Tue Aug 18 2026

Logo

સોના કિતના સોના હૈ? વહેમ દૂર કરે છે વિજ્ઞાન

2026-08-09 10:21:00
Author: Shubhang Brahmbhatt
Article Image

 

 

 

શુભાંગ બ્રહ્મભટ્ટ

 

આગામી વર્ષોમાં આપણા દેશમાં સોનાનો પુરવઠો સૌથી વધુ આંધ્ર પ્રદેશથી મળશે એવા સમાચાર તાજેતરમાં વહેતા થયા હતા. સત્તાવાર માહિતી અનુસાર રાજ્યના કુર્નુર જિલ્લામાં તેમ જ અન્ય વિસ્તારમાં મોટા જથ્થામાં ‘ગોલ્ડ રિઝર્વ્સ’ મળી આવતા ભારત ફરી ‘જહાં જહાં ડાલ - ડાલ પર સોને કી ચીડિયા કરતી હૈ બસેરા વો ભારત દેશ હૈ મેરા’ યુગમાં પ્રવેશવાની શરૂ થશે એવો આશાવાદ જો ઘેરી વળ્યો હોય તો નવાઈ ન લાગવી જોઈએ. 

 

આ આખીય વાતને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જોવી - સમજવી જોઈએ, કારણ કે મૃગજળ પાણી નથી, પણ પાણીનો આભાસ છે એ વિજ્ઞાન જ સમજાવે છે. મૃગજળ અર્થાત્ મરુદેશ (રેતીવાળો રણપ્રદેશ જે એક સમયે મારવાડ તરીકે ઓળખાતો હતો)માં ફેલાયેલી રેતી ઉપર સૂર્યનાં કિરણો પડવાથી જળનો આભાસ થાય - ભ્રમ થાય એ મૃગજળ. આર્કિમિડીઝના જગવિખ્યાત સિદ્ધાંતમાં પણ કહેવાયું છે કે જ્યારે કોઈ પદાર્થને આંશિક અથવા સંપૂર્ણપણે પાણીમાં ઉતારવામાં આવે ત્યારે એના વજનમાં દેખીતો ઘટાડો થાય છે. When an object is partly or fully put into a liquid, it feels lighter. This drop in weight is the apparent loss in weight. ટૂંકમાં ઘટાડાનો અનુભવ થાય છે હકીકતમાં ઘટાડો નથી થતો.

 

 સોનાના જથ્થાને આ દૃષ્ટિકોણથી સમજવો જોઈએ.

 

થોડાં વર્ષ પહેલાં બિહારના જમુઈ જિલ્લામાં 228.7 મિલ્યન ટન ગોલ્ડ ઓર (કાચી ધાતુ) મળી આવ્યું હોવાના અહેવાલ હતા. જોકે, એમાંથી ફક્ત 37.6 ટન પ્યોર ગોલ્ડ - શુદ્ધ સોનું હોવાની સ્પષ્ટતા કરવામાં આવી હતી. અગાઉ ઉત્તર પ્રદેશના જિયોલોજી અને માઈનિંગ ડિપાર્ટમેન્ટ (ભૂસ્તરશાસ્ત્ર અને ખાણ વિભાગ) દ્વારા પણ જાહેરાત કરવામાં આવી કે રાજ્યના સોનભદ્ર જિલ્લામાં આશરે ત્રણ હજાર ટન સોનાનો જથ્થો મળી આવ્યો છે.

પેલું સોને કી ચીડિયાવાળું ગીત ઘરે ઘરે ગુંજવા લાગ્યું હતું. જોકે, બહુ જલદી ઘટાડો જાહેર કરવામાં આવ્યો. ભૂસ્તરશાસ્ત્ર અને ખાણકામની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા જિયોલોજિકલ સર્વે ઑફ ઇન્ડિયા (જીએસઆઈ) દ્વારા સોનભદ્ર જિલ્લામાં મળી આવેલા અંદાજિત 3000 ટન સોનાના જથ્થાના દાવાને નકારી દેવામાં આવ્યો. જીએસઆઈ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી કે 3500 ટન નહીં, માત્ર 160 કિલો સોનાનો જથ્થો મળી આવ્યો છે.

