Fri May 08 2026

Logo

મહારાષ્ટ્રમાં દસમાનું પરિણામ જાહેર, 92 ટકા વિદ્યાર્થી પાસ, દીકરીઓ 'અવ્વલ'

2026-05-08 21:23:00
Author: Mumbai Samachar Team
Article Image

કોંકણ વિભાગ 97.62% સાથે પ્રથમ, 179 વિદ્યાર્થીએ મેળવ્યા 100માંથી 100 ગુણ

મુંબઈ: રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૬ માં લેવામાં આવેલી દસમા ધોરણની પરીક્ષાનું પરિણામ શુક્રવારે જાહેર કરવામાં આવ્યું, જેમાં રાજ્યનું એકંદર પરિણામ ૯૨.૦૯ ટકા આવ્યું. આજે જાહેર થયેલા ધોરણ ૧૦ના પરિણામમાં રાજ્યમાં કુલ ૧૪,૨૦,૪૮૬ વિદ્યાર્થીઓ પાસ થયા છે. આમ કુલ પરિણામ ૯૨.૦૯ આવ્યું છે. કુલ ૨૮ હજાર ૨૫ વિદ્યાર્થીઓ ફોર્મ નંબર ૧૭ ભરીને પરીક્ષામાં બેઠા હતા, જેમાંથી ૨૨,૦૦૩ વિદ્યાર્થીઓ પાસ થયા છે અને તેમનું પરિણામ ૭૬.૩૩ ટકા રહ્યું. બીજી તરફ ૨૮,૮૬૭ રિપીટર વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા. તેમાંથી ૯,૭૫૭ વિદ્યાર્થીઓ પાસ થયા, તેમનું પરિણામ ૩૩.૮૯ ટકા આવ્યું છે. 

આમ કુલ ૧૬,૦૦,૧૬૪ વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે નોંધણી કરાવી હતી. તેમાંથી ૧૪,૫૨,૨૪૬ વિદ્યાર્થીઓ પાસ થયા અને રાજ્યનું કુલ પરિણામ ૯૨.૦૯ ટકા રહ્યું. આ ઉપરાંત કુલ ૯,૯૧૨ દિવ્યાંગ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા, જેમાંથી ૯૦૪૨ વિદ્યાર્થીઓ પાસ થયા છે. તેમનું પરિણામ ૯૧.૨૨ ટકા જાહેર કરવામાં આવ્યું.

આ વર્ષે ફરી છોકરીઓએ છોકરાઓને પાછળ છોડી દીધા છે. છોકરીઓની પાસ થવાની ટકાવારી ૯૪.૯૬ ટકા છે, જ્યારે ૮૯.૫૬ ટકા છોકરાઓ પાસ થયા છે. ધોરણ ૧૦ની પરીક્ષામાં છોકરીઓએ જ બાજી મારી છે અને છોકરાઓ કરતા તેમનું પરિણામ ૫.૪૦ ટકા વધારે સારું આવ્યું છે. કુલ ૬૪ વિષયની પરીક્ષા લેવામાં આવી હતી, જેમાંથી ૨૦ વિષયોનું પરિણામ ૧૦૦ ટકા આવ્યું છે.


 
કોંકણ વિભાગે મારી બાજી

કોંકણ વિભાગ આ વખતે પણ ટોપ પર છે એટલે કે પ્રથમ નંબરે છે. કોંકણ વિભાગનું પરિણામ ૯૭.૬૨ ટકા આવ્યું છે, જ્યારે સૌથી ઓછું પરિણામ છત્રપતિ સંભાજીનગર વિભાગનું ૮૮.૪૧ ટકા રહ્યું છે. વિભાગ મુજબ પરિણામમાં નાગપુર: ૮૯.૦૭%, છત્રપતિ સંભાજીનગર: ૮૮.૪૧%, મુંબઈ: ૯૪.૯૭%, કોલ્હાપુર: ૯૫.૪૭%, અમરાવતી: ૯૦.૫૦%, નાશિક: ૯૦.૯૩%, લાતુર: ૮૮.૪૨%, કોંકણ: ૯૭.૬૨% રહ્યું છે, જ્યારે રાજ્યનું કુલ પરિણામ: ૯૨.૦૯ ટકા રહ્યું છે.

