Mon Oct 05 2026

Logo

હનુમાન: અંશથી લઈ અવતાર સુધી ...

2026-10-05 08:41:00
Author: Mukesh pandya
હનુમાન: અંશથી લઈ અવતાર સુધી ...

 

મુકેશ પંડ્યા


આપણી પૃથ્વીનું એક નામ મૃત્યુલોક પણ છે કારણ કે અહીં કોઈ પણ પ્રાણી કે માનવી જન્મ લે એનું મૃત્યુ નિશ્ચિત હોય છે, પરંતુ દરેક નિયમને અપવાદ હોય છે તેમ ભારતીય શાસ્ત્રો પ્રમાણે અહીં સાત એવા આત્માઓ વિહરી રહ્યા છે જે ચિરંજીવી અર્થાત્ અમર રહ્યા છે. જેમને જન્મ મરણના ચક્કર કાપવાની જરૂર પડતી નથી એવા સાત પાત્રોમાંમાંથી એક એટલે શ્રી હનુમાનજી.

આ વાતને માનવા માટે અનેક કારણો છે. 
સૌથી પ્રાચીન એવા ચારેય વેદોમાં ‘હનુમાન’નો સીધો ઉલ્લેખ નથી, પરંતુ ઋગ્વેદના 10મા મંડળના 86મા સૂક્તમાં ‘વૃષાકપિ’ નામનો ઉલ્લેખ આવે છે. વૃષા’ એટલે બળવાન અને ’કપિ’ એટલે વાનર. સંશોધકો અને વિદ્વાનોના મતે, આ વૈદિક ‘વૃષાકપિ’ એ જ હનુમાનજીનું પ્રારંભિક સ્વરૂપ છે. 

ઉપનિષદોમાં હનુમાનજી

મૂળ 108 ઉપનિષદો પૈકી કેટલાક પાછળના (ખાસ કરીને વૈષ્ણવ અને રામ ભક્તિ સંપ્રદાયના) ઉપનિષદોમાં હનુમાનજીનો મુખ્ય પાત્ર અથવા જિજ્ઞાસુ શિષ્ય તરીકે ઉલ્લેખ છે:

આમાં ‘મુક્તિકા ઉપનિષદ’ ખૂબ મહત્ત્વનું છે, કારણ કે તેમાં ભગવાન શ્રીરામ અને હનુમાનજી વચ્ચેનો સંવાદ છે. હનુમાનજી મુક્તિ (મોક્ષ) વિશે પ્રશ્ન પૂછે છે, જેના જવાબમાં શ્રીરામ તેમને વેદાંતનું જ્ઞાન આપે છે અને મુક્તિ માટે 108 ઉપનિષદોનો અભ્યાસ કરવાનું સૂચન કરે છે.

‘રામ રહસ્ય’ ઉપનિષદમાં હનુમાનજી અન્ય ઋષિઓને ભગવાન રામની ઉપાસના અને મંત્રોનું રહસ્ય સમજાવે છે.
‘લાંગૂલ ઉપનિષદ’ એક વિશિષ્ટ તાંત્રિક ઉપનિષદ છે, જે સંપૂર્ણપણે હનુમાનજીની શક્તિ અને તેમના રક્ષણાત્મક મંત્રો પર આધારિત છે.

હનુમાનજી મૂળભૂત રીતે શિવજીના અંશાવતાર અને વાયુપુત્ર છે. વેદોમાં રુદ્ર (શિવ) અને વાયુ દેવતાની પુષ્કળ સ્તુતિઓ છે. તેથી વૈદિક દૃષ્ટિએ હનુમાનજી એ દૈવી પ્રાણશક્તિ (વાયુ) અને જ્ઞાન-બળના પ્રતીક છે, જેમણે ત્રેતાયુગ અર્થાત્ રામાયણ કાળમાં અવતાર ધારણ કર્યો હતો અન રામ સાથે મળીને અસુરોનો સંહાર કર્યો હતો. 

વળી દ્વાપર યુગ અર્થાત્ મહાભારત કાળમાં પણ હનુમાનજીનો ઉલ્લેખ જોવા મળે છે. કૌરવો - પાંડવોના સમગ્ર  યુદ્ધ દરમ્યાન તેઓ અર્જુનના રથ પર વિરાજમાન રહ્યા હતા. હાલ કળિયુગ ચાલી રહ્યો છે તેમાં પણ તેમની હાજરી કોઈના કોઈ સ્વરૂપે અવશ્ય વર્તાય છે. હાલ બાબા નીમકરોલી પર આધારિત ફિલ્મ ‘હનુમાન અંશ’ સફળતાના બધા જ વિક્રમ સર કરી રહી છે તેમાં હનુમાનજી જેવી સિદ્ધિ જેમને પ્રાપ્ત થઈ હતી એવા નીમ કરોલી બાબા શ્રી લક્ષ્મણદાસના જીવન કવનને સુંદર રીતે રજૂ કરાયું છે. બાબાજીનો જીવન કાળ વર્ષ 1900થી 1973 સુધીનો હતો એ પરથી એટલું તો સાબિત થાય જ છે કે દરેક યુગમાં હનુમાનજી હાજરાહજૂર છે. 

