મુંબઈઃ સંજય દત્ત સ્ટારર ફિલ્મ 'ધુરંધર 2' રીલિઝ થયા બાદ સતત ચર્ચાઓ થઈ રહી છે. આ ફિલ્મની ગુંજ હવે માત્ર ભારતમાં જ નહીં, પણ પાકિસ્તાનમાં પણ સંભળાઈ રહી છે. તાજેતરમાં, જેમના જીવન પર ચૌધરી અસલમનું પાત્ર આધારિત હોવાનું મનાય છે તેવા પાકિસ્તાની પોલીસ ઓફિસર ચૌધરી અસલમની પત્ની નૂરીન અસલમે ફિલ્મ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. નૂરીન અસલમે સંજય દત્તના અભિનયના જોરદાર વખાણ કર્યા છે. તેમણે જણાવ્યું કે, ફિલ્મમાં જ્યારે સંજય દત્ત ગાડી પાસે ઊભા રહીને નજર ઉઠાવે છે, ત્યારે એક ક્ષણ માટે એવું લાગ્યું જાણે અસલમ જ મારી સામે ઊભા હોય.તે પોતાના કામ પ્રત્યે અત્યંત પ્રમાણિક અને સમર્પિત હતા અને તેમના કામને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મળી હતી.
બંન્ને પાસા ઉમેરી શકાયા હોત
નૂરીને ફિલ્મની પ્રશંસા કરવાની સાથે કેટલાક સીન સામે સખત વાંધો પણ ઉઠાવ્યો હતો. નૂરીને જણાવ્યું કે ફિલ્મમાં બતાવાયેલા ફેક એન્કાઉન્ટર અને બાળકોને નુકસાન પહોંચાડવાના સીન તદ્દન ખોટા છે. જો ફિલ્મ બનાવવી જ હતી, તો નિર્માતાઓએ મારી સાથે અથવા પોલીસ અને પત્રકારો સાથે વાત કરવી જોઈતી હતી, જેથી તેમના જીવનના સારા અને નરસા બંને પાસાઓ સાચી રીતે બતાવી શકાયા હોત. ફિલ્મમાં કરાચીના લૈયારી વિસ્તારને જરૂરિયાત કરતા વધુ અતિશયોક્તિભરી રીતે બતાવવામાં આવ્યો હોવાનું પણ તેમણે નોંધ્યું હતું.
આ ફેમિલી ઓડિયન્સ માટે નથી
ફિલ્મમાં વપરાયેલી અપશબ્દો વાળી ભાષા વિશે નૂરીને હસતા હસતા મજેદાર જવાબ આપ્યો હતો. તેમણે આખી ફિલ્મ જોઈ નથી પણ કેટલીક ક્લિપ્સ જોઈ છે. તેમણે કહ્યું કે, ભલે આવી ભાષા ફેમિલી ઓડિયન્સ માટે યોગ્ય ન હોય, પરંતુ પોલીસ ફોર્સમાં આવી ભાષા સામાન્ય હોય છે અને તે પાત્રને અનુરૂપ લાગે છે. નૂરીન અસલમના મતે ચૌધરી અસલમના પાત્રને હજુ વધુ ઊંડાણ અને સંતુલન સાથે બતાવવાની જરૂર હતી. તેમના પતિ હંમેશા કહેતા કે તેમના જીવન પર ફિલ્મ બનશે, પરંતુ હવે જ્યારે ફિલ્મ બની છે ત્યારે તેમાં ઘણી ખામીઓ હોવાનું તેમના પત્ની અનુભવી રહ્યા છે.