રાજ્યમાં નિયમિત પાસ થનારા વિદ્યાર્થીઓમાંથી, ૪,૨૨,૮૫૧ વિદ્યાર્થીઓ 'ડિસ્ટિંક્શન' સાથે પાસ થયા છે. ૪,૩૧,૧૬૪ વિદ્યાર્થીઓ પ્રથમ શ્રેણીમાં પાસ થયા છે, જ્યારે ૩,૮૦,૪૩૭ વિદ્યાર્થીઓ દ્વિતીય શ્રેણીમાં પાસ થયા છે. ઉપરાંત, ૧,૩૪,૧૩૪ વિદ્યાર્થીઓ તૃતીય શ્રેણીમાં પાસ થયા છે.

રાજ્યની કુલ ૨૩,૬૧૨ માધ્યમિક શાળાઓએ વિદ્યાર્થીઓની નોંધણી કરાવી હતી. તેમાંથી ૧૫,૫૫,૦૨૬ વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. રાજ્યની ૬,૬૧૨ શાળાનું પરિણામ ૧૦૦ ટકા આવ્યું છે. માર્ચ ૨૦૨૩ અને માર્ચ ૨૦૨૪ ની સરખામણીએ ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૬ ની પરીક્ષાના પરિણામમાં વધારો જોવા મળ્યો છે.

રાજ્યના ૧૭૯ વિદ્યાર્થીઓને ૧૦૦% માર્ક્સ 

મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ધોરણ ૧૦ના પરિણામની સૌથી મોટી ખાસિયત એ છે કે રાજ્યમાંથી કુલ ૧૭૯ વિદ્યાર્થીઓએ ૧૦૦ માંથી ૧૦૦ ગુણ મેળવ્યા છે. છત્રપતિ સંભાજીનગરમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધુ છે. અહીંના ૨૪ વિદ્યાર્થીઓએ ૧૦૦ ટકા ગુણ મેળવ્યા છે. જ્યારે કોલ્હાપુરના ૧૫, પુણે ૧૨, કોંકણ ૭, નાસિક ૬, મુંબઈ ૫, નાગપુર ૩ અને અમરાવતીના ૩ વિદ્યાર્થીઓએ ૧૦૦ માંથી ૧૦૦ ગુણ મેળવ્યા છે. 

વિભાગવાર પરિણામ ટકાવારી-

કોંકણ- ૯૭.૬૨%, કોલ્હાપુર- ૯૫.૪૭%, મુંબઈ- ૯૪.૯૭%, પુણે વિભાગ- ૯૪.૨૪%, નાશિક- ૯૦.૯૩%, અમરાવતી- ૯૦.૫૦%, નાગપુર- ૮૯.૦૭%, લાતુર- ૮૮.૪૨% અને છત્રપતિ સંભાજીનગર- ૮૮.૪૧ ટકા આવ્યું છે. શિક્ષણ બોર્ડ દ્વારા ટેલિમાનસ હેલ્પલાઇન નંબર પણ જારી કરવામાં આવ્યો છે, જેમાં ટેલિમાનસ હેલ્પલાઇન. હેલ્પલાઈન પર વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે કાઉન્સેલિંગની સુવિધા ઉપલબ્ધ છે. એસસીઇઆરટી દ્વારા આ માટે ૩૧૫ કાઉન્સેલરની નિમણૂક કરવામાં આવી છે. વધુમાં, છેલ્લી પરીક્ષા સુધી માર્કશીટ અને સર્ટિફિકેટ અલગ-અલગ છાપવામાં આવતા હતા, પરંતુ હવેથી વિદ્યાર્થીઓને એક જ પેપર પર માર્કશીટ અને સર્ટિફિકેટ બંને મળી જશે.

ધોરણ ૧૦ના પરિણામોની ખાસિયત 

1. રાજ્યના નવ વિભાગીય બોર્ડ એટલે કે પુણે, નાગપુર, છત્રપતિ સંભાજીનગર, મુંબઈ, કોલ્હાપુર, અમરાવતી, નાસિક, લાતુર અને કોંકણના કુલ ૧૫,૫૫,૦૨૬ નિયમિત વિદ્યાર્થીઓએ આ પરીક્ષા માટે નોંધણી કરાવી હતી. તેમાંથી ૧૫,૪૨,૪૭૨ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને તેમાંથી ૧૪,૨૦,૪૮૬ વિદ્યાર્થીઓ પાસ થયા છે અને તેમની કુલ પાસ ટકાવારી ૯૨.૦૯ છે.

