(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ સ્ટ્રેટ ઑફ હોર્મુઝ દરિયાઈ માર્ગ પર અમેરિકા અને ઈરાન વચ્ચે નવેસરથી તણાવ સપાટી પર આવતા આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં એક તબક્કે 46 પૈસા ગબડી ગયો હતો. જોકે, ત્યાર બાદ સંભવિતપણે રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાનો બજારમાં હસ્તક્ષેપ રહેતાં સત્રના અંતે રૂપિયો 71 પૈસા ઊંચકાઈને 94ની સપાટીની અંદર 93.51ના મથાળે બંધ રહ્યો હતો.
અમેરિકાએ હોર્મુઝની સામુદ્રધુની અને નાગરીક વિસ્તારોમાં હુમલાઓ કરીને યુદ્ધવિરામના ઉલ્લંઘન કર્યો હોવાના આક્ષેપ મૂકતાં વેપારીઓના લોકમાનસમાં બદલાવ આવ્યો હતો અને રૂપિયામાં નરમાઈનું વલણ જોવા મળ્યું હતું. જોકે, અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે યુદ્ધ વિરામ હજુ અમલી હોવાનું જણાવતા શાંતિના આશાવાદ સાથે આજે વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના ભાવ બેરલદીઠ 100 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી અને રિઝર્વ બૅન્કના સંભવિત હસ્તક્ષેપે રૂપિયો નીચા મથાળેથી બાઉન્સબૅક થયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 94.22ના બંધ સામે નરમાઈના અન્ડરટોને 94.58ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 94.68 અને ઉપરમાં 93.51ની રેન્જમાં રહ્યા બાદ અંતે ગઈકાલના બંધ સામે 71 પૈસાના ઉછાળા સાથે સત્રની ઊંચી 93.51ની સપાટીએ બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ડૉલર સામે રૂપિયામાં 27 પૈસાનો સુધારો આવ્યો હતો.
વૈશ્વિક સ્તરે મધ્ય પૂર્વમાં પુનઃ ભૂરાજકીય જોખમી પરિબળો સપાટી પર આવ્યા હોવાથી આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયામાં નરમાઈનું વલણ જોવા મળે તેવી શક્યતા વ્યક્ત કરતાં મિરે એસેટ્ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ જણાવતાં ઉમેર્યું હતું કે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલીને કારણે રૂપિયો વધુ દબાણ હેઠળ આવી રહ્યા છે. અમારા મતે આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયો 94.10થી 94.90 આસપાસની રેન્જમાં રહે તેવી શક્યતા નકારી ન શકાય.
દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે સાધારણ 0.15 ટકા ઘટીને 97.91 આસપાસ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 0.25 ટકાના ઘટાડા સાથે બેરલદીઠ 99.81 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 516.33 પૉઈન્ટનો અને 150.50 પૉઈન્ટનો ઘટાડો આવ્યો હતો. તેમ જ ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 340.89 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાથી આજે રૂપિયામાં અમુક અંશે દબાણ રહ્યું હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.