Fri Jun 19 2026

Logo

સ્ત્રી-2 પછી શ્રદ્ધા કપૂરનો નવો ધમાકો: લોક કલાકાર વિઠાબાઈની બાયોપિક 'ઈથા'નું દમદાર ટીઝર

2026-06-19 21:27:01
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ બોલિવૂડની 'સ્ત્રી' એટલે કે શ્રદ્ધા કપૂર હવે એક નવા વિષયને લઈને ફિલ્મમાં જોવા મળશે. પાવરફુલ બાયોપિક ફિલ્મ 'ઈથા' નું ટિઝર રિલીઝ થઈ ગયું છે, જેમાં શ્રદ્ધાના લુક, એક્ટિંગ અને પરફોર્મન્સે દર્શકોને રીતસરના ચોંકાવી દીધા છે. ફિલ્મ 'સ્ત્રી'ના બન્ને ભાગમાં દમદાર અભિનય કર્યા બાદ હવે ગર્ભવતી સ્ત્રીના પાત્રમાં એનો એક નવો અવતાર જોવા મળ્યો છે.  પ્રેગ્નેન્ટ વિઠાબાઈના રોલમાં શ્રદ્ધા કપૂરનું પરફોર્મન્સ ભલભલાના રૂવાડાં ઊભા કરી દેશે. ગર્ભવતી સ્ત્રીને કેન્દ્રમાં રાખીને બોલિવૂડની આ બીજી મોટા બજેટની ફિલ્મ આવી છે. આ પહેલા વિદ્યા બાલનની ફિલ્મ 'કહાની' આવી હતી. 

મહારાષ્ટ્રના ઈતિહાસનું ભવ્ય પાનું

આ ફિલ્મના ડાયરેક્ટર લક્ષ્મણ ઉતેકર મહારાષ્ટ્ર રાજ્યના ભવ્ય ઈતિહાસનું વધુ એક પાનું સિનેપદડે ખોલવા જઈ રહ્યા છે. છત્રપતિ સંભાજી મહારાજ પર આધારિત ફિલ્મ 'છાવા' પછી મહારાષ્ટ્રના ઈતિહાસને વિસ્તારતી વધી એક ફિલ્મ આવી રહી છે. હવે લોક કલાકાર વિઠાબાઈ ભાઉ માંગ નારાયણગાંવકરની બાયોપિક સિને પદડે દેખાશે. જેના લીડરોલમાં શ્રદ્ધા કપૂરે દમદાર પ્રેઝન્સ આપી છે. 

શ્રદ્ધા કપૂરની સાથે રણદીપ હુડ્ડા પણ મહત્વના રોલમાં જોવા મળશે. રણદીપ માટે પણ આ મોટા બજેટની એક મહત્ત્વની ફિલ્મ બની રહેશે.  આ ફિલ્મનું ટીઝર 19 જૂન2026ના રોજ રિલીઝ કરાયું છે. આ એ જ દિવસ છે જ્યારે શાહિદ કપૂર, કૃતિ સેનન અને રશ્મિકા મંદાનાની નવી ફિલ્મ 'કૉકટેલ 2'રિલીઝ થઈ છે. આમ પણ શ્રદ્ધા ફિલ્મના દરેક અવતારમાં દર્શકોના દિલ જીતી લે છે. 