2. રાજ્યના નવ વિભાગીય બોર્ડમાંથી કુલ ૨૯,૫૦૬ ખાનગી વિદ્યાર્થીઓએ આ પરીક્ષા માટે નોંધણી કરાવી હતી. તેમાંથી ૨૮,૮૨૫ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને તેમાંથી ૨૨,૦૦૩ વિદ્યાર્થીઓ પાસ થયા હતા, જે કુલ પાસ થવાની ટકાવારી ૭૬.૩૩ ટકા દર્શાવે છે.

3. રાજ્યના નવ વિભાગીય બોર્ડમાંથી કુલ ૨૯,૫૧૮ રિપીટર વિદ્યાર્થીઓએ આ પરીક્ષા માટે નોંધણી કરાવી હતી. તેમાંથી ૨૮,૮૬૭ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને તેમાંથી ૯૭૫૭ વિદ્યાર્થીઓ પાસ થયા છે, જે કુલ પાસ થવાની ટકાવારી ૩૩.૭૯ દર્શાવે છે.

4. રાજ્યના નવ વિભાગીય બોર્ડમાંથી કુલ ૧૬,૧૪,૦૫૦ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા માટે નોંધણી કરાવી હતી, જેમાં નિયમિત, ખાનગી અને પુનઃપરીક્ષા આપનારા વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. તેમાંથી ૧૬,૦૦,૧૬૪ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને તેમાંથી ૧૪,૫૨,૨૪૬ વિદ્યાર્થીઓ પાસ થયા છે. તેમની પાસ થવાની ટકાવારી ૯૦.૭૫ છે.

5. રાજ્યના નવ વિભાગીય બોર્ડમાંથી કુલ ૧૦,૦૩૧ દિવ્યાંગ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા માટે નોંધણી કરાવી હતી. તેમાંથી ૯,૯૧૨ દિવ્યાંગ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને તેમાંથી ૯,૦૪૨ દિવ્યાંગ વિદ્યાર્થીઓ પાસ થયા છે, જે કુલ પાસ થવાની ટકાવારી ૯૧.૨૨ દર્શાવે છે.

6. બધા વિભાગીય બોર્ડમાં, કોંકણ વિભાગના વિદ્યાર્થીઓનું સૌથી વધુ પરિણામ (૯૭.૬૨%) છે, જ્યારે સૌથી ઓછું પરિણામ છત્રપતિ સંભાજીનગર વિભાગ (૮૮.૪૧%)નું છે.

7. બધા વિભાગીય બોર્ડમાંથી છોકરીઓની પાસ ટકાવારી ૯૪.૯૬ છે અને છોકરાઓની પાસ ટકાવારી ૮૯.૫૬ છે. એટલે કે, છોકરીઓની પાસ ટકાવારી છોકરાઓ કરતાં ૫.૪૦ વધુ છે.

8) ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૬ માં લેવાયેલી માધ્યમિક શાળા (૧૦મી) ની પરીક્ષા માટે કુલ ૬૪ વિષયોની પરીક્ષા લેવામાં આવી હતી. તેમાંથી ૨૦ વિષયોનું પરિણામ ૧૦૦% આવ્યું હતું.

9) ૪૧,૦૬૫ વિદ્યાર્થીઓને એટીકેટી 

સમગ્ર રાજ્યમાં ધોરણ ૧૦ ની પરીક્ષામાં ૯૨.૦૯ ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. તેજસ્વી વિદ્યાર્થીઓની સાથે સાથે ૪૧,૦૬૫ વિદ્યાર્થીઓને એટીકેટી મળી છે. ધોરણ ૧૦ માટે એટીકેટી ની જોગવાઈ લાગુ કરવામાં આવી છે. જો કોઈ વિદ્યાર્થી એક અથવા બે વિષયમાં નાપાસ થાય છે, તો પણ તેને ધોરણ ૧૧ માં પ્રવેશ આપવામાં આવે છે. આ જોગવાઈને એટીકેટી એટલે કે અલાવ્ડ ટુ કીપ ટર્મ્સ કહેવામાં આવે છે.

આના દ્વારા વિદ્યાર્થી ધોરણ ૧૧ માં પ્રવેશ મેળવી શકે છે. જોકે, ધોરણ ૧૨ માં પ્રવેશ લેતા પહેલા વિદ્યાર્થી માટે ધોરણ ૧૦ ની પરીક્ષાઓ પાસ કરવી અનિવાર્ય છે. જો આવો કોઈ વિદ્યાર્થી જૂન-જુલાઈ ૨૦૨૬ અથવા ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૭ ની પરીક્ષાઓમાંથી કોઈ એક પાસ કરી લે છે અને સાથે જ ધોરણ ૧૧ ની પરીક્ષાઓ પણ પાસ કરી લે છે, તો તેને ધોરણ ૧૨ ની પરીક્ષાઓમાં બેસવા માટે પાત્ર ગણવામાં આવશે.

