Sun Aug 23 2026

Logo

જંતર-મંતર પર હજારો 'જેન ઝી'નો હંગામો: 'અનામત હટાવો' આંદોલનથી દિલ્હીમાં તણાવ પૂર્ણ સ્થિતિ

2026-08-21 21:13:00
Author: Mumbai Samachar Team
Article Image

પોલીસ અને આંદોલનકારીઓ આમને-સામને, જંતર-મંતર છોડવાનો ઇનકાર કરીને યુવાનો અડગ રહ્યા
 
નવી દિલ્હી: દેશમાં જાતિ આધારિત અનામત પ્રથા નાબૂદ કરવાની માંગ સાથે શરૂ થયેલું ‘અનામત હટાવો આંદોલન’ આજે સોશિયલ મીડિયા સુધી સીમિત નહીં રહેતા પાટનગર સ્થિત જંતર-મંતર સુધી હજારો લોકોના ટોળા પહોંચ્યા હતા અને તેમના સમર્થનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી યુવાનો અને આંદોલનકારીઓ અહીં એકઠા થયા હતા. દિલ્હી પોલીસે તેમને જંતર-મંતર પરથી ખસી રામલીલા મેદાન જવા માટે જણાવ્યું હતું, પરંતુ આંદોલનકારીઓએ સ્થળ બદલવાનો ઇનકાર કર્યો હતો. આયોજક અભિષેક અગ્નિહોત્રીએ સ્પષ્ટપણે કહ્યું હતું કે, “અમે અહીંથી ખસવાના નથી.” આ કારણે જંતર-મંતર પર પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિનું નિર્માણ થયું છે.

'અનામત હટાવો' આંદોલનના આયોજકો અભિષેક અગ્નિહોત્રી અને હર્ષ દુબેનું કહેવું છે કે તેઓ દેશમાં જાતિ આધારિત અનામત વ્યવસ્થાના વિરોધમાં આંદોલન ચલાવી રહ્યા છે. બંને ‘અનામત સુધારણા આંદોલન’ના નામે અનામત વ્યવસ્થામાં ફેરફાર અને જાતિ આધારિત અનામત નાબૂદ કરવાની માંગ કરી રહ્યા છે. આજે સવારે જંતર-મંતર પર લોકોની સંખ્યા સતત વધતી ગઈ હતી. અગ્નિહોત્રીએ જણાવ્યું હતું કે તેઓએ અહીં જ મંચ બનાવવાનું શરૂ કર્યું છે અને કોઈ પણ સંજોગોમાં સ્થળ છોડશે નહીં.

આ સમગ્ર મામલે દિલ્હી પોલીસે ગુરુવારે જ સ્પષ્ટતા કરી હતી કે જંતર-મંતર પર આ પ્રદર્શન માટે કોઈ પ્રકારની મંજૂરી આપવામાં આવી નહોતી. નવી દિલ્હીમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૧૬૩ હેઠળ પ્રતિબંધાત્મક આદેશો અમલમાં હોવાથી અહીં મોટા પ્રમાણમાં લોકોના એકત્ર થવા અને વિરોધ પ્રદર્શન પર નિયંત્રણ છે. પોલીસે સોશિયલ મીડિયા પર ફરતી અપ્રમાણિત માહિતી પર વિશ્વાસ ન કરવા અને આવી માહિતી આગળ મોકલવા કે ફેલાવવાથી દૂર રહેવા લોકોને અપીલ કરી હતી. ખોટા સમાચાર બનાવતા અથવા ફેલાવતા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી હતી.

આજે આંદોલનકારીઓ જંતર-મંતર પર પહોંચ્યા બાદ પોલીસે તેમને વૈકલ્પિક સ્થળ તરીકે રામલીલા મેદાન જવાની ઓફર કરી હતી. મધ્ય જિલ્લા પોલીસના નાયબ પોલીસ કમિશનરે અભિષેક અગ્નિહોત્રી અને હર્ષ દુબેને પત્ર લખીને રામલીલા મેદાન ખાતે શાંતિપૂર્ણ પ્રદર્શન માટે પોલીસને કાયદો અને વ્યવસ્થાની દૃષ્ટિએ કોઈ વાંધો ન હોવાનું જણાવ્યું હતું. જોકે, આ મંજૂરી મહત્તમ ૫૦૦ લોકો માટે અને સાંજે ૪ વાગ્યા સુધી મર્યાદિત હતી. જંતર-મંતર અને રામલીલા મેદાન વચ્ચેનું અંતર આશરે ત્રણ કિલોમીટર છે, પરંતુ બંને વિસ્તારો અલગ-અલગ પોલીસ જિલ્લાઓ હેઠળ આવે છે.