 

આ જનતાને ભરમાવવાનો પ્રયાસ હતો કે પછી બીજું કોઈ કારણ આવા મોટા અને ભયંકર છબરડા પાછળ જવાબદાર હતું? પ્રથમ દૃષ્ટિએ તો વિજ્ઞાનની સમજનો અભાવ આ ગોટાળા પાછળનું પ્રમુખ કારણ લાગે છે. હકીકત જાણવા અને સમજવા ORE - METAL બે વૈજ્ઞાનિક પરિભાષા સમજવી જરૂરી છે. ઓર એટલે અશુદ્ધ અથવા કાચી ધાતુ અને મેટલ એટલે શુદ્ધ સ્વરૂપની ધાતુ. આના પરથી મેટલ ઓર નામનો પ્રકાર જાણીતો છે.

તમે એલ્યુમિનિયમ વિષે તો જાણતા જ હશો. ખાણમાં આ ધાતુ શુદ્ધ સ્વરૂપે નથી મળતી, બલકે બોક્સાઈટનાં સ્વરૂપમાં મળે છે. બોક્સાઈટ એટલે એલ્યુમિનિયમ ઑક્સાઈડ. આઠ ટન બોક્સાઈટને પ્રોસેસ કર્યા પછી એક ટન એલ્યુમિનિયમ હાથ લાગે છે. આ ઉદાહરણ પરથી ઓર અને એમાંથી મળતી મેટલ એટલે કે ધાતુનો એક અંદાજ મળે છે. આ પ્રકારનો જ હિસાબ લોખંડ, તાંબું, જસત તેમ જ સોનું, ચાંદી અને પ્લેટિનમ જેવી કીમતી ધાતુઓમાં પણ હોય છે.

 

વિજ્ઞાનની પાયાની જાણકારીના અભાવે સોના વિશેનું આભાસી ચિત્ર ઊભું થયું પણ અંતે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જ ગયું. એટલા માટે જ જીવનમાં વૈજ્ઞાનિક અભિગમ પર ભાર દેવામાં આવે છે.

 

અંધારા પર પ્રકાશ પાડતી કેવફિશ

 

અંધારું અજ્ઞાન અને અજવાળું જ્ઞાનના પર્યાય ગણાય છે. કવિ ન્હાનાલાલની પ્રાર્થનાની આ બે પંક્તિ તો અનેક પેઢીના હૈયામાં જડાઈ ગઈ હશે: ‘અસત્યો માંહેથી પ્રભુ ! પરમ સત્યે તું લઈ જા, ઊંડા અંધારેથી, પ્રભુ! પરમ તેજે તું લઈ જા...’

 

વિજ્ઞાન ‘લાઈટ’ - પ્રકાશની વાત વિગતે કરે છે, પણ ‘ડાર્કનેસ’ - અંધારા જેવું કંઈ છે જ નહીં એમ પણ કહે છે. અંધારું એટલે અજવાળાનો અભાવ -Darkness is absence of light. તેજ અને તિમિર સાહિત્યરસિકો અને વૈજ્ઞાનિકો માટે રસના વિષય રહ્યા છે. 

જીવમાત્ર એકંદરે અજવાળાને ઝંખે છે, પણ દરિયાના પેટાળમાં રહેતી કેવફિશ નામની માછલી ઘોર અંધકારમાં જ જીવતી હોય છે. આટલું ઓછું હોય એમ આ માછલીને આંખો નથી હોતી. જોકે, અંધારામાં દેખાય પણ શું? તો ખોરાક કેમ મેળવતી હશે? એના માટે તેમ જ દુશ્મનથી રક્ષણ કરવા એનું સાબૂત મગજ કામ આવે છે. કહે છે ને કે એક ઈન્દ્રિય છીનવાઈ ગઈ હોય ત્યારે બીજી ઈન્દ્રિય વધુ સતેજ બની જતી હોય છે.

