Fri May 08 2026

Logo

પંજાબમાં ઓછી આવક છતાં ઘઉંની રવાનગીઓ ગત સાલથી ઝડપી, કેન્દ્રએ 100 રેલવે રેક ઉમેરી

2026-05-08 20:30:52
Author: Ramesh Gohil
Article Image

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે તાજેતરમાં જણાવ્યું હતું કે આ વર્ષે ઘઉંની ઓછી આવકો છતાં પંજાબની જથ્થાબંધ મંડીઓમાંથી ઘઉંની રવાનગીઓ ગત સાલની સરખામણીમાં ઝડપભેર થઈ રહી છે, પરિણામે વર્તમાન રવી મોસમમાં પ્રાપ્તિ કેન્દ્રો પર માલનો ભરાવો ઓછો રહ્યો છે. 

પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર ગત છઠ્ઠી મે સુધીમાં મંડીઓમાંથી ઘઉંનો ઉપાડ 78.96 લાખ ટનનો રહ્યો હતો, જ્યારે ગત છઠ્ઠી મે, 2025 સુધીમાં ઉપાડ 75.63 લાખ ટનનો રહ્યો હતો. જોકે, રાજ્યમાં કુલ આવક ગત સાલના સમાનગાળાના 125 લાખ ટન સામે 122 લાખ ટનની સપાટીએ અથવા તો ગત સાલ કરતાં ત્રણ લાખ ટન ઓછી રહી હતી. 

વધુમાં મંડીમાં માલનો ભરાવો અટકાવવા માટે અનાજ મંત્રાલયે ઉત્તર પ્રદેશથી દક્ષિણનાં રાજ્યો માટે 100 વધારાની ત્રણ લાખ ટનની ક્ષમતા ધરાવતી ઘઉં સ્પેશિયલ રેલ રેક ફાળવી છે. મે, 2026 માટેની 354 ઘઉં સ્પેશિયલ પૈકી અંદાજે 60 ટકા અથવા તો 201 રેક પંજાબને ફાળવવામાં આવી છે. એપ્રિલ, 2026માં રાજ્યને દેશભરમાં ફાળવવામાં આવેલી 413 વિશેષ રેકમાંથી 234 રેક પ્રાપ્ત થઈ હતી. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઓછી આવક હોવા છતાં રવાનગીઓ અને ઉપાડ ગત સાલ કરતાં વધુ રહ્યો છે અર્થાત ઘઉંની હેરફેર ગત સાલ કરતાં વધુ સારી છે અને તેને કારણે માલનો ભરાવો પણ ઓછો છે. 

વધુમાં આ વર્ષે મંડીઓમાંથી સીધી રવાનગીઓનું પ્રમાણ પણ નોંધપાત્ર સ્તરે વધ્યું છે. ગત એપ્રિલ, 2026માં મંડીમાંથી સીધી રવાનગી અથવા તો ડાયરેક્ટ ડિલિવરી 3.50 લાખ ટનની થઈ હતી, જ્યારે મે અને જૂન મહિનામાં અનુક્રમે 6.6 લાખ ટન અને આઠ લાખ ટન રવાનગી થવાની શક્યતા છે. આમ કુલ વર્તમાન રવી મોસમમાં રાજ્યના સત્તાધીશોની અરજને ધ્યાનમાં લેતા મંડીઓમાંથી અંદાજે 18 લાખ ટનની ડાયરેક્ટ ડિલિવરી થવાની શક્યતા છે.

અનાજ મંત્રાલય અને ફૂડ કોર્પોરેશન ઑફ ઈન્ડિયાએ જણાવ્યું હતું કે અખિલ ભારતીય સ્તરે પંજાબ ઘઉંની હેરફેરમાં 60 ટકા હિસ્સો ધરાવતું રાજ્ય હોવાથી અમે પંજાબની સ્થિતિ પર અત્યંત બારીકાઈથી નજર રાખી રહ્યા છીએ.