10) દસમાની પરીક્ષા દરમિયાન ઘણી ગેરરીતિઓ પણ બહાર આવી હતી અને ઘણા કર્મચારીઓ તેનાથી પ્રભાવિત થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્યમાં ચાર સ્થળોએ એફઆઇઆર નોંધવામાં આવી છે. પુણેમાં ૩ અને લાતૂરમાં ૧ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. આ મામલે પાંચ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા. છત્રપતિ સંભાજીનગરથી એક, કોલ્હાપુરથી ૨ અને લાતૂરથી પણ ૨ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. દરમિયાન કુલ ૪૦૨ ગેરરીતિના કેસ નોંધાયા હતા, જેમાંથી પુણેમાં ૪૨, નાગપુરમાં ૪૬, છત્રપતિ સંભાજી નગરમાં ૭૧, મુંબઈમાં ૪૪, કોલ્હાપુરમાં ૪, અમરાવતીમાં ૬૭, નાશિકમાં ૮૨ અને લાતુરમાં ૪૨ ગેરરીતિઓની નોંધ થઈ હતી.

11) જે વિદ્યાર્થીઓ અમુક વિષયમાં નાપાસ થયા છે, તેમને એટી-કેટીની સુવિધા આપવામાં આવી છે, જેમાં ૪૧,૦૬૫  વિદ્યાર્થીઓ પાત્ર ઠર્યા છે. આ ઉપરાંત રી-ચેકિંગ અને રિઝલ્ટની કૉપી મેળવવા અંગેની સંપૂર્ણ માહિતી શિક્ષણ બોર્ડની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. રી-ચેકિંગ માટે અરજી ૯ મે થી ૨૩ મે, ૨૦૨૬ દરમિયાન mahasscboard.in વેબસાઇટ પરથી ઓનલાઈન સબમિટ કરી શકાશે. રિઝલ્ટના પુનઃમૂલ્યાંકન માટે પહેલા વિદ્યાર્થીઓએ પોતાની રિઝલ્ટની કૉપી લેવી પડશે. રિઝલ્ટ મળ્યા બાદ જ વિદ્યાર્થીઓ ઓનલાઇન પુનઃમૂલ્યાંકન માટે અરજી કરી શકશે.
વિદ્યાર્થીઓએ રી-ચેકિંગ માટે દરેક વિષય દીઠ ૫૦ રૂપિયા ફી ચૂકવવાની રહેશે. આ પ્રક્રિયામાં કુલ માર્ક્સની ગણતરી કરવામાં આવશે. આ માટે verification.msbshse.co.in વેબસાઇટ પર જાઓ. તમારો સીટ નંબર અને અન્ય જરૂરી વિગતો ભરી ઓનલાઇન ફી જમા કરો. છેલ્લે 'સબમિટ' બટન પર ક્લિક કરો.

બે દીકરીઓ બધા પર ભારે..

રાજ્યના ધોરણ ૧૦ ના પરિણામો આખરે જાહેર થયા. આ પરિણામથી ઘણા વિદ્યાર્થીઓમાં આનંદ અને ઉદાસીનતાનું વાતાવરણ સર્જાયું છે. પરિણામ બાદ, રાજ્યના બે જિલ્લામાં દિવાળી જેવો માહોલ હતો, કારણ કે આ બે જિલ્લાની દીકરીઓએ બધા કરતા સારુ પ્રદર્શન કર્યું છે. આ બંને દીકરીઓએ ધોરણ ૧૦ ની પરીક્ષામાં ૧૦૦ માંથી ૧૦૦ માર્કસ મેળવીને સાબિત કરી દીધું છે કે 'અમે પણ કોઈનાથી કમ નથી'.