પોલીસની વૈકલ્પિક વ્યવસ્થા છતાં આંદોલનકારીઓ જંતર-મંતર છોડવા તૈયાર થયા નહોતા. તેમનું કહેવું હતું કે પ્રદર્શન માટે જંતર-મંતરની પસંદગી અગાઉથી કરવામાં આવી હતી અને હવે સ્થળ બદલવાની શરત તેઓ સ્વીકારશે નહીં. અગ્નિહોત્રીએ જણાવ્યું હતું કે તેઓ સવારથી જંતર-મંતર પર છે અને લોકોની સંખ્યા સતત વધી રહી છે. બીજી તરફ, પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસે જંતર-મંતર આસપાસ સુરક્ષા વ્યવસ્થા વધારી હતી.

૫૯ લાખથી વધુ લોકો કરે છે ફોલો
અનામત હટાવો આંદોલનને સોશિયલ મીડિયા પર પણ મોટો પ્રતિસાદ મળી રહ્યો છે. આંદોલન શરૂ થયા બાદ તેના ઈન્સ્ટાગ્રામ ખાતાને ૫૯ લાખથી વધુ લોકો ફોલો કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ અભિયાન ખાસ કરીને યુવાનોમાં ઝડપથી લોકપ્રિય બન્યું છે. આંદોલનના સમર્થકો જાતિ આધારિત અનામતનો વિરોધ કરીને મેરિટ આધારિત વ્યવસ્થાની માંગ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર મળેલા મોટા પ્રતિસાદ બાદ હવે આ અભિયાન રસ્તા પરના આંદોલનના સ્વરૂપમાં પણ જોવા મળી રહ્યું છે.

અનામત નાબૂદ કરવાની ચર્ચા સોશિયલ મીડિયા પર ચર્ચામાં
આ આંદોલનને થોડા સમય પહેલાં જંતર-મંતર પર યોજાયેલા ‘કોકરોચ જનતા પાર્ટી’ના વિરોધ પ્રદર્શન દરમિયાન પણ ચર્ચાનો વિષય બન્યું હતું. તે સમયે અનામત હટાવો આંદોલન સાથે જોડાયેલા લોકોએ દેશમાં અનામત નાબૂદ કરવાની માંગ સાથે ટૂંક સમયમાં જંતર-મંતર પર મોટું પ્રદર્શન કરવાની જાહેરાત કરી હતી. ત્યારથી આ અભિયાન સોશિયલ મીડિયા પર વધુ ચર્ચામાં આવ્યું હતું. 

પોલીસ પ્રતિબંધાત્મક આદેશોનું પાલન કરાવવા માગે છે
હાલ સમગ્ર મામલામાં મુખ્ય સવાલ એ છે કે જંતર-મંતર પરથી ખસવાનો ઇનકાર કરી રહેલા પ્રદર્શનકારીઓ સામે દિલ્હી પોલીસ આગળ શું કાર્યવાહી કરશે. પોલીસે રામલીલા મેદાનમાં મર્યાદિત સંખ્યામાં લોકોને પ્રદર્શન કરવાની મંજૂરી આપી છે, જ્યારે જંતર-મંતર પર કોઈ મંજૂરી આપવામાં આવી નથી. એક તરફ આંદોલનકારીઓ પોતાના નિર્ણય પર અડગ છે અને બીજી તરફ પોલીસ પ્રતિબંધાત્મક આદેશોનું પાલન કરાવવા માગે છે. તેથી આગામી સમયમાં આ પરિસ્થિતિ કઈ રીતે ઉકેલાય છે તેના પર સૌની નજર છે.

ભારતની શિક્ષણ વ્યવસ્થામાં પણ ધરમૂળથી બદલાવ આવશે
પણ જો ‘અનામત હટાવો આંદોલન’ પોતાની માગણીઓમાં સફળ થાય, તો તેની અસર માત્ર સરકારી નોકરીઓ પૂરતી સીમિત નહીં રહે, પરંતુ ભારતની શિક્ષણ વ્યવસ્થામાં પણ ધરમૂળથી બદલાવ આવી શકે છે. પ્રવેશ પ્રક્રિયા, સ્પર્ધાત્મક પરીક્ષાઓ, મેરિટ, સામાજિક ન્યાય અને આર્થિક રીતે નબળા વર્ગો માટેની તકો અંગે નવી નીતિઓ ઘડવાની જરૂર પડી શકે છે. જોકે, આવી કોઈ પણ વ્યવસ્થામાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોને મળતી તકો, સમાનતા અને બંધારણીય જોગવાઈઓને ધ્યાનમાં લેવી અત્યંત જરૂરી રહેશે. જો અનામતની વર્તમાન વ્યવસ્થામાં મૂળભૂત ફેરફાર થાય, તો ભારતની શિક્ષણ વ્યવસ્થાનું માળખું, પ્રવેશની પદ્ધતિ અને મેરિટની વ્યાખ્યાનું એક નવું સ્વરૂપમાં જોવા મળી શકે છે.