Fri May 08 2026

Logo

આઇપીએલ-2026ઃ ટૉપ-ટૂમાં પહોંચવા છ ટીમ વચ્ચે રેસ, જાણી લો પૂરું સમીકરણ

2026-05-08 20:22:31
Author: Ajay Motiwala
Article Image

મુંબઈઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં લીગ રાઉન્ડને અંતે ટોચના બે સ્થાન પર (ટૉપ-ટૂમાં) પહોંચનારી ટીમને મોટો ફાયદો થતો હોય છે અને એ માટે દર વખતની જેમ આ સીઝનમાં પણ ટૉપ-ટૂ (TOP-2)માં આવવા માટે કુલ છ ટીમ વચ્ચે જોરદાર હરીફાઈ થઈ રહી છે જેમાં પંજાબ (PUNJAB)થી માંડીને ચેન્નઈનો સમાવેશ છે.

યાદ અપાવી દઈએ કે ટૉપ-ટૂમાં પહોંચનારી બેમાંથી જે ટીમ ક્વૉલિફાયર-વનમાં જીતે એ સીધી ફાઇનલમાં જાય અને હારનારી ટીમને ક્વૉલિફાયર-ટૂમાં રમવાનો મોકો મળે અને એમાં જીતીને એ પણ ફાઇનલમાં જઈ શકે.

જે છ ટીમ ટૉપ-ટૂના સ્થાનમાં પહોંચવા માટે દાવેદાર છે એ ટીમની બાકીની લીગ મૅચો પર સૌનું ધ્યાન રહેશે. બીજી રીતે કહીએ તો આ છ ટીમનો પ્રત્યેક લીગ મુકાબલો મહત્ત્વનો રહેશે.

શુક્રવારની દિલ્હી-કોલકાતા મૅચની શરૂઆત પહેલાં ઉપલબ્ધ આંકડા અનુસાર ટૉપ-ટૂમાં પહોંચવા માટે જે છ ટીમ દાવેદાર છે એમાં હૈદરાબાદ (14 પૉઇન્ટ, +0.737નો રનરેટ), પંજાબ (13 પૉઇન્ટ, +0.571નો રનરેટ), બેંગ્લૂરુ (12 પૉઇન્ટ, +1.234નો રનરેટ), રાજસ્થાન (12 પૉઇન્ટ, +0.510નો રનરેટ), ગુજરાત (12 પૉઇન્ટ, -0.147નો રનરેટ) તથા ચેન્નઈ (10 પૉઇન્ટ, +0.151નો રનરેટ)નો સમાવેશ છે.

હાલમાં હૈદરાબાદની સ્થિતિ સૌથી મજબૂત જણાય છે. જોકે પંજાબ અને બેંગ્લૂરુની ટીમ પણ સારા ફૉર્મમાં છે. ગુજરાત અને રાજસ્થાન પાસે પણ ટૉપ-ટૂમાં પહોંચવા માટે પૂરો મોકો છે. ટોચની છ ટીમમાં ચેન્નઈ માટે ટૉપ-ટૂનો માર્ગ સૌથી કઠિન છે.