Tue Aug 25 2026

Logo

હું, સોનલ ઝવેરી- પ્રકરણ - 42

2026-08-24 08:11:00
Author: Maavji Maheshwari
હું, સોનલ ઝવેરી- પ્રકરણ - 42

 

માવજી મહેશ્વરી

કાર સીધી હોસ્પિટલમાં ઊભી રહી. સોનલના મોં ઉપરનો રંગ જ બદલી ગયો હતો. તેની ચાલમાં ભરપૂર આત્મવિશ્વાસ દેખાતો હતો. સનતની હાલત નિશાળમાં નવા દાખલ થયેલા વિદ્યાર્થી જેવી હતી. તેને મનોમન થતું હતું કે પોતે મુંબઈ આવવાની સોનલને ના કેમ ન કહી શક્યો? અને સોનલે મને સાથે લેવાનો નિર્ણય કેમ લીધો હશે? સોનલે નીચે ઈન્કવાયરી કાઉન્ટર પર રત્નાકરજીની વિગત મેળવી. જોકે તેણે અભિજિતને ફોન કર્યો હતો પણ કોઈ કારણસર તેનો ફોન લાગ્યો ન હતો. લિફ્ટમાં સોનલે સનત સામે જોઈ રહેતા પૂછ્યું, ‘કેમ કંઈ બોલતા નથી? ગભરાઓ નહીં હવે કંઈ થવાનું નથી. જે થવાનું હતું તે થઈ ગયું.’ 

‘ના, ગભરાતો નથી પણ કંઈક મુંઝારા જેવું લાગે છે.’ 

‘અરે કાલે ડ્રાઈવર સામે એકલા લડી લેવાની હિંમત આવી ગઈ હતી અને અહીં મુંઝારો થાય છે? તમે મારી લાઈફના દરેક પાત્રોથી આમ તો પરિચિત થઈ ગયા છો. આપણે અત્યારે મળવા જઈ રહ્યા છીએ રત્નાકરજીને. તેઓ હવે આઈસીયુમાં નથી. એટલે પહેલા એ જાણી લેવું જરૂરી છે કે એમની સ્થિતિ કેવી છે. એ સ્વસ્થ હશે તો એક વિચક્ષણ અને લાગણીશીલ માણસનો પરિચય થશે.’

બંને લિફ્ટમાં હતાં અને અભિજિતનો ફોન આવ્યો, ‘બેન તમે ક્યાં છો? કેટલાય ફોન કર્યા તમારો ફોન લાગતો જ નથી. ઈઝ એનીથીંગ રોંગ?’ 
સોનલ જોરથી હસી પડી. ‘ભાઈ સાહેબ રોંગ તો કેટલુંય હતું. હું લિફ્ટમાં છું. બસ થોડી સેક્ધડમાં તમારી પાસે આવું છું. દાદાજી કેમ છે હવે?’ 

‘ઓલવેલ છે, પ્લીઝ વેલકમ.’ લિફ્ટમાંથી બહાર નીકળીને સોનલે સનતને કહ્યું, ‘સોરી મારે એકલાએ જ અંદર જવું પડશે. ત્રણ વ્યક્તિ અલાઉડ નથી. હું તમને બોલાવી લઉં છું. ત્યાં સુધી અહીં બેસો.’

સનતે સ્માઈલ કર્યું અને વીંગમાં ગોઠવેલી ખુરશી પર બેસી ગયો. સોનલે દરવાજા ઉપર નોક કર્યું અને રાહ જોયા વગર ખોલ્યો. તે દોડતી હોય તેમ રત્નાકરજીને વળગી પડી. રત્નાકરજીના ડાબા હાથમાં પાટો હતો. તેમણે જમણા હાથે સોનલની પીઠ પસવારી. સોનલના આંસુ વહ્યે જતા હતાં, ‘અરે બેટા હવે શા માટે રેડે છે તું? બધું બરોબર થઈ ગયું છે. જો મને કોઈ કરતા કોઈ ચિંતાની વાત નથી.’ 

‘દાદાજી મને કહો શું થયું હતું ખરેખર?’ 

રત્નાકરજી કંઈક વિચારમાં પડી ગયા હોય તેમ સામેની ભીંતને જોતા રહ્યા. તેમણે સોનલના હાથ પર હાથ મૂકતાં કહ્યું, ‘બેટા સત્યને હંમેશાં કાંટાળી વાટમાંથી પસાર થવાનું હોય છે. એટલે તું મારી ચિંતા મૂક. તું કેમ છો એ કહે. અભિજિત કહેતો હતો તારો સંપર્ક થતો ન હતો. ક્યાં હતી તું? અત્યારે ક્યાંથી આવે છે. તારા ઢંગ મને ઠીક નથી લાગતા.’ 

