બેંગ્લૂરુઃ 2025ની ચૅમ્પિયન રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લૂરુ (RCB)ની ટીમ આ વખતે 12 પૉઇન્ટ સાથે ત્રીજી નંબર પર છે, છ વખત 200-પ્લસનો સ્કોર નોંધાવી ચૂકી છે તેમ જ સતત બીજી વખત ટાઇટલ જીતી શકે એમ છે, પરંતુ આ ટીમ આ વખતે કેટલીક જુદી જ મુસીબતોનો સામનો કરી રહી છે. 11માંથી એકેય સેન્ચુરિયન આ ડિફેન્ડિંગ ચૅમ્પિયન ટીમનો નથી અને વધુ નવાઈ તો એ વાતની છે કે એક રીતે આ ટીમ આ વખતે મોટા ભાગે `10 ખેલાડીઓથી' રમી રહી હોય એવું લાગે છે.
આરસીબીના પચીસમાંથી મોટા ભાગના ખેલાડીઓ આ વખતે ફ્લૉપ છે અથવા તો ઈજાને કારણે નથી રમી શક્તા. હવે તો ઇમ્પૅક્ટ પ્લેયર સહિત ટીમના ખેલાડીઓની સંખ્યા 12 થઈ કહેવાય એમ છતાં આ ટીમને અત્યાર સુધીમાં માંડ 10 ખેલાડીઓએ પૉઇન્ટ્સ-ટેબલમાં ત્રીજા સ્થાન સુધી પહોંચાડી છે.
શરૂઆત સારી થાય એ બહુ સારું કહેવાય, પણ સારા આરંભ બાદ એ સફળતાને કેવી રીતે સાચવવામાં આવે છે અને અંત કેવો છે એ વધુ મહત્ત્વનું છે. આવું હાલની આઇપીએલ સીઝનમાં બેંગ્લૂરુ તેમ જ પંજાબની બાબતમાં જોવા મળી રહ્યું છે. બન્ને ટીમે શરૂઆત સારી કરી, પણ થોડા દિવસોથી એક પછી એક પરાજય જોઈ રહી છે. પંજાબ સતત ત્રણ મૅચ હાર્યું છે, જ્યારે બેંગ્લૂરુની લાગલગાટ બીજી મૅચમાં શિકસ્ત થઈ છે. ગુરુવારે લખનઊ જેવી 10મા નંબરની ટીમ સામે હારવાને પગલે બેંગ્લૂરુની કેટલકી નબળાઈઓ બહાર આવી છે.
અગાઉ પાંચ વખત 200-પ્લસ રન કરી ચૂકેલી બેંગ્લૂરુ (BENGALURU)ની ટીમ ગુરુવારે લખનઊ જેવી સાવ નબળી ટીમ સામે 213 રનનો લક્ષ્યાંક મેળવવામાં નિષ્ફળ રહી હતી. આ સીઝનમાં પહેલી જ વખત રજત પાટીદાર (RAJAT PATIDAR)ની બેંગ્લૂરુની ટીમ લક્ષ્યાંક ચેઝ કરતી વખતે હારી છે.
પીઢ ખેલાડી વિરાટ કોહલી ત્રણ વર્ષ બાદ પહેલી જ વખત શૂન્યમાં આઉટ થયો અને તેને લખનઊના પ્રિન્સ યાદવ જેવા ઊભરતા પેસ બોલરે ક્લીન બોલ્ડ કર્યો હતો. ફિલ સૉલ્ટ ઈજાને કારણે આ ટૂર્નામેન્ટની બહાર થઈ ગયો ત્યાર બાદ તેનો વિકલ્પ બનેલો જેકબ બેથેલ હજી સુધી પ્રભાવિત નથી કરી શક્યો.
ચાર મૅચમાં તે ફક્ત 43 રન બનાવી શક્યો છે. તેની તુલનામાં ફિલ સૉલ્ટે છ મૅચમાં 202 રન કર્યા હતા. લગભગ દરેક સીઝનમાં સારું રમતા જિતેશ શર્માના બૅટથી પણ આ વખતે બહુ ઓછા રન બન્યા છે. આઠ મૅચમાં તે માંડ 64 રન બનાવી શક્યો છે. આ બધુ જોતાં આ વખતની ટ્રોફી પર પણ આરસીબીનું નામ જોવા મળે એની સંભાવના ઘટી ગઈ છે.