Fri May 08 2026

Logo

તમિલનાડુમાં બનશે 'વિજય'ની સરકારઃ આવતીકાલે મુખ્યમંત્રી તરીકે લેશે શપથ

2026-05-08 20:28:00
Author: Vimal Prajapati
Article Image

TVK ને ડાબેરી પક્ષો અને કોંગ્રેસનું સમર્થન; 119 બેઠકો સાથે વિજય રચશે નવી સરકાર

ચેન્નઈ: તમિલનાડુના રાજકારણમાં એક નવા યુગની શરૂઆત થઈ છે. સુપરસ્ટાર વિજયની પાર્ટી TVK હવે રાજ્યમાં નવી સરકાર બનાવવા માટે સજ્જ છે. લાંબી ખેંચતાણ અને અનેક બેઠકો બાદ ડાબેરી પક્ષો (CPI-M, CPI) અને VCK એ વિજયને બિનશરતી સમર્થન જાહેર કર્યું છે જેના કારણે સત્તાનું સમીકરણ સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. સરકાર બનાવવા માટે જે 118 ધારાસભ્યોનું સમર્થન જોઈએ, તે વિજય પાસે આવી ગયું છે. એટલે હવે TVK તમિલનાડુમાં સરકાર બનાવવા માટે સક્ષમ છે.

બેઠકોનું ગણિત: કેવી રીતે મળશે બહુમતી?

તમિલનાડુ વિધાનસભામાં સરકાર બનાવવા માટે 118 બેઠકોની જરૂર હોય છે. આંકડાકીય દ્રષ્ટિએ જોઈએ તો TVK પાસે 108 બેઠકો છે. કોંગ્રેસની 05 બેઠકો, CPI(M), CPI અને VCK આ ત્રણેય પક્ષની કુલ 6 બેઠકો સાથે વિજયની પાર્ટીને સમર્થન આપ્યું છે.  એટલે વિજય પાસે હવે 119 બેકકોનું સમર્થન છે, જે બહુમતીના 118ના આંકડાથી વધ્યું છે. બહુમતી મળ્યા પછી આવતીકાલે ટીવીકે પ્રમુખ સવારના અગિયાર વાગ્યે મુખ્યમંત્રી તરીકે શપથગ્રહણ કરશે એની સાથે રાજ્યને નવા મુખ્યમંત્રી મળશે. શપથગ્રહણના કાર્યક્રમમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પણ ઉપસ્થિત રહી શકે છે.

ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન

CPI(M) નેતા યુ. વાસુકીએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ સરકારમાં સામેલ થશે નહીં, પરંતુ વિજયની સરકારને બહારથી સમર્થન આપશે. જ્યારે વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ આવશે, ત્યારે ડાબેરી પક્ષો ટીવીકેના પક્ષમાં મતદાન કરશે. તેમણે ઉમેર્યું કે બિનસાંપ્રદાયિકતા અને રાજ્યોના અધિકારોના મુદ્દે તેઓ હંમેશા મક્કમ રહેશે.

રાજ્યપાલ સાથે ત્રીજી નિર્ણાયક મુલાકાત

ટીવીકે પ્રમુખ વિજય આજે ચેન્નાઈના લોક ભવન પહોંચ્યા છે. રાજ્યપાલ સાથે આ તેમની ત્રીજી મુલાકાત છે. અગાઉ બુધવાર અને ગુરુવારે થયેલી બેઠકો અનિર્ણિત રહી હતી, પરંતુ હવે જરૂરી સમર્થન સાથે વિજય સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે, તેમાં રાજ્યપાલ વિજયને સરકાર બનાવવા માટે આમંત્રણ આપી દીધું છે. બીજી તરફ, વિજયના નિવાસસ્થાન અને પાર્ટી ઓફિસની બહાર કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફટાકડા ફોડીને અને મીઠાઈ વહેંચીને 'થલાપતિ'ના સત્તાકાળના આગમનને વધાવવામાં આવી રહ્યું છે.

વિજય સામે શું છે પડકારો?

રાજકારણીઓનું માનવું છે કે વિજયની સામે સૌથી મોટો પડકાર ચૂંટણીના વાયદાઓનો છે. જનતાને નવી રોજગારી પૂરી પાડવાની સાથે શ્રેષ્ઠ શિક્ષણ વ્યવસ્થા, આરોગ્ય સંબંધિત સેવાઓમાં સુધારવાની સાથે રાજ્યમાં નવા રોકાણમાં વધારાની પણ અપેક્ષા રાખવામાં આવે છે. તેમના સમર્થકોનું કહેવું છે કે વિજયની સરકાર તમિલનાડુમાં નવી રાજકીય સંસ્કૃતિ અને નવા વહીવટી મોડલની શરુઆત કરી શકે છે.