‘દાદાજી મારી વાત પછી. પહેલા કહો કોણે ઠોકર મારી, તમને કશો ખ્યાલ આવ્યો?’ 

‘બેટા ખ્યાલ આવે એવો સમય જ ન હતો. કુદરત હજુય મારા પક્ષે છે એ સમજાય છે. હું રાતે થોડે સુધી વોક કરવા જાઉં છું. તને ખબર છે નાનકડા બગીચા જેવું છે ત્યાં ત્રણ રસ્તા ફૂટે છે. મારે ત્યાંથી રસ્તો ક્રોસ કરવો પડે છે. હું રસ્તો ક્રોસ કરતો હતો ત્યારે બે કારની લાઈટ એકદમ મારી આંખો ઉપર પડી. આંખો અંજાઈ ગઈ. હું ઝડપથી ફૂટપાથ ઉપર ચડવા ગયો પણ મને એવું યાદ આવે છે કે કોઈએ મને પાછળથી ધક્કો માર્યો. હું રસ્તા ઉપર આવી ગયો. 

એજ વખતે કોઈ બીજી કાર જાણે મને ઉડાવી જ દેવાનો હોય એમ એકદમ મારી સામે આવી. પણ કારનો ધક્કો મને પીઠમાં વાગે તે પહેલા હું દોડ્યો તોય કારનો અરીસો મને એટલા જોરથી વાગ્યો કે હું જોરથી પછડાયો. સારું થયું માથું ફૂટપાથ સાથે અથડાયું નહીં. મારું આખુંય વજન ખભા ઉપર આવી ગયું.’ આ જો રત્નાકરજીએ પાટો બતાવતા સ્માઈલ કર્યું. તેણે રત્નાકરજીના પાટાવાળા હાથને પસવારતાં કહ્યું, ‘દાદાજી હવે આ કાયમી અંત લાવી દઈએ. આપણે ડરવાની કોઈ જરૂર નથી. તમે હજુ મારી દાસ્તાન સાંભળશો તો ચોંકી જશો.’

રત્નાકરજીએ સોનલ સામે જોતાં કહ્યું, ‘ક્યારેક નાનકડી ભૂલ પણ મોટી આફત સર્જી શકે છે. ભૂલ તેં કરી છે અને મેં પણ કરી છે.’ દાદાજી કંઈક સમજાય તેવું બોલો. સામાન્ય રીતે કદી ભાવુક ન થતા રત્નાકરજીની આંખોનાં ખૂણા ભીના થતા હોય એવું સોનલને લાગ્યું. રત્નાકરજીએ અભિજિત સામે જોયું. અભિજિતે શું કરવું તે સમજી ન શક્યો. વાતનો તંતું તૂટતો જોઈ સોનલે કહ્યું, ‘દાદાજી હું જે કંઈ ફેસ કરીને આવી છું એની સપનામાં પણ કલ્પના કરી ન શકું. પણ ઈશ્વર આપણી સાથે છે એટલે સલામત છું. 

કદાચ જીવતી હોત તોય તમને મોં બતાવવા જેવી ન રહી હોત.’ રત્નાકરજીએ સોનલના હાથ ઉપર હાથ મૂકતાં કહ્યું, ‘બેટા મને પણ એજ પસ્તાવો થાય છે કે મેં તને એકલી જવા શા માટે દીધી? હું થાપ ખાઈ ગયો. મારી છઠ્ઠી ઈન્દ્રીય કહેતી હતી કે તારા ઉપર કોઈ આફત આવવાની છે, છતાં તને જવા દીધી. મારા જીવનની સૌથી મોટી ભૂલ હતી. તને કંઈ થઈ ગયું હોત તો ઉપર જઈને શેઠ મણિરામ ઝવેરીને શું જવાબ આપ્યો હોત?’ રત્નાકરજી ચૂપ થઈ ગયા. 

સોનલે રત્નાકરજીના કપાળ ઉપર વહાલથી હાથ ફેરવતાં કહ્યું, ‘દાદાજી મને કંઈ થયું નથી. પણ જે થયું છે એની વાત કરીશ તો તમને કમકમા આવી જશે. તમારા સૌના પૂણ્યો થકી આજે સલામત છું. અચ્છા હવે ડોક્ટર શું કહે છે? હજુ કેટલા દિવસ અહીં રહેવું પડે એમ છે?’