દમદાર સીન પાછળની હકીકત

ફિલ્મના ટિઝરમાં બતાવવામાં આવ્યું છે કે, શ્રદ્ધા કપૂર ગર્ભવતી હોવા છતાં સ્ટેજ પર સતત લાવણી કરી રહી છે.આ પર્ફોમન્સ વખતે જ એને પ્રસૂતિની પીડા ઉપડે છે અને ઈમરજન્સી ઊભી થાય છે.એક શૉ દરમિયાન વિઠાબાઈને અહેસાસ થાય છે કે, હવે સંતાનને જન્મ આપવાનો સમય થઈ ગયો છે. પછી તે બાળકને જન્મ આપે છે અને પથ્થરથી ગર્ભનાળ કાપીને તરત જ સ્ટેજ પર આવીને પોતાનું પર્ફોર્મન્સ ફરી શરૂ કરે છે.આ ખરેખર દર્શકોના રૂંવાડા ઊભા કરી દેનારૂ ચિત્ર છે. શ્રદ્ધાનું કામ પ્રત્યેનું કમિટમેન્ટ અને પાત્રમાં અંદર ડૂબી જવાની મહેનત સ્ક્રિન પર સ્પષ્ટ દેખાઈ રહી છે. આ જોઈને દર્શકો ચોંકી જવાના છે એ વાત તો નક્કી છે. આ ફિલ્મ તા.28 ઓગસ્ટના રોજ થિયેટર્સમાં આવી રહી છે. 

કોણ છે વિઠાબાઈ?

મહારાષ્ટ્રના સૌથી પ્રખ્યાત લોક નાટક અને નૃત્યકાર તરીકે વિઠાબાઈ નારાયણગાંવકરનું નામ એક આદર સાથે લેવામાં આવે છે. તેઓ એક મોટા કદના કલાકાર હતા. તેમણે લાવણી, ગવલન અને ભેદિક જેવા પરંપરાગત સંગીતને આખા દેશમાં નવી ઓળખ અપાવી હતી.આજે મહારાષ્ટ્રના લોકનૃત્યમાં લાવણી કેન્દ્રમાં છે, આ નૃત્યને મહારાષ્ટ્રની બાહર એક નૃત્ય તરીકે ઓળખાણ આપવામાં આ સ્ત્રીનો ફાળો અમૂલ્ય છે. એમનો જન્મ પંઢરપુરમાં એક કલાકારના પરિવારમાં થયો હતો. દાદા નારાયણ ખુડેએ આ પરંપરાગત નૃત્ય મંડળી શરૂ કરી હતી, જેને પાછળથી તેમના પિતા અને કાકા ભાઉ-બાપુ માંગ નારાયણગાંવકરના નામે ચલાવતા હતા.ઈતિહાસના પાના પરની હકીકત પણ એવી છે કે, જ્યારે વિઠાબાઈને પેઈન શરૂ થયું એ સમયે શૉ રોકી દેવામાં આવ્યો હતો. શ્રદ્ધાના ફિલ્મી કરિયરની વાત કરવામાં આવે તો 'તું જૂઠી મેં મક્કાર' અને 'સ્ત્રી 2' એ કમાણીના તમામ રેકોર્ડ બોક્સ ઓફિસ પર તોડી નાખ્યા હતા.

ટ્રેલર બાદ વધુ સ્પષ્ટ થશે ચિત્ર

'સ્ત્રી-2' ફિલ્મ ભારતીય સિનેમાની સૌથી મોટી ઓલ-ટાઇમ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. રણદીપ હુડ્ડા એ ઈતિહાસમાં અમર થઈ ગયેલા વીર સાવરકર પર બનેલી ફિલ્મમાં દમદાર કામ કર્યું હતું. સાવરકરની બાયોપિકમાં રણદીપે માત્ર શાનદાર એક્ટિંગ જ ન હતી કરી, પરંતુ ફિલ્મ ડાયરેક્ટ પણ કરી હતી. ઈથા ફિલ્મનું શુટિંગ મહારાષ્ટ્રના સતારા, નાસિક, ભૌર, ઔંધેવાડી અને મુંબઈના લોકેશન પર કરવામાં આવ્યું છે. 'છાવા' ફિલ્મ લાવીને લક્ષ્મણ ઉત્તેકરે સૌને ચોંકાવી દીધા હતા એમ ઈતિહાસના પાના પરથી વધુ એક પાત્રને સિને સ્ક્રિન પર લાવીને એક રસપ્રદ વાર્તાથી ફરી એક ઝટકો આપી દીધો છે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા બાદ વાર્તાના મૂળ શું છે એ ખ્યાલ આવશે.