Mon Oct 05 2026

Logo

દુહાની દુનિયાઃ નારીની મહત્તાનો મહિમા ગાતા દુહા...

2026-10-05 08:24:00
Author: Dr. Balwant Jani
દુહાની દુનિયાઃ નારીની મહત્તાનો મહિમા ગાતા દુહા...

 

ડૉ. બળવંત જાની

ભલે કોઈએ શામળને નારી નીંદક કહીને નારી નરકની ખાણ એવા દુહાનાં એક ચરણને કારણે વગોવ્યો. પણ એ જ શામળે શુરવીર-પ્રતાપી નારીપાત્રો રચીને નારીનો મહિમા પણ ખૂબ ર્ક્યો. બીજા દોહરા પણ ખૂબ રચ્યા. ગુજરાતી દુહા પરંપરામાં નારીની વગોવણી કરતા એની ઉત્કૃષ્ટતા અને મહત્તાના ઘણાં દુહા મળે છે. એને વખોડવાને બદલે વખાણ કરીને એનો મહિમા અનેક દુહામાં ર્ક્યો છે. નારી તરફનો સમાદર, નારી તરફનો અનુરાગ અને નારી પરત્વેનો અહોભાવ કથતા થોડાં દુહા એકત્ર કર્યા છે તે આસ્વાદીએ. 

જોબન મદમાતી બહુ, હાલે ઢળક્તી ઢેલ;
ભાર આરે જળ ભરે, ત્રાંબા પિત્તળ હેલ.

યુવાનીથી મદભરી દેહયષ્ટિ શોભતી હોય, જાણે ઢેલ ઢળકતી-લચકાતી ચાલે ચાલતી હોય એમ ડગલાં ભરતી હોય. ભારે મોટાં જળપાત્રોને મસ્તક ઉપર ધારણ કરીને પનિહારી રૂપે જળાશયેથી ત્રાંબા-પિત્તળની હેલમાં જળ ભરીને માનુની આવતી હોય એ મનહર દૃશ્યને દુહામાં ચિત્રિત કર્યું હોઈ નારીની શક્તિ, રૂપ અને તૃષાતુર માટે તરસ છીપાવનારી વ્યક્તિમત્તાને અહીં દુહાગીરે દુહામાં વણી લીધી છે. પનિહારીના રૂપનું અને એની મહત્તાનું ચિત્ર કથતો બીજો એક દુહો આસ્વાદીએ. 

કાઠિયાવાડની કામિની, હલકતી માથે હેલ;
ભરી બજારે નીકળે, ઢળકતી જાણે ઢેલ.

હેલ એટલે ત્રાંબા અને પિત્તળની ધાતુ જે ભારે નક્કર અને વજનદાર હોય એ હાંડો અને ગાગ2 એમ બે જળપાત્રોમાં પાણી ભરીને કાઠિયાવાડ વિસ્તારની માનુની-સન્નારી- કામિની મલકાતી ચાલે બજાર વચ્ચેથી નીકળે એટલે એની ઢળકતી-લચકાતી-મલકાતી ઢેલ જેવી ચાલને બધા જોઈ રહે. દુહામાં નારીની શક્તિમત્તા, ગર્વિતા અને પોષણ કરવાની ક્ષમતાનું દર્શન પામી શકાય છે. નારીનો મહિમા ગાતો બીજો એક દુહો પણ અવલોકીએ. 

ભલા સાજણ ભલી મળો, કરે હૃદાની વાત;
મનની આલે મૂડિયું, ભૂલયાં ચડાવે વાટ.

ગુણવાન ભલો-સજજન પુરુષ, એને ભલી અર્થાત્ ગુણવાન-રૂપવાન સન્નારી મળી અને હૃદયથી બન્ને મળ્યા. વાતો કરીને મનની મૂડી. અમૂલ્ય હીતકારી વચન કહ્યા. એકત્વ પામ્યા પછી નારીનું આવું વ્યક્તિત્વ રસ્તો ભૂલ્યાને-કૂમાર્ગે ચડેલાને-સદમાર્ગે. ઉચિત પંથે વાળે. નારીની આ વાતને અહીં ભારે આકર્ષક રીતે વણીને એના વ્યક્તિત્વની છટાને દુહાગીરે દુહામાં આલેખી-વર્ણવી છે. 

નિર્મળ મૂરત પિયૂંકી, યું ઘટ રહી સમાય;
જયોં મેંદી કે પાત મેં, લાલી નજર ન આય.

નિર્મળ, ગુણવાન સન્નારીના ચિત્તમાં આવા બધા ગુણો સમાવિષ્ટ હોય છે. એ પિયુને બાહ્ય રૂપે દેખાતા નથી જેમ મેંદીની અંદર લાલી છુપાયેલી હોય છે એમ સદાચારી સન્નારી આવી ગુણસંપદાને એમના શરીરમાં જાળવીને જીવતી હોય છે અને એ વ્યવહાર, વાણી તથા વર્તનથી ગુણોને પ્રગટાવતી-પ્રસરાવતી રહેતી હોય છે. 

નારીના શીલવાન-ગુણવાન વ્યક્તિત્વ માટે મેંદીની ઉપમા પણ સમુચિત રીતે નિયોજીને નારીનો ખરો મહિમા અને નારીની ખરી મહત્તા દુહામાં અસરકારક રીતે આલેખી છે. 

ખરી હકીકત તો એ છે કે નારીનો મહિમા અને નારીની મહત્તાને દુહામાં વણી લઈને આખરે તો દુહાગીરે રચેલા આ દુહાઓ નારીએ કેવા થવાનું, કેવું વ્યક્તિત્વ ઘડવાનું છે એની પાઠશાળા રૂપ આવા દુહાઓ નારીનું ઘડતર કરનાર ઘટક છે. આપણી લોકસંસ્કૃતિમાં આવી રીતે અનૌપચારિક શિક્ષણ મળી રહે એવી સહજ વ્યવસ્થા હતી. એ વ્યવસ્થાનું દસ્તાવેજી દૃષ્ટાંત આવા દુહાઓ છે.