રત્નાકરજી કંઈ કહે તે પહેલા અભિજિત બોલ્યો, ‘આમ તો ખાસ કશું નથી. જસ્ટ ફ્રેક્ચર. જોકે ડોક્ટર આજે બપોર પછી ડીસીઝન લેશે.’ 
‘ઓકે. દાદાજી તમે સ્વસ્થ થઈ જાઓ. દુશ્મનોને હવે છોડવા જ નથી. ભલે શેઠ મણિરામની ઈજ્જતનો ધજાગરો થતો.’ 

રત્નાકરજી સોનલને જોઈ રહ્યા. તેમણે આછું હસતાં માથું હલાવ્યું. પછી કંઈક યાદ આવતાં કહ્યું, ‘મને એ તો કહે કે પાલનપુરથી ભાગી ગયા પછી તું બે દિવસ હતી ક્યાં?’ સોનલની આંખો જરા પહોળી થઈ ગઈ. તેણે કહ્યું, ‘ઓહહહ! તમે આવી હાલતમાં પણ?’
‘બેટા મને મારી નહીં, તારી ચિંતા હતી. એટલે મેં તરત ત્યાં માણસ મોકલાવ્યો છે. તેણે જે કહ્યું તે બહુ જ ચિંતાજનક હતું.’ 

‘અરે યાદ આવ્યું ત્યાંનો ચોકીદાર ગણપત તો સલામત છે ને? હું એને ભગવાનના ભરોસે જ છોડીને ભાગી નીકળી હતી. મને ખબર હતી કે કદાચ એ લોકો એને મારી નાખે પણ ખરા.’ 

‘એ બી ગયો છે. પાલનપુરવાળા મકાનનો ઉપરનો દરવાજો એ લોકોએ તોડ્યો છે. તારો સામાન વેરવિખેર કર્યો છે. ઘરના કબાટ એમનાથી તૂટ્યા ન હતા. જોકે સારું થયું કે ગણપત ત્યાંથી ભાગી છૂટ્યો અને તેણે તરત મને ફોન કર્યો. એણે ફોન કર્યો ન હોત તો મને કશી ખબર જ ન પડત.’

સોનલને એ નમતો દિવસ યાદ આવી ગયો. પોતે કેવા સંજોગોમાં પેન્ડૂલાનાં ઝાડ પરથી કુદકો માર્યો અને તે પછીની એક એક ક્ષણ થોડીવારમાં તેની આંખો સામેથી પસાર થઈ ગઈ. તેના અચાનક દાંત ભીંસાઈ ગયા. તેણે હોઠ ભીડીને કહ્યું, ‘દાદાજી આઈ નેવર પાર્ડન ધેમ રાસ્કલ્સ.’

‘રીલેક્ષ માય ડોટર રીલેક્ષ. બધું થઈ રહેશે. તું પહેલા જરા ફ્રેશ તો થા અને તારા પેન્ટ ઉપર આટલા ડાઘા શેના છે?’

‘અરે, દાદાજી એ બધી વાત કહીશ તો તમે રડશો. તમારી આ છોકરી રાક્ષસો વચ્ચેથી ભાગીને આવી છે. અરે હા, સાવ ભુલાઈ ગયું. અભિજિતભાઈ બહાર એક યુવાન જે મારી સાથે આવ્યો છે. એ બિચારો નવાણિયો કુટાઈ ગયો છે. મારી આખીય કહાનીમાં એ અનાયાસે સંડોવાઈ ગયો છે. જોકે એના કારણે જ હું આજે સલામત છું.’ 

‘કોણ છે એ?’ 

સોનલે નેણ ઊંચા ચડાવતાં કહ્યું, ‘દાદાજી આમ તો હું એને ઓળખતી જ નથી. તેણે કહ્યું કે તે મિકેનીકલ ઈંમ્જિનિયર છે અને અત્યારે કચ્છની કોઈ ફેક્ટરીમાં કામ કરે છે?’
‘એ વળી તને ક્યાં મળ્યો?’ 
‘દાદાજી બહુ લાંબી વાત છે. પણ એકદમ સાચો માણસ છે. એને રીતસર અહીં ઉપાડી જ આવી છું.’ 

કેમ? રત્નાકરજીએ પૂછ્યું. સોનલને કલ્પના પણ ન હતી કે રત્નાકરજી આવું પૂછશે. રત્નાકરજી સોનલની આંખોમાં જોઈ રહ્યા. સોનલ આડુંઅવડું જોયા પછી ઝડપથી બોલી ગઈ, ‘દાદાજી એ નિર્ણય મેં શા માટે લીધો એની જ મને ખબર નથી. પણ એ ન હોત તો....’

