ઉમેશ ત્રિવેદી
કોલ્હાપુરમાં આવેલું શ્રી મહાલક્ષ્મી મંદિર લગભગ 1,300 વર્ષ જૂનું અને હિન્દુ ધર્મના સાડાત્રણ શક્તિપીઠોમાંનું એક મહત્ત્વપૂર્ણ અને ખૂબ જ પવિત્ર સ્થાન ગણાય છે. આ સ્થાનને અખંડ શક્તિપીઠ પણ માનવામાં આવે છે. અહીં માતા સતીની આંખ પડી હતી એમ માનવામાં આવે છે.
અહીં માતા મહાલક્ષ્મીની સાથે સિંહ બિરાજમાન હોવાથી ભક્તો તેમને પાર્વતી સ્વરૂપ એટલે કે ‘અંબાબાઈ’ તરીકે પૂજે છે. કોલ્હાપુરમાં મહાલક્ષ્મી માતા અંબાબાઈના મંદિર તરીકે ઓળખવામાં આવે છે.
સામાન્ય રીતે પુરાણોમાં દેવી લક્ષ્મીના વાહન તરીકે ગરૂડ, ગજરાજ કે ઘુવડનો ઉલ્લેખ મળે છે. પણ, કોલ્હાપુરમાં તો માતા મહાલક્ષ્મી સાથે સિંહ તેમના વાહન સ્વરૂપે છે એટલે ભક્તજનો તેમને માતા પાર્વતીનું જ સ્વરૂપ ગણે છે. માતા મહાલક્ષ્મીનું મંદિર એ મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લાના મહાદ્વાર રોડ પર સ્થિત છે. શ્રી કરવીર નિવાસિની અંબાબાઈ મહાલક્ષ્મી મંદિરના નામે આ મંદિર ઓળખાય છે.
શ્રીમદ્ દેવી ભાગવતમાં જણાવવામાં આવલા 108 શક્તિપીઠમાં કોલ્હાપુરના મહાલક્ષ્મી ધામનો ઉલ્લેખ જોવા મળે છે. પ્રચલિત માન્યતા એવી છે કે દેવી સતીના ખંડિત વિગ્રહનું ત્રીજું નેત્ર આ જ ભૂમિ પર પડ્યું હતું. સ્કંદપુરાણમાં આ સમસ્ત ક્ષેત્રનો કરવીર ક્ષેત્ર તરીકે ઉલ્લેખ જોવા મળે છે.
દંતકથા અનુસાર, કેશી દૈત્યના પુત્ર કોલ્હાસુરે દેવતાઓથી લઈને મનુષ્યો સુધી બધાને ત્રાહિમામ પોકારાવી દીધું હતું. ત્યારે દેવતાઓ માતા મહાલક્ષ્મીના શરણે ગયા હતા. ત્યારે આ રાક્ષસના અંત માટે મહાલક્ષ્મીએ દુર્ગાનું રૂપ ધારણ કર્યું હતું અને કોલ્હાસુર સાથે યુદ્ધ શરૂ કર્યું હતું.
આ ભયંકર યુદ્ધ દરમિયાન કોલ્હાસુર સમજી ગયો હતો કે હવે જીવિત રહેવું શકય નથી. એટલે મૃત્યુ પહેલાં જ દેવીને પ્રાર્થના કરી કે, ‘હે માતા! મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. વધ કરી મારો ઉદ્ધાર કરો. પણ સાથે જ મને વરદાન આપો કે તમારાં ચરણોથી પાવન થયેલી આ ભૂમિ મારાં નામથી ઓળખાય.’
મહાલક્ષ્મીએ તથાસ્તુ કહીને કોલ્હાસુરોનો વધ કર્યો અને પછી દેવતાઓની પ્રાર્થનાથી દેવી અહીં જ સ્થિત થયાં. કોલ્હાપુરને આપેલા વરદાન અનુસાર કરવીર ક્ષેત્ર એ ‘કોલ્હાપુર’ નામે પ્રસિદ્ધ થયું અને દેવી મહાલક્ષ્મી કોલ્હાપુરના મહાલક્ષ્મીના નામે ભક્તોમાં ઓળખાવા લાગ્યા.