આ અંધારા પર પ્રકાશ પાડતા સંશોધકોના જણાવ્યા અનુસાર સેંકડો ફૂટ પાતાળમાં રહેતી આ કેવફિશની ઇન્દ્રિયો એવી રીતે વિકસી છે જેથી તેને ખોરાકની ખબર પડે છે અને શત્રુ સામે રક્ષણ પણ થાય છે. ટૂંકમાં એને મગજમાં બત્તી થાય છે. મગજનું અંધારું દૂર થાય એથી રૂડું શું? એક રસપ્રદ વાત એ પણ છે કે આ માછલી ભૂખડીબારશ હોય છે. કેટલોક વખત ઉપવાસ કરવા પડશે એ ભયથી ખાધાખાધ કરે છે. પરિણામે શરીરમાં ખાસ્સી ચરબી જમા થાય છે અને એ ચરબીમાં ગાજરમાં રહેલા કેરેટેનોઈડનું પ્રમાણ ખાસ્સું હોય છે અને આ કેરેટોનોઈડ આંખ માટે ગુણકારી કહેવાય છે. વિજ્ઞાનનાં વિસ્મય કેવાં કેવાં હોય છે.

આ મેક્સિકન કેવફિશ જન્મે ત્યારે તેને આંખો હોય છે પણ એ પુખ્ત વયની થતાં એ નયન ગાયબ થઇ જાય છે. આટલું વાંચ્યા પછી તમને મનહર ઉધાસની ગઝલ ‘નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, તમે છો એના કરતાં પણ વધારે તમને જોયા છે’ યાદ ન આવી હોય તો જ નવાઈ. જોકે, માછલીની દુનિયામાં ભાવનાઓનું વિશ્વ નથી હોતું અને જો હોય તો આપણને -ખબર નથી.

 

કોને વધુ ઊંઘ આવે? ધર્મિષ્ઠને કે નાસ્તિકને?

 

આજકાલ જેન ઝી ખાસ્સી ચર્ચામાં છે. એના રાજકારણ વિશે નહીં, પણ જીવનકારણ વિશે વાત કરવી છે. ખૂબ પૈસા કમાઈ લેવા અને મિત્રો સાથે મેહફિલને પ્રાધાન્ય આપતી આ જનરેશન માટે ઊંઘ અને આહાર જીવનની પ્રાથમિકતા છે. ‘ઊંઘ અને આહાર વધારો એટલા વધેને ઘટાડો એટલા ઘટે..’ એવું વડીલો સમજાવતા, પણ આ પેઢી વડીલોને ગાંઠે એવી નથી. સાથે એ વાત પણ એટલી જ સાચી છે કે આ બે બાબત પર અંકુશ રાખવો એ જીવમાત્રની કાયમી સમસ્યા છે. એમાંય ઊંઘ તો એક મોટો પ્રોબ્લેમ બની જતી હોય છે. શહેરી જીવનમાં સતત સ્ટ્રેસમાં જીવતી વ્યક્તિને આંખના પોપચાં બીડી મીઠી નીંદર આવે એ ઘણી વાર મુશ્કેલ બની જતું હોય છે.

‘નીંદ નહીં આતી બડી લંબી રાત હૈ’ પંક્તિ જીવનની આકરી વાસ્તવિકતા બની જતા વાર નથી લાગતી. વૈજ્ઞાનિકો ‘મારી નીંદરની વાત રે અનેરી’ પર સમયાંતરે અભ્યાસ કરીને તારણ બહાર પાડતા હોય છે. એક અભ્યાસના આશ્ર્ચર્યજનક અને આંચકો આપી શકે એવા તારણ અનુસાર ધર્મિષ્ઠ લોકોકરતાં નાસ્તિક લોકોને વધુ મીઠી નીંદર આવે છે. સર્વેના પ્રાથમિક તારણ મુજબ 73 ટકા નાસ્તિકોને રાત્રે સાત કે એનાથી વધુ કલાક ઊંઘ નિયમિતપણે આવતી હોય છે. અમેરિકન ‘એકેડેમી ઑફ સ્લીપ મેડિસિન’ની ભલામણ અનુસાર સારા સ્વાસ્થ્ય માટે આટલી નીંદર જરૂરી છે.