‘તો એને બહાર શા માટે બેસાડી આવી?’ 
‘દાદાજી અહીં રૂમમાં ત્રણ વ્યક્તિ અલાઉડ નથી એટલે એના બહાર બેસાડ્યો છે.’ 
‘અરે, કશો વાંધો નથી. અભિજિત જલ્દી બોલાવી આવ એને.’ 

થોડીવાર રહીને સનતે રૂમમાં પ્રવેશ કર્યો. તેણે રત્નાકરજીને જોયા. તે નમીને રત્નાકરજીના પગને અડ્યો અને હાથ જોડીને ઊભો રહ્યો, ‘અરે, બેટા પગે ન લાગવાનું હોય. તમે બેસો.’ સનત ખરેખર મુંઝાયેલો લાગતો હતો. સોનલે એક નજર સનત ઉપર નાખી અને કહ્યું, ‘દાદાજી આ સનત ચૌહાણ છે. મારી સાથે અનાયાસે સંડોવાઈ ગયો છે. મરતા બચ્યો છે એમ જ કહો. સનત આ છે મારા દાદાજી રત્નાકરજી.’

સનતને બોલવામાં શ્રમ પડતો હોય તેમ અભિજિત સામે જોયું પછી જરા હસીને કહ્યું, ‘હવે તો મને તમારી ફેમિલીના બધાંય પાત્રોને જોવાનાં જ બાકી છે. તમે જે વર્ણન કર્યું હતું એવાં જ છે વોરાસાહેબ.’ 

રત્નાકરજીના કપાળમાં સળ પડ્યા. તેમણે તરત હસી પડતાં કહી દીધું, ‘તો તમે મારી અટક પણ જાણો છો. લાગે છે સોનલ અને તમને ખાસ્સો સમય મળ્યો છે વાતો કરવા.’ સોનલને સમજાયું નહીં કે રત્નાકરજી શું કહેવા માગે છે. તેણે તરત કહ્યું, ‘દાદાજી એ વાત પણ બહુ જ રોમાંચક છે. અત્યારે હસવું આવે છે પણ તમને વિશ્વાસ ન આવે એવા પરાક્રમો કરી નાખ્યાં છે આ બે ત્રણ દિવસોમાં. એમાં આ ઈન્જિનિયર સાહેબ કારણ વગરના વચ્ચે આવી ગયા છે. 

બાય ધ વે અભિજિતભાઈ કોફી મળી શકે અહિંયા? અમે બેય જણાએ કાલથી કશું ખાધું નથી.’ રત્નાકરજી સોનલની સામે જોઈ રહ્યા હતા. સનત સોસવાઈ રહ્યો હતો. તે રત્નાકરજીની સામે આંખ માંડતો ન હતો. અભિજિતે કહ્યું, ‘એક કામ કરીએ આપણે રેસ્ટોરન્ટ્માં જઈએ. ત્યાં જ કશું ખાઈ લઈએ. બાકી કૉફી હું અહીં જ બનાવી આપું તમને. દાદાજી પોતાના ટેસ્ટ સાથે બાંધછોડ કરતા નથી. સનત તમે હજુ થોડો સમય ભૂખ્યા રહી શકશો ને? તો કૉફી પી લઈએ.’ 

‘હા ચાલશે. આમ તો ભૂખ જ મરી ગઈ છે.’

રત્નાકરજીએ જરા પાછળ ખસીને બેડને ટેકો લઈ સરખા બેસી રહેતા કહ્યું, ‘સોનલ તું મને આખી વાત કર. જે બન્યું એ બધું રજેરજ કહે. કેમ કે જે રીતે તું પાલનપુરથી ભાગી છૂટી એ હિસાબે તે પછી પણ કંઈક બન્યું છે. હવે આપણે શું કરવું તે નક્કી કરવાનું છે.’ 

‘દાદાજી એકવાર તમે ઘરે આવી જાઓ પછી શું કરવું તે વિચારશું. એ માટે ખાસ્સી લાંબી ચર્ચા કરવી પડશે.’    
‘ના, અત્યારે જ વાત કરી લઈએ. મને હવે સમય બગાડવો પાલવે તેમ નથી.’ 
અભિજિતે કોફીના કપ સોનલ અને સનત સામે ધર્યા. સનતે સોનલ સામે જોયું. રત્નાકરજી બેયને જોઈ રહ્યા. (ક્રમશ:)