મુંબઈ: શિવસેના (યુબીટી)ના વિધાન પરિષદના સભ્ય (એમએલસી) સચિન આહિરે શાસક શિવસેનાના ઉમેદવાર તરીકે મહારાષ્ટ્ર વિધાન પરિષદના ઉપાધ્યક્ષ પદની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવ્યાના એક દિવસ પછી તેમના ઘરની બહાર પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે વર્લીના ગુલરુખ બિલ્ડિંગમાં આહિરના નિવાસસ્થાનની બહાર એક પોલીસ વૅન અને બે કોન્સ્ટેબલ તૈનાત કરવામાં આવ્યા છે. મંગળવારની ઘોષણા પછી સમર્થકો આહિરની મુલાકાત લઈ રહ્યા હોવાથી તેમના નિવાસસ્થાનની બહાર પોલીસની હાજરી જરૂરી બની છે.
શિવસેના (યુબીટી) નેતા આદિત્ય ઠાકરેના નિકટના સાથી આહિરે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને બે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને સુનેત્રા પવાર ની હાજરીમાં મહાયુતિના ઉમેદવાર તરીકે પોતાનું નામાંકન રજૂ કર્યું હતું.
ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળના પક્ષના 6 બળવાખોર સંસદ સભ્ય શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેનામાં જોડાયાના એક અઠવાડિયા પછી આ ઘટના બની છે.