આ આખું મંદિર શ્યામી રંગના પથ્થરમાંથી બનાવવામાં આવ્યું છે. શ્ર્વેત શિખરથી શોભતા આ શ્યામ મંદિરના ગર્ભગૃહમાં દેવી મહાલક્ષ્મીની શ્યામ પ્રતિમા છે. માતા મહાલક્ષ્મીનું આ રૂપ અત્યંત દિવ્ય દેખાય છે. શ્રીમદ્ દેવી ભાગવતમાં આ સ્થળનો ઉલ્લેખ ‘કોલ્હાપુર દેવસ્થાનમ યત્ર લક્ષ્મી સદાસ્થિત’ તરીકે કરવામાં આવ્યો છે. જેનો અર્થ થાય છે કે ‘કોલ્હાપુરનું દેવસ્થાન - આ સ્થાનક તો મહાધામ છે અને અહીં દેવી લક્ષ્મીનો સદાકાળ નિવાસ છે.’
આ ભવ્ય મંદિર સાતમી સદીમાં (સન - 634માં) ચાલુકય વંશના રાજા કર્ણદેવ દ્વારા બાંધવામાં આવ્યું છે. સમય જતાં શિલાહાર, યાદવ અને પશ્ર્ચિમી રાજવીઓએ આ મંદિરનો વિસ્તાર કર્યો છે. છત્રપતિ શિવાજી મહારાજ અને સંભાજી મહારાજે પણ આ ક્ષેત્રમાં શ્રદ્ધા સાથે સંરક્ષણ પૂરું પાડ્યું હતું.
મોગલ કે મુઘલ આક્રમણકારોના ભયથી મંદિરમાંથી દેવીની મૂર્તિ સુરક્ષિત જગ્યાએ છુપાવવામાં આવી હતી. ત્યારબાદ 26મી સપ્ટેમ્બર 1715ના છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર સંભાજી મહારાજ દ્વારા મૂર્તિની પુન: પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
અહીં જે મૂર્તિ છે તે કાળા પથ્થરમાંથી અને મૂલ્યવાન રત્નોમાંથી બનાવવામાં આવી છે. આ સાડા ત્રણ ફૂટની મૂર્તિ છે અને તે અંદાજે 40 કિલો વજનની છે. આ મૂર્તિની સાથે જ કાળા પથ્થરમાંથી સિંહ પણ બનાવવામાં આવ્યો છે.
વર્ષમાં બે વાર અહીં કિરણોત્સવ મનાવવામાં આવે છે. ત્યારે સવારના સૂર્યકિરણ સીધાં જ મહાલક્ષ્મીની મૂર્તિ પર પડે છે અને માથાથી કરીને પગ સુધી એ કિરણો જાય છે અને છેલ્લે ચરણ સ્પર્શ કરીને કિરણો લુપ્ત થઈ જાય છે.
આ મંદિરનું બીજું મહત્ત્વ એ પણ છે કે કોઈ ભક્ત જ્યાં સુધીમાં આવીને મહાલક્ષ્મીનું પૂજન ન કરે ત્યાં સુધી તેની તિરુપતિ બાલાજીની યાત્રા પૂર્ણ ગણાતી નથી. દિવાળીની રાતે દેવી માતાની મહાઆરતી કરવામાં આવે છે અને દિવાળીની રાતે આ મંદિરની રોનક અલગ જ પ્રકારની જોવા મળે છે. મહાલક્ષ્મી પોતાના પતિ ભગવાન વિષ્ણુથી નારાજ થઈને કોલ્હાપુર આવ્યા હતા. તેથી જ દિવાળીના દિવસે તિરુપતિ દેવસ્થાન તરફથી શાલનો શણગાર કરવામાં આવે છે.
કાળા પથ્થરમાંથી બનાવવામાં આવેલું આ મંદિર અસલમાં જૈનોના આઠમા તિર્થંકર ચંદ્રપ્રભ ભગવાનના માટે બનાવવામાં આવ્યું હતું. પણ, મધ્યકાલીન યુગમાં આ વિસ્તારમાં ધાર્મિક તંગદિલી ફેલાતાં તેને મહાલક્ષ્મીના મંદિરમાં રૂપાંતરિત કરવામાં આવ્યું હતું.
આ મંદિરની ભવ્યતા અને શિલ્પકળા એ રીતે ઊભી કરવામાં આવી છે કે ભરઉનાળામાં અહીં દર્શન કરવા આવનારા ભક્તજનોને - અદ્ભુત શીતળતાનો અનુભવ થાય છે અને તે આ મંદિરનો ચમત્કાર હોવાનું માનવામાં આવે છે.