મુંબઈઃ પ્રખ્યાત દિગ્દર્શક રોહિત શેટ્ટીના જીવનમાં છેલ્લા કેટલાક મહિના ખૂબ જ ઉથલપાથલભર્યા રહ્યા છે. 1 ફેબ્રુઆરીની રાત્રે તેમના જુહુ નિવાસસ્થાને બનેલી ગોળીબારની ઘટનાએ ચોંકાવી દીધા હતા. પોલીસે આ કેસના સંદર્ભમાં અત્યાર સુધીમાં 14 લોકોની ધરપકડ કરી છે અને તેઓ તપાસ કરી રહ્યા છે. જોકે, રોહિત શેટ્ટીએ આ સમગ્ર ઘટના અંગે લાંબા સમય સુધી મૌન જાળવી રાખ્યું હતું.
નવી ફિલ્મો પર કરશે ફોક્સ
પોતાનું સંપૂર્ણ ધ્યાન તેની આગામી ફિલ્મોના શૂટિંગ પર કેન્દ્રિત કરવાનું પસંદ કર્યું હતું. પરંતુ હવે, આ ઘટનાને લગભગ બે મહિના પછી, તેણે આખરે પહેલીવાર સોશિયલ મીડિયા દ્વારા પોતાની લાગણીઓ વ્યક્ત કરી છે. પોતાનો એક ફોટોગ્રાફ શેર કરતા, રોહિતે મજાકિયા અને મસ્તીભર્યા અંદાજમાં લખ્યું છે કે આટલા વર્ષો સુધી તેણે તેની ફિલ્મોમાં એક્શન અને કોમેડી બતાવી પણ અસલ જિંદગીમાં એક્શન અને કોમેડી ચાલી રહી છે.
ગોલમાલ ફિલ્મનો વધુ એકભાગ
રોહિત શેટ્ટી હાલમાં તેની બ્લોકબસ્ટર ફ્રેન્ચાઇઝ,'ગોલમાલ 5'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં અજય દેવગણ, અક્ષય કુમાર, અરશદ વારસી અને તુષાર કપૂર જેવા મોટા સ્ટાર્સ સાથે ચમકી રહ્યા છે. શૂટિંગના ઘણા વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં આખી ટીમ ખૂબ જ મજા કરતી જોવા મળી રહી છે. તેના ઘર પર થયેલા હુમલા બાદ, રોહિતની સુરક્ષામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે, તે પોલીસ સાથે સતત સંપર્કમાં રહે છે. ચાહકો તેની નવીનતમ પોસ્ટ પર ટિપ્પણીઓ કરી હતી. લોકો રોહિતને એક સાચા "ફાઇટર" તરીકે બિરદાવી રહ્યા છે, અને તેમનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે કે તે ટૂંક સમયમાં મોટા પડદા પર શાનદાર વાપસી કરશે.

કામ પ્રત્યે હજુ એ જ જુસ્સો
આ કેસની કાનૂની કાર્યવાહી અંગે, પોલીસે તાજેતરમાં 14મા આરોપી ગોલુને કોર્ટમાં રજૂ કર્યો હતો. તેને હવે ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. આ સમગ્ર ષડયંત્રના તાર લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફ દોરી જાય છે તેવી શંકા છે. રણવીર સિંહના મેનેજરને મળેલી ધમકીઓનો આ સિન્ડિકેટ સાથે કોઈ સંબંધ છે કે કેમ તે નક્કી કરવા માટે પોલીસ પણ સંપૂર્ણ તપાસ કરી રહી છે. આ બધા પડકારો વચ્ચે અને કડક સુરક્ષા કવચ હેઠળ, રોહિત શેટ્ટીનો પોતાના કામ પ્રત્યેનો જુસ્સો હજુ પણ ઓછો થયો નથી.