Mon Oct 05 2026

Logo

PMSમાં ધરખમ ફેરફાર: ઇન્વેસ્ટર્સ માટે અનેક નવી તક

2026-10-04 09:00:37
Author: Jayesh Chitaliya
PMSમાં ધરખમ ફેરફાર: ઇન્વેસ્ટર્સ માટે અનેક નવી તક

એકતરફ હાલમાં આઇપીઓ મારફત મૂડીસર્જનની પ્રવૃત્તિ જોરમાં ચાલી રહી છે ત્યારે નિયમન તંત્ર સેબી (SEBI)એ સંખ્યાબંધ એવાં સુધારાલક્ષી પગલાં ભર્યાં છે જે કૉર્પોરેટ સેક્ટર સહિત દેશનાં વિવિધ સેક્ટર્સના વિકાસમાં ઉપયોગી નીવડશે 

જયેશ ચિતલિયા

શૅરબજાર-મૂડીબજારના તંદુરસ્ત વિકાસ અને રોકાણકારોનાં હિતોની રક્ષાને કેન્દ્રમાં રાખી નિયમન તંત્ર સેબી સતત સક્રિય તંત્ર રહ્યુું છે. મૂડી બજારના દરેક સેગમન્ટમાં સેબી સુધારા કરતું રહી બજારના વિકાસ માટે માર્ગ વધુ સરળ અને મોકળો કરવા ઉપરાંત રોકાણકારો અને તમામ સંબંધિત વર્ગ માટે નવી તકોનું સર્જન કરતાં પગલાં ભરતું રહ્યુું છે. તાજેતરમાં સેબીએ મૂડીબજારના વિકાસની સાથે-સાથે નવાં રોકાણ સાધનો-નવા આઇડિયાઝ-વિચારો અમલી બનાવવાની દિશામાં શ્રેણીબદ્ધ પગલાંઓ જાહેર કર્યાં છે, જેની ઝલક પર નજર કરીએ તો વધુ સંભવિત વિકાસના અવકાશ દેખાશે. આમાં એક મહત્ત્વનું પગલું દેશમાં જેની સખત જરૂર છે એવા રિઅલ એસ્ટેટના અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટેનું છે. સેબીએ આ સેક્ટરને ભંડોળ મેળવવામાં સહાયરૂપ થવા રિઅલ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (રિટ) અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (ઈન્વિટ)ને ઓવરસીઝ માર્કેટ (વિદેશી બજારો) માંથી ભંડોળ ઊભું કરવા માટેના માળખાને મંજૂરી આપી છે. આ ભંડોળ ડિપોઝિટરી રિસિપ્ટસસ જેવાં સાધન મારફત ઊભું થઈ શકશે. આમ રિટસ અને ઇન્વિટસને ફંડ રેઇઝિંગ માટે ગ્લોબલ મંચ ઉપલબ્ધ થશે. આ લિસ્ટેડ ટ્રસ્ટના યુનિટ્સ સામે ડિપોઝિટરી રિસિપ્ટ (ડીઆર) ઈસ્યૂ થઈ શકશે, જેના સોદાની સુવિધા સાથે પ્રવાહિતા ઉપલબ્ધ થશે. ટ્રસ્ટ નવા યુનિટસ પણ ઈસ્યૂ કરી શકશે તેમ જ વર્તમાન યુનિટધારકો તેમના યુનિટસ ફૉરેન ડિપોઝિટરીઝને ટ્રાન્સફર પણ કરી શકશે. જોકે ભારતીય નિવાસી અને બિન નિવાસી ભારતીય (એનઆરઆઈ) આ ડિપોઝિટરી રિસિપ્ટસ ધરાવવા માટે પાત્ર રહેશે નહીં.

‘પોર્ટફોલિયો મૅનેજમેન્ટ સર્વિસ’ (પીએમએસ) માટે નવાં સાધન 

એક રસપ્રદ નિર્ણય સેબીએ એવો પણ લીધો છે કે હવે પછી પોર્ટફોલિયો મૅનેજર્સ તેમના ગ્રાહકોનાં નાણાં આઇપીઓ તથા ફૉરેન સિક્યોેરિટીઝ અને ડેટ ઈસ્યૂઝમાં પણ રોકી શકશે, આ સાથે ડાયરેકટ મ્યુચ્યુઅલ ફંડ પ્લાન્સમાં રોકાણ માટેનો રૂટ પણ ઊભો કરાયો છે. આ વિષયમાં સેબીએ પોર્ટફોલિયો મૅનેજમેન્ટ સર્વિસ (PMS)ને વધુ છુટછાટ-સ્વતંત્રતા આપી છે. હવે સેબીના પોર્ટફોલિયો મૅનેજર્સ રેગ્યુલેશન,2026 હેઠળના માળખામાં પીએમએસ ઉદ્યોગને વિકસવાની અઢળક તકો મળશે, તેમનાં અનુપાલન સરળ કે હળવાં થશે. આ મૅનેજર્સ લિસ્ટેડ ઇક્વિટી અને ડેટ સાથે-સાથે રિટસ, ઓવરસીઝ મ્યુચ્યુઅલ ફંડસ, એક્સચેંજ ટ્રેડેડ ફંડ (ઈટીએફ), ઇન્ડેકસ ફંડ્સ અને વિદેશી સરકારી ડેટમાં પણ રોકાણ કરી શકશે. આમ તેમની એસેટ્સનો વ્યાપ અને વૈવિધ્યકરણ વધશે. જોકે આવા ઇન્વેસ્ટમેન્ટ ફૉરેન એક્સચેંજ મૅનેજમેન્ટ ઍક્ટ (ફેમા) અને રિઝર્વ બૅન્કની લિબરલાઇઝડ રેમિટન્સ સ્કિમ (એલઆરએસ)ને આધિન   રહેશે.

