અમદાવાદઃ રાજ્યમાં હાલ ચોમાસાની ગતિ ધીમી પડી છે અને આગામી દિવસોમાં સાર્વત્રિક સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. સિસ્ટમ સક્રિય હોવા છતાં ભારે વરસાદની શક્યતા ઓછી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના બે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ પણ વરસાદની નવી આગાહી કરી છે.
આજે ક્યાં છે વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, બંગાળની ખાડીમાં બનેલી નવી સિસ્ટમ અને વરસાદી પવનોના કારણે સમગ્ર ગુજરાતમાં આગામી દિવસોમાં ગાજવીજ સાથે સારો વરસાદ થવાની શક્યતા છે. આજે ઉત્તર અને મધ્ય ગુજરાતના અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને આણંદમાં છૂટોછવાયો વરસાદ રહેશે. જ્યારે દક્ષિણ ગુજરાતના સુરત, વડોદરા, ભરૂચ, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, નર્મદા, છોટાઉદેપુર તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ, મોરબી, પોરબંદર, સુરેન્દ્રનગર, બોટાદ, કચ્છ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ રાજ્યમાં આજે સવારે 6 વાગ્યે પૂરા થયેલા છેલ્લા 24 કલાકમાં 32 તાલુકામાં મેઘમહેર થઈ હતી. ખેડાના કપડવંજમાં 0.39 ઇંચ, વલસાડના નાનાપોંઢામાં 0.39 ઇંચ, તાપીના વાલોડમાં 0.31 ઇંચ વરસાદ નોંધાયો હતો.
અંબાલાલની આગાહી
રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ મુજબ, 31 ઓગસ્ટ, 2026 સુધી ગુજરાતમાં નક્ષત્રના આધારે ભારે વરસાદ પડવાની સંભાવના છે. આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા અને અરવલ્લીમાં ભારે વરસાદ પડી શકે છે. ઉત્તર સૌરાષ્ટ્ર અને જામનગરના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે, જ્યારે બાકીના વિસ્તારોમાં હળવા અને છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે.
પરેશ ગોસ્વામીએ શું કરી છે આગાહી
બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં વરસાદ પરેશ ગોસ્વામીએ આગાહી કરતાં જણાવ્યું, હવામાન મોડેલ અનુસાર, ગુજરાતમાં 26 ઓગસ્ટથી લઈને 6 સપ્ટેમ્બર વચ્ચે સારો વરસાદ થવાની પૂરી સંભાવના છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ લગભગ 58 % જેટલો વરસાદ નોંધાયો છે. ચોમાસું પૂર્ણ થાય ત્યાં સુધીમાં હજી 40% થી 45% વરસાદ વરસવાની શક્યતા છે, જે શિયાળુ પાક માટે પાણીની જરૂરિયાત પૂરી કરવામાં મદદરૂપ થશે. જોકે, તમામ વિસ્તારોમાં એકસરખો વરસાદ થયો નથી. ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર અને પોરબંદર જેવા જિલ્લાઓમાં ઓગસ્ટના અંત સુધી પણ વરસાદ ખૂબ નબળો રહ્યો છે અને દુષ્કાળ જેવી સ્થિતિ જોવા મળે છે.
આ ઉપરાંત તેમણએ કહ્યું, અરબ સાગરમાં મોન્સૂન ઓફશોર ટ્રફ સક્રિય થયો છે, સાથે જ બંગાળની ખાડીમાં સર્જાયેલી અસ્થિરતાનું શિયર ઝોન ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. 24 અને 25 ઓગસ્ટ સુધીમાં આ સિસ્ટમ ગુજરાતની વધુ નજીક પહોંચશે, જેના પગલે ૨૬ ઓગસ્ટથી રાજ્યમાં વરસાદી માહોલ જામશે.