બ્રાઝિલ સતત 15મી વખત અને કેનેડા, સાઉથ આફ્રિકા, બોસ્નીયા પહેલી વાર નૉકઆઉટમાં
ન્યૂ યોર્ક: 2026ના ફિફા ફૂટબૉલ વર્લ્ડ કપના વિક્રમજનક 48 દેશમાંથી 13 દેશ નૉકઆઉટ રાઉન્ડમાં પહોંચી ગયા છે અને છ દેશ બહાર થઈ ગયા છે. ખાસ કરીને વિક્રમજનક પાંચ વખત વર્લ્ડ ચેમ્પિયન બનેલા બ્રાઝિલે લાગલગાટ 15મી વખત ગ્રૂપ સ્ટેજમાં શાનથી વિજયી થઈને નૉકઆઉટ રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. યજમાન કૅનેડાને પહેલી જ વખત અને સાઉથ આફ્રિકાને અને બોસ્નીયાને પણ પ્રથમ વાર નૉકઆઉટમાં રમવાનો મોકો મળ્યો છે.

ક્યા 13 દેશ નૉકઆઉટમાં, ક્યાં છ દેશ આઉટ?
આર્જેન્ટિના, ફ્રાન્સ, બ્રાઝિલ, જર્મની, કોલંબિયા, સાઉથ આફ્રિકા, અમેરિકા, મેક્સિકો, કૅનેડા, બોસ્નીયા, સ્વિટઝરલૅન્ડ, મોરક્કો અને નોર્વે નૉકઆઉટ રાઉન્ડમાં પહોંચી ગયા છે. કતાર, હૈતી, તૂર્કી, ટયૂનિશિયા, જોર્ડન અને પનામા સ્પર્ધાની બહાર થઈ ગયા છે.
કોને નૉકઆઉટમાં જવા મળે છે?
ટૂર્નામેન્ટમાં કુલ 12 ગ્રૂપ છે. દરેક ગ્રૂપની ટોચની બે-બે ટીમ નૉકઆઉટમાં પહોંચે છે. તમામ ગ્રૂપમાં ત્રીજા નંબરે જે ટીમો હોય એમાં જે શ્રેષ્ઠ 8 ટીમ હોય એને પણ પહોંચવા મળે છે.
નેમારનું બ્રાઝિલની ટીમમાં ત્રણ વર્ષે કમબૅક
બ્રાઝિલનો સુપરસ્ટાર ખેલાડી નેમાર ત્રણ વર્ષે પહેલી વખત બ્રાઝિલ વતી રમ્યો. ઈજાને કારણે તે આ વર્લ્ડ કપની શરૂઆતમાં પણ નહોતો રમી શક્યો, પરંતુ ગુરુવારે સ્કૉટલૅન્ડ સામેની મૅચથી તેણે ફરી રમવાનું શરૂ કર્યું હતું. તે એકેય ગોલ તો કરી શક્યો, પણ બ્રાઝિલના 3-0ના વિજયમાં તેનું આડકતરી રીતે થોડું યોગદાન હતું. બ્રાઝિલ વતી બે ગોલ વિનિસિયસ (Vinicius) જુનિયરે સાતમી અને 48મી મિનિટમાં કર્યા હતા, જ્યારે ત્રીજો ગોલ મેથ્યૂઝ કુન્હાએ 60મી મિનિટમાં કર્યો હતો. ગ્રૂપ-સીમાંથી બ્રાઝિલ (Brazil) 32 ટીમવાળા નૉકઆઉટ (knockout)માં પહોંચી ગયું છે, પરંતુ સ્કૉટલૅન્ડનું ભાવિ અધ્ધરતાલ છે.
કૅનેડા હારવા છતાં નૉકઆઉટ રાઉન્ડમાં
ગ્રૂપ-બીમાં સ્વિટઝરલૅન્ડ સામે કૅનેડાનો 1-2થી પરાજય થયો હોવા છતાં યજમાન કૅનેડાની ટીમ પહેલી જ વખત નૉકઆઉટમાં પહોંચવામાં સફળ થઈ છે. એ સાથે આ વર્લ્ડકપના ત્રણે યજમાન દેશ અમેરિકા, મેક્સિકો, કૅનેડા 32 ટીમવાળા હવે પછીના રાઉન્ડમાં પહોંચી ગયા છે.
બોસ્નીયાએ કતારને આઉટ કર્યું
કુલ 48માંથી 32 દેશની ટીમમાં નૉકઆઉટમાં રમશે અને એમાં યુરોપના દેશ બોસ્નીયા એન્ડ હરઝેગોવિનાએ પહેલી જ વખત પ્રવેશ મેળવ્યો છે. બુધવારે મોડી રાત્રે 2022 વર્લ્ડ કપના યજમાન કતારને રોમાંચક મુકાબલામાં 3-1થી હરાવીને આ ઐતિહાસિક સફળતા મેળવી હતી.
સાઉથ કોરિયાને 1-0થી હરાવી સાઉથ આફ્રિકા આગળ વધ્યું
ગ્રૂપ-એમાં સાઉથ આફ્રિકાએ સાઉથ કોરિયાની મજબૂત ટીમને 1-0થી હરાવીને એના વર્લ્ડ કપ ઇતિહાસમાં પહેલી જ વાર નૉકઆઉટ રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો હતો. ટીમ વતી ઐતિહાસિક ગોલ્ડન ગોલ થાપેલો માસેકોએ 63મી મિનિટમાં કર્યો હતો. તેણે ગોલ કર્યો કે પળવારમાં સાથી ખેલાડીઓ તેને ભેટી પડ્યા હતા. 11મી જૂને આ વર્લ્ડ કપના પહેલા જ મુકાબલામાં મેક્સિકો સામે સાઉથ આફ્રિકાનો 0-2થી પરાજય થયો ત્યાર પછી પણ સાઉથ આફ્રિકાની ટીમ નૉકઆઉટમાં પહોંચવામાં સફળ થઈ છે.
મોરક્કો 4-2થી અને મેક્સિકો 3-0થી જીત્યું
ગુરૂવારના બીજા બે મહત્વના મુકાબલામાં ગ્રૂપ-સીમાં મોરોક્કોએ હૈતીની બળવાન ટીમને ભારે લડત પછી 4-2થી હરાવી હતી. બીજી તરફ, ગ્રૂપ-એમાં યજમાન મેક્સિકોનો ચેક રિપબ્લિક સામે 3-0થી જવલંત વિજય થયો હતો. મેક્સિકોની ટીમ નૉકઆઉટમાં પહોંચી ચૂકી છે.