ધારાશિવ જિલ્લાના ઉમરગા સ્થિત 'ડોક્ટર કે. ડી. ઇંગ્લિશ સ્કૂલ'ની વિદ્યાર્થિની ગાયત્રી મહાદેવ પાટીલે ૧૦૦ ટકા ગુણ મેળવીને ધોરણ ૧૦ માં શાનદાર સફળતા મેળવી છે. ગાયત્રીને ૫૦૦ માંથી ૪૯૨ ગુણ મળ્યા હતા, અને સાથે જ સંગીતના ૮ વધારાના ગુણ ઉમેરાતા તેને ૫૦૦ માંથી ૫૦૦  ગુણ પ્રાપ્ત થયા છે. તે હાલમાં નીટ ની તૈયારી કરી રહી છે. આ સફળતા પછી ગાયત્રીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, 'હું શરૂઆતથી જ સારા માર્ક્સ મેળવવા માંગતી હતી. હું દરરોજ સવારે વહેલા ઉઠીને અભ્યાસ કરતી હતી. હું ડૉક્ટર બનવા માંગુ છું.'  
ગાયત્રીની જેમ, પુણેની ઓજસી અમોલ ઓગલેએ પણ ધોરણ ૧૦ ની પરીક્ષામાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ મેળવ્યા છે. ઓજસી પુણેની માધવ સદાશિવ ગોલવલકર ગુરુજી માધ્યમિક શાળાની વિદ્યાર્થીની છે. 

સાંભળી ન શકતી છતાં ધોરણ ૧૦ માં મેળવી સફળતા

સાંભળવાની શક્તિ બિલકુલ ન હોવા છતાં, જો કોઈ વિદ્યાર્થી સામાન્ય સ્કૂલમાં અન્ય બાળકો સાથે ભણીને ધોરણ ૧૦ માં ૯૪.૨% માર્કસ લાવે, તો તે ખરેખર નવાઈની વાત છે. નાગપુરની શાંભવી પંચબુદ્ધે નામની વિદ્યાર્થિનીએ આવી જ શાનદાર સફળતા મેળવી બતાવી છે.
શાંભવી પાંચમા ધોરણમાં હતી, ત્યારે કફના કારણે તેની સાંભળવાની શક્તિ ધીમે ધીમે ઓછી થવા લાગી હતી. સાતમા ધોરણ સુધી પહોંચતા તો તે સાંભળવાની શક્તિ પૂરી રીતે ગુમાવી બેઠી. તેમ છતાં, તેના પરિવારજનોએ તેને સ્પેશિયલ સ્કૂલમાં મોકલવાને બદલે સામાન્ય બાળકો સાથે જ ભણાવવાનો નિર્ણય લીધો. સાંભળી શકતી ન હોવાને કારણે તેને ક્લાસમાં ફક્ત પહેલી બેન્ચ પર બેસવાની છૂટ આપવામાં આવી હતી. શિક્ષકો જ્યારે ભણાવતા, ત્યારે તે તેમના હોઠનું હલનચલન જોઈને સમજી જતી કે તેઓ શું કહી રહ્યા છે. 
બીજી તરફ, સાંભળવાની તકલીફને કારણે બોર્ડના નિયમો મુજબ શાંભવીને પેપર લખવા માટે 'રાઈટર' મળી શકતો હતો, પરંતુ શાંભવીએ જાતે જ પેપર લખવાનો નિર્ણય કર્યો અને પરીક્ષામાં ૯૪.૨% ગુણ મેળવીને શાનદાર સફળતા હાંસલ કરી છે.

જોડિયા ભાઈ-બહેનોના ગુણ પણ સરખા

જન્મથી જ દરેક બાબતમાં સાથે રહેતા જોડિયા ભાઈ-બહેન જો ધોરણ ૧૦ ની પરીક્ષામાં પણ એકસરખા જ માર્કસ મેળવે, તો તમે તેને શું કહેશો? નાગપુરના ખિલજ અને ખુશી ચાંદેવાર નામના જોડિયા ભાઈ-બહેને ધોરણ ૧૦ ની પરીક્ષામાં ૯૭.૮% સાથે એકસરખા ગુણ મેળવીને એક અનોખો સંયોગ સર્જ્યો છે.
બહેને સોશિયલ સ્ટડીઝમાં ભાઈને પાછળ છોડી દીધો, તો ભાઈએ ગણિતમાં બહેન કરતા વધુ માર્કસ મેળવ્યા. પરંતુ જ્યારે બંનેના કુલ માર્કસનો સરવાળો કરવામાં આવ્યો, ત્યારે તે એકદમ સરખો જ નીકળ્યો.

ભણતરના આ સફરમાં ક્યારેક ઝઘડો તો ક્યારેક એકબીજાને સાથ આપીને બંનેએ તૈયારી કરી હતી. બંને એકબીજાની નોટ્સ વાપરતા અને એકબીજાને મદદ કરતા હતા. આખરે, આ મહેનતના પરિણામે બંનેએ બોર્ડની પરીક્ષામાં પણ 'સેમ ટુ સેમ' માર્કસ મેળવ્યા છે.