નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 19મી સીઝનના અંતને હજી ત્રણ અઠવાડિયાથી પણ વધુ સમય બાકી છે ત્યારે બોર્ડ ઑફ કન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)એ તમામ 10 ફ્રૅન્ચાઇઝીઓને નવા કેટલાક નિયમોની યાદી મોકલી દીધી છે અને એનો એમના ખેલાડીઓ તેમ જ સપોર્ટ સ્ટાફ દ્વારા ચુસ્તપણે અમલ થાય એની તકેદારી લેવાની સૂચના આપી છે. આમાં સૌથી મોટા બે નિયમ એ છે હવે પછી કોઈ પણ ટીમનો કોઈ પણ ખેલાડી કે સપોર્ટ સ્ટાફનો મેમ્બર ટીમના મૅનેજરની પરવાનગી વિના હૉટેલમાં પોતાની રૂમમાં બહારની કોઈ પણ વ્યક્તિને નહીં બોલાવી શકે તેમ જ ખેલાડીઓ-સ્ટાફ મેમ્બર્સ પોતાના માટે નિયુક્ત અધિકારીની પરવાનગી વગર હૉટેલની બહાર નહીં જઈ શકે.
ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફના મેમ્બર્સ તેમ જ ટીમના અધિકારીઓને કહી દેવામાં આવ્યું છે કે તેઓ કોઈ પણ સમયે હૉટેલની બહાર નહીં જઈ શકે અને જ્યારે પણ બહાર જવું હોય તો એ માટે તેમણે સિક્યૉરિટી લીઍઝોં ઑફિસર (એસએલઓ) અને ટીમ ઇન્ટિગ્રિટી ઑફિસર (ટીઆઇઓ)ની પરવાનગી અચૂક લેવી જ પડશે. બીજી રીતે કહીએ તો દરેકે સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રૉસિઝર (SOP)નો બરાબર અમલ કરવો પડશે.
બીસીસીઆઇનું કહેવું છે કે હની ટ્રૅપ (HONEY TRAP), કાનૂની જવાબદારી તથા સલામતી સામે જોખમ સહિતના કારણસર ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ માટેના નિયમ કડક બનાવવામાં આવ્યા છે. હની ટ્રૅપ એટલે કોઈ વ્યક્તિ (આ કિસ્સામાં ખેલાડી) પાસેથી કોઈ પ્રકારની અગત્યની માહિતી કે પૈસા કઢાવવા કે તેને બ્લૅકમેઇલ કરવા તેમને રૉમેન્ટિક કે જાતીય આવેગ સંબંધિત કોઈ તરકીબથી લાલચ આપવી.
ક્રિકેટ બોર્ડની ઍન્ટિ-કરપ્શન યુનિટના અહેવાલ મુજબ વર્તમાન આઇપીએલ સીઝન દરમ્યાન કેટલીક ઘટના બની ગઈ છે જેમાં બીસીસીઆઇએ નક્કી કરેલા અમુક નિયમો તથા પ્રૉટોકૉલનો ભંગ થયો છે. બોર્ડનું કહેવું છે કે `કેટલાક ખેલાડીઓએ અને સપોર્ટ સ્ટાફના મેમ્બર્સે પોતાના ટીમ મૅનેજરને કહ્યા વગર બહારની વ્યક્તિઓને પોતાની હૉટેલ-રૂમમાં બોલાવ્યા હતા. ઘણા કિસ્સામાં તો આવી વિઝિટર્સ વિશે ટીમ-મૅનેજર્સને કોઈ જાણ જ નહોતી કરવામાં આવી. હવે પછી આવું જરાય નહીં ચલાવી લેવાય.'