આજે પણ જ્યાં જ્યાં રામાયણ વંચાય છે ત્યાં ત્યાં શિવના અવતાર એવા હનુમાનજી એ સાંભળવા અચૂક આવે છે તેવી દૃઢ માન્યતા લોકોમાં છે જ એટલે જ ગોસ્વામી શ્રી તુલસીદાસે ચાલીસામાં સ્પષ્ટ લખ્યું છે કે ‘ચારો જુગ પરતાપ તુમ્હારા’.

હનુમાનજીની હાજરી દરેક યુગમાં વર્તાય તો છે જ પરંતુ કાળા માથાનો માનવી ધારે તો પોતાના પરિશ્રમથી હનુમાન જેવી સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. આ કોલમના શરૂઆતનાં પ્રકરણોમાં જ લેખકે લખ્યું હતું કે સનાતન ધર્મ વૈજ્ઞાનિક હોવા ઉપરાંત લોકશાહીયુક્ત ધર્મ પણ છે. સામાન્ય માનવ પણ દૈવીશક્તિ પ્રાપ્ત કરી શકે છે. 

આ શક્તિને બેફામ છોડી દેવામાં આવે તો તે વિનાશ નોતરી શકે છે, પણ જો તેને કોઈ ઉચ્ચ અને પવિત્ર ધ્યેય તરફ વાળવામાં આવે તો તે કલ્યાણકારી બને છે. 

હનુમાનજી પાસે અદ્ભુત શક્તિઓ હતી, છતાં તેમણે પોતાની તમામ શક્તિઓ ભગવાન શ્રી રામનાં ચરણોમાં અને ધર્મનાં કાર્યોમાં સમર્પિત કરી દીધી. તેઓ ક્યારેય પોતાના બળના અહંકારમાં ન આવ્યા અને પોતાની શક્તિને ભક્તિમાં રૂપાંતરિત કરી. શક્તિ અને ભક્તિનો આ અદ્ભુત સંગમ બાબા શ્રી નીમકરોલીના જીવનમાં પણ જોવા મળ્યો . 

ટૂંકમાં, જ્યારે કોઈ વ્યક્તિ પોતાની ભીતર રહેલી આંતરિક શક્તિ, બુદ્ધિ અને ક્ષમતાઓને કોઈ નકારાત્મક બાબતોમાં વેડફવાને બદલે સત્ય, ધર્મ અને શ્રેષ્ઠ લક્ષ્ય (ઉચ્ચ ધ્યેય) તરફ વાળે છે, ત્યારે તેનામાં ‘હનુમાનત્વ’ પ્રગટે છે.

આવું જ ‘હનુમાનત્વ’ ગયા અઠવાડિયે ભારતના જાંબાઝ પાઇલટ સ્મિત મચ્છરના શરીરમાં પ્રગટ થયું એવું બેશક કહી શકાય. તેના સહયોગી પાઇલટે જીવલેણ હુમલો કરીને ઉડતા વિમાનને ક્રેશ કરીને સેંકડો મુસાફરોને મોતને હવાલે કરવાનો કારસો રચ્યો હતો, પરંતુ પાઇલટ સ્મિતે  પોતે જ કહ્યું છે તે પ્રમાણે સખત ઘાયલ હોવા છતાં  સતત હનુમાન ચાલીસાનું સ્મરણ કરીને પોતાની બુદ્ધિ અને શક્તિનો યોગ્ય ઉપયોગ કરી કોકપીટનો દરવાજો ખોલવામાં સફળતા મેળવી અને અનેક મુસાફરોના જીવન બચાવ્યા. 

અત્રે એક વાતનો ઉલ્લેખ કરવો જરૂરી છે કે ન કરે નારાયણ ને થોડું પણ મોડું થયું હોત અને ન બનવાનું બની ગયું હોત તો સાચી વાતની કોઈને ખબર પડત નહીં અને દોષનો ટોપલો કે શંકાની સોય એક ભારતીય પાઈલટ તરફ મંડાત. મોટા ભાગના મુસાફરો ઇઝરાયલી હતા એટલે ભારત - ઇઝરાયલના હાલના મજબૂત સંબંધોમાં તિરાડ પડવાની શકયતા ઊભી થાત. ભારતમાં અને દુનિયામાં એવા અમુક લોકો છે જ જેમને આ ઘટનાથી સીધો કે આડકતરો ફાયદો થાત. ભારતે આ આતંકી કૃત્ય કર્યું એવી ખોટી છાપ પણ ઊભી થાત. 

પરંતુ રામભક્ત હનુમાન રાખે તેને કોણ ચાખે? હનુમાનજીના  પ્રતાપે આજે ભારતીયોના માથે ‘વિલન’ને બદલે ‘હીરો’ની છાપ અંકિત થઈ ગઈ. 

ઘણા નાસ્તિક લોકો હનુમાનજીની શક્તિ અને સિદ્ધિઓમાં કદાચ ન પણ માને પરંતુ વૈજ્ઞાનિક રીતે આવી સિદ્ધિઓ સામાન્ય માનવી પણ કેવી રીતે મેળવી શકે અને આજે વિશ્વભરમાં ભારતીય યોગ પરંપરા પ્રચલિત થઈ રહી છે તેને અને હનુમાનજીને શું સંબંધ છે તેની વાતો આવતે અઠવાડિયે કરીશું.ઉ