આ જ અભ્યાસના એક અન્ય તારણ મુજબ 59 ટકા ધર્મિષ્ઠ લોકોને રાતની ગણીને પૂરા સાત કલાકની ઊંઘ પણ નહોતી આવતી. રસપ્રદ વાત એ છે કે નાસ્તિક લોકોને ઊંઘ આવતા બહુ વાર પડખા નહોતા ફરવા પડતા. પોપચાં બીડાઈ જતા વાર નહોતી લાગતી. આ સર્વેમાં લોકોને ધર્મ પ્રત્યેના ઝૂકાવ, ઈશ્વર પ્રત્યેની આસ્થા અને ધાર્મિક ક્રિયાઓ માટેના લગાવ વિશે અવનવા સવાલ કરવામાં આવ્યા હતા. નીંદરની વાત કરતી વખતે લોકોએ ઊંઘ ક્યારેક વેરણ બની જતી હોવાની વાત પણ કરી હતી.ચોંકાવનારી વાત એ હતી કે આવી ફરિયાદ કરનારા લોકોમાં ધર્મિષ્ઠ લોકોની સંખ્યા વધારે હતી. ઊંઘ અને ધર્મનો મેળ બેસાડતું સમીકરણ હોઈ શકે એ વાત જ અચરજ પમાડનારી છે.

 

કોળિયા માટે કજિયો નહીં

 

સંસ્કારી ગણાતો અને મનાતો માનવી ભોજન માટે લડે-ઝઘડે એ વાત અચરજ પમાડે એવી વાત છે. માનવી સિવાયના પ્રાણીજગતમાં પણ ખોરાક માટેની ખેંચાખેંચ જોવા મળે છે ખરી. ખાસ કરીને શિકારી પ્રાણીઓમાં, પણ આશ્ર્ચર્યની વાત એ છે કે પક્ષીઓ આ બાબતે શાલીનતાથી પેશ આવતા જોવા મળે છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે અમુક પક્ષીઓ ઋતુ અનુસાર એક ઠેકાણેથી બીજે ઠેકાણે સ્થળાંતર કરતા હોય છે. આવા પક્ષીઓ ‘માઈગ્રેટરી બર્ડ્સ કે યાયાવર પક્ષી’ તરીકે ઓળખાય છે. સ્થળાંતર માટેનાં કારણો જાણવા પ્રયાસો થતા રહ્યા છે. એક એવી માન્યતા બની છે કે ઋતુચક્રના તીવ્ર ફેરફારોથી જાતને સાંભળવા પક્ષીઓ સ્થળાંતર કરતા હોય છે. જોકે એવું પણ કહેવાય છે કે ઊર્જાનું પ્રમાણ જળવાઈ રહે એ માટે પક્ષીઓ સ્થળાંતર કરતા હોય છે. હૂંફાળા વાતાવરણમાં આ પક્ષીઓ કેમ લાંબો સમય નહીં રહેતા હોય એવો સવાલ થવો સ્વાભાવિક છે. જાણવા મળેલું અને હેરત થાય એવું કારણ એ છે કે એક જ ઠેકાણે સતત રહેવાથી અન્ય પંખીઓ સાથે ખાવાની બાબતે હુંસાતુંસી થાય જે પંખીના શાંત સ્વભાવને માફક ન આવે એવી વાત છે. એટલે કજિયો ટાળવા માટે પંખીઓ સ્થળાંતર કરીને ઠંડા પ્રદેશમાં પહોંચી જાય છે જ્યાં અન્ન મેળવવા લડાઈ ઝઘડા નથી કરવા પડતા. આનું વૈજ્ઞાનિક તરણ એ છે કે પક્ષીઓ શરીરની ઊર્જાનું પ્રમાણ જાળવી રાખવા વિષે ખૂબ જ સભાન છે.