હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિમાં ધનની દેવી તરીકે માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે અને આપણામાંથી દરેક વ્યક્તિની એવી ઈચ્છા હોય છે ધનની દેવી માતા લક્ષ્મીની કૃપા આપણા પર સતત વરસતી રહે, જીવનમાં ક્યારેય આર્થિક તંગીનો સામનો ના કરવો પડે. જો તમે પણ ગમે એટલા પ્રયાસો કરો, પણ ઘરમાં હંમેશા આર્થિક તંગી વર્તાતી હોય તો આજે અમે તમને અહીં કેટલાક એવા વિશેષ ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેને કરીને તમે આ સમસ્યામાંથી મુક્તિ મેળવી શકો છો.
જ્યોતિષશાસ્ત્ર અને શાસ્ત્રો અનુસાર જીવનમાં આવતી આર્થિક તંગી અને માનસિક અશાંતિ દૂર કરવા માટે કેટલાક નાના પણ પ્રભાવશાળી ઉપાયો સૂચવવામાં આવ્યા છે.
તુલસી પૂજા અને દીપદાનનું મહત્વઃ
શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યા અનુસાર તુલસીના છોડમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે, તેથી દરરોજ સવારે સ્નાન કર્યા પછી તુલસીને જળ અર્પણ કરવું અત્યંત શુભ માનવામાં આવે છે. સાંજના સમયે તુલસી ક્યારા પાસે ગાયના ઘીનો દીવો પ્રગટાવવાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સુખ-શાંતિ જળવાઈ રહે છે.
મુખ્ય દ્વાર અને વાસ્તુ ઉપાયો
ઘરનું મુખ્ય પ્રવેશદ્વાર એ સકારાત્મક ઉર્જાના પ્રવેશનું સ્થાન છે, તેથી તેને હંમેશા સ્વચ્છ અને અવરોધમુક્ત રાખવું જોઈએ. મુખ્ય દ્વાર પર આસોપાલવ કે આંબાના પાનનું તોરણ બાંધવાથી દેવી-દેવતાઓ પ્રસન્ન થાય છે અને ઘરમાં મંગલકારી વાતાવરણ બની રહે છે.
જીવદયા અને ગ્રહ શાંતિ
દરરોજ સવારે રસોઈ બનાવતી વખતે પહેલી રોટલી ગાય માટે કાઢવી જોઈએ. તેનાથી કુંડળીના અનેક દોષો શાંત થાય છે અને પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. અગાસી કે ઘરની બહાર પક્ષીઓ માટે ચણ અને પાણીની વ્યવસ્થા કરવાથી આર્થિક અવરોધો દૂર થાય છે અને અટકેલા કાર્યોમાં સફળતા મળે છે.
આર્થિક ઉન્નતિ માટે શુક્રવારના ઉપાયો
શુક્રવાર એ ધનની દેવી માતા લક્ષ્મીને સમર્પિત દિવસ છે. આ દિવસે લક્ષ્મીજીની પૂજા કરી તેમને કમળનું ફૂલ, સફેદ મીઠાઈ કે ખીરનો પ્રસાદ ધરવાથી આર્થિક તંગી દૂર થાય છે. ઘરની તિજોરીમાં એક નાનું લાલ કપડું રાખવું અથવા કુબેર યંત્રની સ્થાપના કરવી પણ ધન પ્રાપ્તિ માટે પ્રભાવશાળી માનવામાં આવે છે.
વાતાવરણની શુદ્ધિ અને કપૂરનો પ્રયોગ
દરરોજ સવાર-સાંજ ઘરમાં કપૂર પ્રગટાવવાથી ઘરના વાસ્તુદોષોમાં રાહત મળે છે અને વાતાવરણમાં શુદ્ધતા આવે છે. કપૂરનો ધુમાડો માનસિક તણાવ ઓછો કરવામાં અને કાર્યક્ષમતા વધારવામાં પણ મદદરૂપ થાય છે.
દાન અને સેવાનું ફળ
આપણા શાસ્ત્રોમાં દાનનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. પોતાની શક્તિ અનુસાર ગરીબ કે જરૂરિયાતમંદ લોકોને અન્ન, વસ્ત્ર કે અન્ય ચીજોનું દાન કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે અને ઘરના ભંડાર ભરેલા રહે છે.