Mon Oct 05 2026

Logo

ટીમ ઇન્ડિયાના સ્ટાર ક્રિકેટર રિંકુ સિંહ આ તારીખે કરી લેશે લગ્ન, ક્યાં કરશે વેડિંગ?

2026-09-15 22:57:53
Author: Mumbai Samachar Team
ટીમ ઇન્ડિયાના સ્ટાર ક્રિકેટર રિંકુ સિંહ આ તારીખે કરી લેશે લગ્ન, ક્યાં કરશે વેડિંગ?

(@rinkukumar12)


ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન રિંકુ સિંહ અને સમાજવાદી પાર્ટીના  સાંસદ પ્રિયા સરોજના લગ્નની તારીખ આખરે નક્કી થઈ ગઈ છે. લાંબા સમયથી ચાલી રહેલી અટકળોનો હવે અંત આવ્યો છે અને બંને પરિવારોએ લગ્ન માટે ચાર ડિસેમ્બરની તારીખ પર મોહર લગાવી દીધી છે. આ હાઈ-પ્રોફાઈલ લગ્ન સમારંભ ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉની જાણીતી 'રમાડા હોટલ' ખાતે યોજાશે.

અગાઉ બંનેના લગ્નની તારીખોને લઈને વિવિધ વાતો સામે આવી રહી હતી. અહેવાલો મુજબ, શરૂઆતમાં નવેમ્બરમાં વારાણસીમાં અથવા તે પછી ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ અને રિંકુ સિંહના ક્રિકેટ શેડ્યૂલના કારણે તારીખો આગળ વધારવી પડી હતી. જોકે, હવે ક્રિકેટ મેચોના વ્યસ્ત શેડ્યૂલ વચ્ચે ચાર ડિસેમ્બરની તારીખ ફાઈનલ કરવામાં આવી છે, જેનાથી બંને પરિવારો અને તેમના ચાહકોમાં ખુશીનો માહોલ છે.

રિંકુ સિંહ અને પ્રિયા સરોજની સગાઈ ૮ જૂન ૨૦૨૫ના રોજ લખનઉના સુશાંત ગોલ્ફ સિટી સ્થિત 'ધ સેન્ટ્રમ હોટલ'માં ખૂબ જ ધામધૂમથી યોજાઈ હતી. આ સગાઈ સમારંભમાં બંને પરિવારના સભ્યો સિવાય ખેલ જગત અને રાજકારણના ક્ષેત્રની અનેક જાણીતી હસ્તીઓએ હાજરી આપીને નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા. સગાઈની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા.

સગાઈના આ ખાસ પ્રસંગે સમાજવાદી પાર્ટીના પ્રમુખ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ, જાણીતા બોલિવૂડ અભિનેત્રી અને સાંસદ જયા બચ્ચન સહિત ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના ઉપપ્રમુખ રાજીવ શુક્લા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ભારતીય ટીમના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર, યશ દયાલ, પીયૂષ ચાવલા અને પ્રવીણ કુમાર જેવા દિગ્ગજ ક્રિકેટરોએ પણ  હાજરી નોંધાવી હતી.

લગ્નની તારીખ અને સ્થળ નક્કી થતાં જ રિંકુ સિંહ અને પ્રિયા સરોજના પરિવારોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. લખનઉની રમાડા હોટલમાં યોજાનારા આ શાહી લગ્ન સમારંભમાં ક્રિકેટ, રાજકારણ અને બોલિવૂડ જગતની ઘણી મોટી હસ્તીઓ સામેલ થાય તેવી શક્યતા છે. સુરક્ષા અને મહેમાનોની સુવિધાને ધ્યાનમાં રાખીને હોટલમાં ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.

રિંકુ સિંહે આઈપીએલમાં સળંગ પાંચ છગ્ગા મારીને ભારતીય ક્રિકેટમાં પોતાની એક આગવી ઓળખ બનાવી છે અને આજે તે ટીમ ઈન્ડિયાનો મહત્વનો ભાગ છે. બીજી તરફ, પ્રિયા સરોજ ઉત્તર પ્રદેશની સૌથી નાની વયની સાંસદોમાંથી એક છે. ખેલ અને રાજકારણના આ સુંદર સમન્વયને લઈને ચાહકો અને સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.