Fri May 08 2026

Logo

ઇતિહાસમાં પહેલીવાર ભારતીય ટીમને મળશે સ્પિન બોલિંગ કોચ; ગંભીરે આ નામની ભલામણ કરી

2026-05-08 15:29:00
Author: Savan Zalariya
Article Image

મુંબઈ: 31મેના રોજ ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2026 સમાપ્ત થયા બાદ ભારતીય ક્રિકેટ ટીમ સતત આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમશે. એ પહેલા ભારતીય ક્રિકેટ ટીમના સપોર્ટ સ્ટાફમાં ફેરફાર કરવામાં આવી શકે છે.  અહેવાલ મુજબ ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા(BCCI) ને સ્પિન બોલિંગ કોચની નિમણૂક કરવાની ભલામણ કરી છે.

આ મહત્વપૂર્ણ ભૂમિકા માટે ગૌતમ ગંભીરે ભારતીય ટીમના ભૂતપૂર્વ સ્પિનર સાઈરાજ બહુતુલેનાં નામની ભલામણ કરી છે. જો BCCI સાઈરાજ બહુતુલેનાં નામને મંજૂરી આપે છે, તો ભારતીય ટીમના સપોર્ટ સ્ટાફમાં પહેલીવાર કોઈ સ્પિન બોલિંગ કોચ હશે. હાલમાં, મોર્ને મોર્કેલ ટીમના ફાસ્ટ બોલિંગ કોચ છે, જ્યારે સિતાંશુ કોટક બેટિંગ કોચ છે. જોકે,  સ્પિન બોલિંગ માટે કોઈ અલગ કોચ નથી.

છેલ્લા કેટલાક સમયથી ભારતીય ટીમના સ્પિનરોનું પ્રદર્શન અપેક્ષાઓ મુજબ રહ્યું નથી,  જે ગંભીર ચિતાનો વિષય છે. હેડ કોચ ગૌતમ ગંભીર ભારતીય ટીમના સ્પીન વિભાગને વધુ મજબૂત બનાવવા ઈચ્છે છે. 

ભારતીય સ્પીનર્સની પ્રદર્શન બગડ્યું:
એક સમયે ભારતીય ટીમની સ્પિન બોલિંગને વિશ્વમાં સૌથી ઘાતક માનવામાં આવતી હતી. પરંતુ તાજેતરના વર્ષોમાં, ભારતીય ટીમના સ્પિનર્સ ઘરઆંગણે સંઘર્ષ કરી રહી છે. વર્ષ 2024 માં  ભારતને ઘરઆંગણે ન્યુઝીલેન્ડે સામેની ટેસ્ટ શ્રેણીમાં 0-3થી હાર મળી હતી, ત્યાર બાદ ગયા વર્ષે દક્ષિણ આફ્રિકાએ પણ ભારતમાં ટેસ્ટ સિરીઝ જીતી.

ભારતીય સ્પિનરો કરતાં દક્ષીણ આફ્રિકાના સિમોન હાર્મર અને કેશવ મહારાજે ભારતીય પિચો પર વધુ સારું પ્રદર્શન કર્યું.  કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તી જેવા ભારતના ટોચના સ્પિનર્સ નિષ્ફળ રહ્યા, જેને કારણે ભારતીય ટીમને હાર મળી. જેણે કારણે ટીમ મેનેજમેન્ટને સ્પિન બોલિંગ કોચની નિયુક્તિ અંગે વિચારવાનું શરુ કર્યું. 

કોણ છે સાઈરાજ બહુતુલે?
સાઈરાજ બહુતુલે ભારતીય ટીમના ભૂતપૂર્વ લેગ સ્પિનર છે. તેમણે ભારત માટે બે ટેસ્ટ અને આઠ ODI મેચ  મેચ રમી હતી. તેમણે એક ટેસ્ટ મેચમાં 39 રન બનાવ્યા હતા અને ત્રણ વિકેટ લીધી હતી, જ્યારે ODI મેચોમાં તેમણે બે વિકેટ લીધી અને 23 રન બનાવ્યા હતાં. તેમની આંતરરાષ્ટ્રીય કારકિર્દી ખુબ જ ટૂંકી હતી, પરંતુ ડોમેસ્ટિક તેમનો રેકોર્ડ પ્રભાવશાળી રહ્યો અને તેમની કોચિંગ ક્ષમતાની ખૂબ પ્રશંસા કરવામાં આવે છે.

સાઈરાજ બહુતુલે લાંબા સમયથી ડોમેસ્ટિક ક્રિકેટ અને BCCI ની નેશનલ ક્રિકેટ એકેડેમી (NCA) સિસ્ટમનો ભાગ છે. તેમણે ઘણી રણજી ટીમો સાથે કામ કર્યું છે. હાલમાં તેઓ પંજાબ કિંગ્સ (PBKS) ના સ્પિન-બોલિંગ કોચ છે.