Fri May 29 2026

Logo

અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ડીપફેક ફોટા અને વીડિયો તાત્કાલિક હટાવવાનો કોર્ટે આપ્યો આદેશ, એક અઠવાડિયાની આપી મુદત

2026-03-17 19:51:53
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: બોમ્બે હાઈ કોર્ટે લગભગ ૨૮ વેબસાઈટ્સને અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના બિઝનેસમેન પતિ રાજ કુન્દ્રાને નિશાન બનાવીને તૈયાર કરવામાં આવેલા એઆઈ નિર્મિત ડીપફેક ફોટા અને વીડિયો તાત્કાલિક હટાવવાનો આદેશ આપ્યો છે. કોર્ટે આ માટે એક અઠવાડિયાની મુદત આપી છે.

ઉપરોક્ત આદેશ પસાર કરતી વખતે ન્યાયાધીશ શર્મિલા દેશમુખની સિંગલ બેન્ચે એવું પણ અવલોકન કર્યું હતું કે આ ફોટા અને વીડિયોને કારણે શિલ્પાના વ્યક્તિત્વના અધિકારોનું ઉલ્લંઘન થયું છે અને તેનું રક્ષણ કરવું જરૂરી છે. શિલ્પાએ પોતાની અરજીમાં ૨૮ અલગ-અલગ ઈ-કોમર્સ પ્લેટફોર્મને પ્રતિવાદી બનાવ્યા હતા અને તેના ડીપફેક ફોટા અને વીડિયો દૂર કરવાનો આદેશ માંગ્યો હતો.

આ કેસમાં કોર્ટમાં રજૂ કરવામાં આવેલા પુરાવાઓને ધ્યાનમાં લેતા, પ્રથમ દ્રષ્ટિએ એવું જણાય છે કે શિલ્પાના નામ, વ્યક્તિત્વ અને ફોટાઓનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. એઆઇ કન્ટેન્ટ તૈયાર કરતી વેબસાઇટોએ શિલ્પાના ડીપફેક અને અન્ય એઆઇ-નિર્મિત અશ્લીલ ફોટા તથા વીડિયો બનાવીને વેબસાઇટ પર પ્રસિદ્ધ કર્યા છે.

કોર્ટે તેના આદેશમાં જણાવ્યું હતું કે, કોઈ પણ લોકપ્રિય અને પ્રખ્યાત વ્યક્તિની સંમતિ વિના આ પ્રકારે તેનું વ્યાવસાયિક શોષણ કરવાની પરવાનગી આપી શકાય નહીં. તેમજ વ્યાવસાયિક ફાયદા માટે ડિજિટલ પ્લેટફોર્મ પર કોઈ પ્રખ્યાત વ્યક્તિની ગેરકાયદેસર રીતે શોષણ કરનારી સામગ્રી પ્રસિદ્ધ કરવાનું કોઈપણ સંજોગોમાં સમર્થન કરી શકાય નહીં.