Tue Jun 09 2026

Logo

ડૉલર સામે રૂપિયો 43 પૈસા પટકાયો

2026-06-08 20:36:38
Author: Ramesh Gohil
Article Image

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
પશ્ચિમ એશિયામાં ભૂરાજકીય તણાવ વધવાની ભીતિ હેઠળ આજે વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના ભાવમાં ઉછાળો આવવાની સાથે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈનું વલણ ઉપરાંત ગત શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં વેચવાલીનું દબાણ જળવાઈ રહ્યું હોવાના સંકેતોને ધ્યાનમાં લેતા આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો  43 પૈસા પટકાઈને 95.61ની સપાટીએ બંધ રહ્યો હતો. 

આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારના 95.18ના બંધ સામે નરમાઈના અન્ડરટોને 95.35ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 95.75 અને ઉપરમાં 95.15ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે 43 પૈસાના કડાકા સાથે 95.61ની સપાટીએ બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગત શુક્રવારે રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાની મોનેટરી પૉલિસી કમિટીની બેઠક પશ્ચાત્ રૂપિયામાં 56 પૈસાનો ઉછાળો નોંધાયો હતો. 

દરમિયાન અમેરિકા રાષ્ટ્રપતિ ડૉનલ્ડ ટ્રમ્પે ઈઝરાયલના વડા પ્રધાન બેન્ઝામિન નેતન્યાહુને ઈરાનના મિસાઈલ હુમલાનો બદલો ન લેવા જણાવતા ઉમેર્યું હતું કે હુમલાને કારણે ત્રણ મહિના લાંબા સંઘર્ષને સમાપ્ત કરવા માટે ચાલી રહેલી વાટાઘાટો જોખમમાં મૂકશે. આમ વાટાઘાટોની ગાડી પાટા પરથી ઊતરી જવાની ભીતિ હેઠળ આજે વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ 3.94 ટકા ઉછળીને બેરલદીઠ 96.76 ડૉલર આસપાસ અને ડૉલર ઈન્ડેક્સ 0.09 ટકા વધીને 100ની સપાટી પાર કરી જતાં રૂપિયો દબાણ હેઠળ આવ્યો હોવાનું મિરે એસેટ્ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ જણાવતાં ઉમેર્યું હતું કે આજે અમેરિકી ટ્રેઝરીની વધેલી યિલ્ડની પણ રૂપિયા પર માઠી અસર જોવા મળી હતી.

હાલના સંજોગોને ધ્યાનમાં લેતા આગામી ટૂંકા સમયગાળામાં ડૉલર સામે રૂપિયો 95.40થી 96.10 આસપાસની રેન્જમાં રહી શકે છે. જોકે, રિઝર્વ બૅન્કનો સંભવત્‌‍ બજારમાં હસ્તક્ષેપ રૂપિયાના ઘટાડાને મર્યાદિત રાખે તેવી શક્યતા નકારી ન શકાય. વધુમાં આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 719.08 પૉઈન્ટનો અને 243.70 પૉઈન્ટનો ઘટાડો આવ્યો હોવાથી તેમ જ ગત શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 8776.25 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાનું એક્સચેન્જે આંકડાકીય માહિતીમાં જણાવતા ગબડતા રૂપિયાને ઢાળ મળ્યો હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.