નવી દિલ્હી: ભારતીય ટી-20 ક્રિકેટ ટીમ આ મહિને આયરલૅન્ડ અને ઇંગ્લૅન્ડના પ્રવાસે જશે અને એ માટે જે ટીમ શનિવાર, છઠ્ઠી જૂને સિલેક્ટ કરવામાં આવશે એનું નેતૃત્વ શ્રેયસ ઐયરને સોંપવામાં આવશે એવી પાક્કી સંભાવના છે. શ્રેયસ અઢી વર્ષે કેપ્ટન્સી સાથે ભારતની ટી-20 ટીમમાં કમબૅક કરી રહ્યો છે.
31 વર્ષના શ્રેયસ ઐયરે ટી-20 ફોર્મેટની આઈપીએલમાં ખૂબ સારું પર્ફોર્મ કર્યું છે, પરંતુ નવાઈની વાત એ છે કે ભારત વતી તે ટી-20 ઇન્ટરનેશનલ મૅચ છેલ્લે ડિસેમ્બર 2023માં (અઢી વર્ષ પહેલાં) રમ્યો હતો અને હવે તેના ભાગ્યમાં મોટો પલટો આવી રહ્યો છે. તેને ટીમ ઈન્ડિયાની ટી-20 ટીમનું સુકાન સોંપવાની તૈયારી લગભગ થઈ ચૂકી છે.
બન્ને વર્લ્ડ કપમાં નહોતો અને હવે સીધી કેપ્ટન્સી
બીજી આશ્ચર્યની વાત એ છે કે શ્રેયસ 2024 અને 2026ના ટી-20 વર્લ્ડ કપમાં નહોતો રમ્યો છતાં તેને હવે ટી-20 ટીમના નેતૃત્વની મોટી જવાબદારી સોંપાઈ રહી છે. એ બંને વર્લ્ડ કપની ટ્રોફી ભારતે જીતી લીધી હતી.
ટી-20ની આઈપીએલમાં સારો પર્ફોર્મન્સ
શ્રેયસ 2017થી 2023 સુધીના છ વર્ષમાં ભારત વતી 51 ટી-20 મૅચ રમ્યો હતો જેમાં તેણે કુલ 1,104 રન બનાવ્યા હતા. આંતરરાષ્ટ્રીય ટી-20 મૅચોમાં તેનો પર્ફોર્મન્સ સાધારણ રહ્યો છે, પરંતુ આઈપીએલમાં તેણે 2024માં કોલકત્તાને ચેમ્પિયન બનાવ્યું હતું અને 2025માં પંજાબની ટીમને રનર-અપ બનાવી એ જોતાં તેને હવે ભારતની ટી-20 ટીમની કેપ્ટન્સી સોંપવામાં આવી રહી છે.
ઑલિમ્પિક્સ અને વર્લ્ડ કપ, બે નવા ટાર્ગેટ
અજિત આગરકરના અધ્યક્ષસ્થાન હેઠળની સિલેક્શન કમિટીનો ધ્યેય 2028ની લૉસ ઍન્જલસ ઑલિમ્પિક્સ અને 2028ના ટી-20 વર્લ્ડ કપ માટે અત્યારથી ભરોસાપાત્ર કેપ્ટન્સીવાળી ટીમ તૈયાર કરવાનો છે.