સેબીએ એક જોગવાઈ એવી પણ કરી છે કે પીએમએસને ચોકકસ સત્તા આપીને કહ્યું છે કે મૅનેજર તેના સંચાલન હેઠળની ગ્રાહકની એસેટસ (ભંડોળ)માંથી દસ ટકા સુધીની રકમ ઇન્વેસ્ટમેન્ટ ગ્રેડ ધરાવતા નૉન-ક્ધવર્ટિબલ, અનલિસ્ટેડ ડેટ સિક્યૉરિટીઝમાં રોકી શકશે, જોકે આ માટે તેણે સંબંધિત ગ્રાહકની મંજૂરી લેવી જોઈશે, આ જ રીતે પોર્ટફોલિયો મૅનેજર ગ્રાહકના તેની પાસેના ભંડોળના 1.25 ગણા સુધીનું એક્સપોઝર એક્સચેંજ ટ્રેડેડ ડેરિવેટિવ્ઝ સાધનોમાં લઈ શકશે. આવાં સાધનોમાં ચોકકસ જોખમ હોઈ શકે છે, જોકે આવું રોકાણ સંબંધિત ગ્રાહકોની જોખમ લેવાની તૈયારી અને સંમતિ સાથે જ થશે.

ફંડ મૅનેજર્સના નવા સ્વરૂપ સેબીએ પોર્ટફોલિયો મૅનેજર્સ રૂટ ફોર મ્યુચ્યુઅલ ફંડ યુનિટસ અથવા PRIM (પ્રિમ) હેઠળ ગ્રાહકના ભંડોળમાંથી મ્યુચ્યુઅલ ફંડ્સના ડાયરેક્ટર પ્લાનમાં રોકાણની છૂટ આપી છે, જેમાં સ્પેશ્યલાઇઝડ ઇન્વેસ્ટમેન્ટ ફંડનો પણ સમાવેશ થાય છે

 (અહીં એ નોંધવું જરૂરી છે કે અગાઉ આપણે PMS વિષયની બેઝિક ચર્ચા અહીં કરી હતી) આ અલગ સુવિધા હેઠળ મિનિમમ રોકાણ મર્યાદા પચીસ લાખ રૂપિયાની રહેશે. પરિણામે મધ્યમ કદના રોકાણકારોને પણ પીએમએસનો લાભ મળી શકશે. જોકે આ માટે મૅનેજરની મિનિમમ નેટવર્થ બે કરોડ રૂપિયાની હોવી જોઈશે.

પીએમએસ મામલે સેબીએ વિકાસનો માર્ગ વધુ બહોળો-મોકળો કરવા માટે ઈન્ડિપેન્ડન્ટ ફંડ મૅનેજર (આઈએફએમ-IFM)નો નવો ક્ધસેપ્ટ પણ દાખલ કર્યો છે, જે રજિસ્ટર્ડ પોર્ટફોલિયો મૅનેજરના સહયોગમાં ગ્રાહકોના પોર્ટફોલિયો મૅનેજ કરી શકશે. શૅરબજારની સાદી ભાષામાં આને મુખ્ય બ્રોકર અને સબ-બ્રોકરની જેમ કહી શકાય. મુખ્ય પોર્ટફોલિયો મૅનેજર પોતાના હેઠળ અનેક આઇએફએમ રાખી શકશે, પરંતુ આઈએમએફ પોતે માત્ર એક જ પોર્ટફોલિયો મૅનેજર હેઠળ રજિસ્ટર્ડ રહી શકશે. સેબીએ આ તમામ સુવિધા અને ઉદાર જોગવાઈઓ સાથે રોકાણકાર વર્ગનાં હિતોની રક્ષાની કાળજી પણ રાખી છે.

એક ખાસ વાત, સેબીએ વિદેશી વ્યક્તિગત ઇન્વેસ્ટર માટે ભારતમાં રોકાણનો માર્ગ સરળ બનાવવાનું લક્ષ્ય પણ રાખ્યું છે. આ તમામ પગલાંની લાંબે ગાળે નક્કર અસરો જોવાશે, જેમાં મૂડીબજારના વિકાસ અને વૃદ્ધિની તકો વધશે એવી આશા ચોક્કસ રાખી શકાય.