Fri May 08 2026

Logo

40 વર્ષે બીજી વખત માતા બની આ જાણીતી ટીવી એક્ટ્રેસ, એક્ટિંગ છોડી ઊભું કર્યું 1800 કરોડનું સામ્રાજ્ય...

2026-05-08 18:07:26
Author: Darshana Visaria
Article Image

ટીવી જગતની જાણીતી એક્ટ્રેસ અને બિઝનેસની દુનિયામાં સફળતાના શિખરો સર કરનાર આશકા ગોરાડિયા માટે 2026નું વર્ષ અત્યંત ખાસ સાબિત થયું છે. 40 વર્ષની ઉંમરે એક્ટ્રેસ આશકા બીજી વખત માતા બની છે અને તેના ઘરે ફરી એકવાર પારણું બંધાયું છે. આશકાની અંગત જિંદગીથી લઈને તેના 1800 કરોડના બિઝનેસ સામ્રાજ્યને પણ એકલા હાથે હેન્ડલ કરી રહી છે. 

આશકા ગોરાડિયા અને તેના પતિ બ્રેન્ટ ગોબેલે સોશિયલ મીડિયા પર એક અત્યંત ભાવુક પોસ્ટ શેર કરીને ફેન્સ સાથે આ ગુડ ન્યુઝ શેર કર્યો છે. હાલમાં જ પહેલી મે, 2026ના આશકાએ દીકરાને જન્મ આપ્યો છે જેનું નામ રિચાર્ડ થિયોડોર ગોબેલ રાખ્યું છે. અહીંયા તમારી જાણકારી માટે આશકાનો મોટો દીકરો વિલિયમ એલેક્ઝાન્ડરનો જન્મ ઓક્ટોબર 2023માં થયો હતો. હવે મોટા ભાઈની ભૂમિકા ભજવવા માટે તૈયાર છે. આશકાએ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે, વિલિયમ અને રિચાર્ડ વચ્ચેનો ભાઈચારાનો સંબંધ જોવા માટે તેઓ ખૂબ જ ઉત્સાહિત છે.

આશકા ગોરાડિયાએ 'કુસુમ', 'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી' અને 'નાગિન' જેવી લોકપ્રિય સિરિયલો દ્વારા ઘરે-ઘરે ઓળખ બનાવી હતી. પરંતુ જ્યારે તેનું કેરિયર ટોચ પર હતું, ત્યારે તેણે ગ્લેમર વર્લ્ડ છોડીને બિઝનેસમાં ઝંપલાવવાનો પડકારજનક નિર્ણય લીધો હતો.

ગ્લેમર વર્લ્ડ સિવાય આશકાએ બિઝનેસ વર્લ્ડમાં પણ નામ કમાવ્યું છે. 2018માં આશકાએ તેના મિત્રો સાથે મળીને RENEE Cosmeticsની સ્થાપના કરી હતી. તેણે માત્ર 50 લાખ રૂપિયાના પ્રારંભિક રોકાણ સાથે આ બ્રાન્ડ શરૂ કરી હતી. આજે આ બ્રાન્ડ ભારતની સૌથી ઝડપથી વિકસતી કોસ્મેટિક બ્રાન્ડ્સમાંથી એક છે.

હાલમાં આશકાની કંપનીની વેલ્યુએશન 1200થી 1800 કરોડ રૂપિયાની આસપાસ હોવાનું મનાય છે. આશકાએ સાબિત કરી દીધું કે એક અભિનેત્રી માત્ર કેમેરા સામે જ નહીં, પણ બોર્ડરૂમમાં પણ સફળ થઈ શકે છે.

વાત કરીએ આશકા ગોરડિયાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ વિશે તો આશકા હવે મુંબઈની ભીડભાડ છોડીને તેના પતિ બ્રેન્ટ સાથે ગોવામાં સ્થાયી થઈ છે. તે સોશિયલ મીડિયા પર અવારનવાર યોગા અને ફિટનેસના વીડિયો શેર કરતી રહે છે. આશકાએ ત્રણ ડિસેમ્બર, 2017ના રોજ અમદાવાદમાં બ્રેન્ટ ગોબેલ સાથે ધામધૂમથી લગ્ન કર્યા હતા. બ્રેન્ટ પોતે પણ ફિટનેસ એક્સપર્ટ છે.