નવી દિલ્હીઃ અહીં અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાનારી મૅચ (સાંજે 7.30 વાગ્યાથી)માં દિલ્હી કૅપિટલ્સ (DC) અને કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) બેમાંથી જે ટીમ જીતશે એ પ્લે-ઑફની રેસમાં ગમે એમ કરીને ટકી રહેશે, પરંતુ પરાજિત થનારી ટીમનો ઘડોલાડવો થઈ ગયો સમજજો અને એનું કારણ એ છે કે આજની બન્ને ટીમે બાકીની તમામ લીગ મૅચો જીતવાની હોવાથી આજની હાર એમના માટે `ધી એન્ડ' જેવી સાબિત થઈ શકે. દિલ્હી છેલ્લી પાંચમાંથી ચાર મૅચ હારી છે, જ્યારે કોલકાતાની ટીમ કમબૅક બાદ છેલ્લી ત્રણેય મૅચ જીતીને દિલ્હી આવી છે.
10 ટીમમાં અક્ષર પટેલના નેતૃત્વમાં દિલ્હી સાતમા સ્થાને છે. એણે 10માંથી માત્ર ચાર મૅચ જીતી છે અને છ મૅચમાં પરાજય જોયો છે અને એના માત્ર આઠ પૉઇન્ટ છે. અજિંક્ય રહાણેના સુકાનમાં કોલકાતાની ટીમ નવમાંથી ત્રણ મૅચ જીતી છે, પાંચ મૅચ હારી તેમ જ એની એક મૅચ અનિર્ણીત રહી છે.
આજની મૅચ દિલ્હીની ટીમના હોમ-ગ્રાઉન્ડમાં રમાવાની છે, પરંતુ અહીં એનો આ વખતે રેકૉર્ડ સારો નથી. અરુણ જેટલી સ્ટેડિયમમાં આ ટીમ પાંચમાંથી માંડ એક મૅચ જીતી છે. ગુજરાત સામે અહીં દિલ્હીનો એક રનથી પરાજય થયો હતો, પંજાબ સામે દિલ્હીની ટીમ 264 રનનો તોતિંગ સ્કોર ડિફેન્ડ નહોતી કરી શકી, બેંગ્લૂરુ સામે દિલ્હીની ટીમનો દાવ 75 રનમાં જ સમેટાઈ ગયો હતો અને ચેન્નઈના સ્પિનર્સ સામે દિલ્હીની ટીમની ઇનિંગ્સ 155 રન સુધી મર્યાદિત રહી હતી. હવે આજે દિલ્હીના બૅટ્સમેનો (પથુમ નિસાન્કા, કેએલ રાહુલ, નીતીશ રાણા, કરુણ નાયર, ટ્રિસ્ટેન સ્ટબ્સ, સમીર રિઝવી, આશુતોષ શર્મા)એ કોલકાતાના બે સુપર-સ્પિનર સુનીલ નારાયણ અને વરુણ ચક્રવર્તીનો પડકાર ઝીલવાનો છે.
જોકે દિલ્હી પાસે પણ બે સ્ટાર સ્પિનર અક્ષર પટેલ તથા કુલદીપ યાદવ છે અને તેમની સામે કોલકાતાના બૅટ્સમેન (અંગક્રિશ રઘુવંશી, અજિંક્ય રહાણે, ફિન ઍલન, રિન્કુ સિંહ, રૉવમૅન પૉવેલ, કૅમેરન ગ્રીન, મનીષ પાન્ડે, સુનીલ નારાયણ)ની કસોટી થશે.
હેડ-ટુ-હેડ મુકાબલા
(1) બન્ને ટીમ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 35 મૅચ રમાઈ છે જેમાંથી 19 કોલકાતાએ અને 15 દિલ્હીએ જીતી છે. એક મૅચ અનિર્ણીત રહી છે.
(2) 2022ની સીઝનથી અત્યાર સુધીના તમામ મુકાબલાની વાત કરીએ તો બન્ને ટીમ વચ્ચે કુલ છ મૅચ રમાઈ છે જેમાંથી પહેલી ત્રણ દિલ્હીએ અને છેલ્લી ત્રણ કોલકાતાએ જીતી છે.
(3) 2026ની સીઝનમાં દિલ્હી-કોલકાતા વચ્ચે આજે પહેલી જ વાર ટક્કર છે.
બન્નેની સંભવિત ટીમ
દિલ્હીઃ અક્ષર પટેલ (કૅપ્ટન), કેએલ રાહુલ (વિકેટકીપર), પથુમ નિસન્કા, નીતીશ રાણા, કરુણ નાયર, ટ્રિસ્ટેન સ્ટબ્સ, સમીર રિઝવી, આશુતોષ શર્મા, મિચલ સ્ટાર્ક, લુન્ગી ઍન્ગિડી, કુલદીપ યાદવ અને (12મો પ્લેયર) ટી. નટરાજન.
કોલકાતાઃ અજિંક્ય રહાણે (કૅપ્ટન), અંગક્રિશ રઘુવંશી (વિકેટકીપર), ફિન ઍલન, રિન્કુ સિંહ, કૅમેરન ગ્રીન, રૉવમૅન પૉવેલ, મનીષ પાન્ડે, સુનીલ નારાયણ, અનુકૂલ રૉય, કાર્તિક ત્યાગી, વરુણ ચક્રવર્તી અને (12મો પ્લેયર) વૈભવ અરોરા.