંડોળ ન મળવાનો તેમનો દાવો ખોટો છે. શિંદે સાથેના તેમના સોદાની વિગતો ટૂંક સમયમાં બહાર આવશે.
 
રાજ્ય વિધાનભવન ખાતે પત્રકારોએ તેમને ઉદ્ધવની બેઠકમાં ગેરહાજર વિધાનસભ્યો બાબતે સવાલ કર્યો ત્યારે તેમણે કહ્યું હતું કે વિપક્ષી મહાવિકાસ આઘાડીની બીજી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બધા હાજર રહેશે.