અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે અને આપણી બધાની સર્વસામાન્ય એવી માન્યતા હોય છે કે માત્ર તડકામાં કામ કરનારા લોકો જ ડિહાઈડ્રેશનની સમસ્યાનો સામનો કરે છે, પરંતુ હકીકત એકદમ અલગ છે. તમને જાણીને નવાઈ લાગશે કે એસી કેબિનમાં બેસીને કામ કરતાં ઓફિસ વર્કર્સ પણ આ ગંભીર સમસ્યાનો શિકાર બની રહ્યા છે. હેલ્થ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર ઓફિસમાં બેસતા લોકોમાં ડિહાઈડ્રેશનની સમસ્યા ખૂબ જ શાંતિથી અને કોઈ પણ સંકેત વગર વધતી જ જઈ રહી છે. ચાલો જાણીએ કે કઈ રીતે એસી ઓફિસમાં બેસીને તમે બીમારી પડી રહ્યા છે...
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સતત એસીમાં બેસવાને કારણે શરીરને ગરમી નથી લાગતી અને પરસેવો પણ વળતો નથી. આથી, આપણું મગજ તરસ લાગવાના સંકેતો આપવાનું બંધ કરી દે છે અથવા તે સંકેતો ખૂબ નબળા હોય છે. પરિણામે, કલાકો સુધી પાણી પીવાનું યાદ આવતું નથી અને શરીર અંદરથી સુકાવા લાગે છે.
એસી રૂમની હવા ખૂબ જ ડ્રાય એટલે કે સૂકી હોય છે. એસીની આ ઠંડી અને સૂકી હવા ત્વચા અને શ્વાસ દ્વારા સતત શરીરનો ભેજ ખેંચતી રહે છે. પરસેવો ન થતો હોવા છતાં, શરીરનું પાણી બાષ્પીભવન થઈ રહ્યું હોય છે, જે આપણને નજરે દેખાતું નથી.
ઓફિસમાં કામના ભારણ વચ્ચે લોકો વારંવાર ચા કે કોફી પીતા હોય છે. લોકોને લાગે છે કે તેઓ પ્રવાહી લઈ રહ્યા છે, પરંતુ વાસ્તવમાં કેફીન શરીરના પાણીને વધારવાને બદલે ઘટાડે છે. તે પેશાબ વારંવાર લાવે છે, જેનાથી શરીરમાં પાણીની ઉણપ સર્જાય છે અને એને કારણે ડિહાઈડ્રેશન થઈ શકે છે.
આ સિવાય ઓફિસમાં આખો દિવસ કામ કર્યા બાદ સાંજ પડતા સુધીમાં તો અનુભવાતો થાક, હળવો માથાનો દુખાવો, કે એકાગ્રતામાં ઘટાડો એ કામના બોજને કારણે નહીં પણ ડિહાઈડ્રેશનને કારણે હોઈ શકે છે. લાંબા સમય સુધી આ સ્થિતિ રહે તો કિડની સ્ટોન કે યુરિન ઈન્ફેક્શનનું જોખમ વધી જાય છે.