અમદાવાદઃ જિલ્લાના સાણંદ પંથકમાં ફરી એક વખત દીપડાના આંટાફેરાથી લોકોમાં ફફડાટ ફેલાયો હતો. સાણંદના મોટી દેવતી ગામે એક મહિનામાં બીજી વખત દીપડો જોવા મળતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. ઉપરાંત દીપડાએ મારણ પણ કર્યું હતું. ગ્રામજનોએ દીપડો જોયાની વાત કરતાં વન વિભાગ દ્વારા પાંજરા ગોઠવવામાં આવ્યા હતા.
મળતી વિગત પ્રમાણે, મોટી દેવતી ગામ રોડ નજીક જંગલ જેવા વિસ્તારમાં આવેલા ઈંટોના ભઠ્ઠા પાસે દીપડાના પંજાના નિશાન જોવા મળ્યા હતા. સાથે જ ત્યાં એક શ્વાનનું મારણ પણ મળી આવતા સ્થાનિકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી.
વન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ, 15 સપ્ટેમ્બરે મળેલી માહિતી બાદ ટીમે તપાસ હાથ ધરી હતી. સ્થળ પરથી મળેલા ફૂટ પ્રિન્ટ દીપડાના જ હોવાની પ્રબળ શક્યતા છે. અગાઉ મળેલા નિશાનની પાછળના ભાગે જ ફરી પંજા દેખાતા દીપડો આસપાસ સક્રિય હોવાનું જણાય છે, જેને ઝડપી પાડવા પાંજરા ગોઠવી સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે.
ઉલ્લેખનીય છે કે બે મહિના પહેલા અમદાવાદના પોશ ગણાતા એવા ઘુમામાં દીપડાએ દેખા દીધી હતી. જુલાઇ મહિનાના મધ્યભાગમાં મોડી રાત્રે શરણદીપ સોસાયટીના એક બંગ્લોઝમાં દીપડો ઘૂસ્યો હોવાના સીસીટીવી મીડિયામાં વાયરલ થયા હતા. ત્યારબાદ સોસાયટીના કૂતરા દીપડાની પાછળ દોડ્યા હતા. શહેરના રહેણાંક વિસ્તારોમાં દીપડાના આંટાફેરાથી સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.