Fri May 22 2026

Logo

રીવાબા જાડેજાએ ડિજિટલ રીતે કરાવી વસ્તી ગણતરી, તમે પણ આ રીતે કરી શકો છો સેલ્ફ કાઉન્ટિંગ

2026-05-19 16:01:00
Author: mumbai samachar team
Article Image

ગાંધીનગરઃ ગુજરાત રાજ્ય સરકારમાં યુવા મંત્રી અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાએ વસ્તી ગણતરી માટે ડિજિટલ માધ્યમનો ઉપયોગ કર્યો છે. સ્વગણનામાં ભાગ લઈ પરિવારજનોની જાણકારી વસતી ગણતરી માટે આપી હતી. રાજ્ય સરકારમાં શિક્ષણ મંત્રી તરીકે રહેલા રીવાબાએ રાષ્ટ્રીય વસ્તી ગણતરી કાર્યક્રમ અંતર્ગત સેલ્ફ કાઉન્ટિગમાં ભાગ લીધો હતો. વસતી ગણતરી માટે વિભાગના કર્મચારીઓ સાથે બેસી પરિવારજનોની જાણકારી વસતી ગણતરી માટે આપી હતી. 

31મી તારીખ સુધી ચાલશે પ્રક્રિયા
ભારત સરકાર તરફથી નક્કી કરવામાં આવેલી પ્રક્રિયા અંતર્ગત વસ્તી ગણતરી 2027ની ડિજિટલ સર્વિસનો ઉપયોગ કરીને સેલ્ફ એન્યુમરેશન કરાવ્યું હતું, જેમાં તેમણે પોતાના પરિવારજનોની વિગત શૅર કરી હતી. ગુજરાત રાજ્ય સરકારમાં તેઓ શિક્ષણમંત્રી (પ્રાથમિક, માધ્યમિક અને વ્યસ્ક વિભાગ) છે. 
રાજકારણમાં એન્ટ્રી લેતા પહેલા તેમણે મેકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલો છે. સ્વગણનામાં તેમણે 33 પ્રશ્નોના જવાબ આપ્યા હતા. ગુજરાતમાં વસ્તી ગણતરીની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. 17 મેથી 31 મે સુધી આ પ્રક્રિયા ચાલશે. આ પહેલા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ઓનલાઈન માધ્યમથી પોતાની તથા પોતાના પરિવારની જાણકારી વસ્તી ગણતરી માટે આપી હતી. 

નાગરિકોને કરી અપીલ
se.census.gov.in વેબસાઈટ પર જઈને પોતાના પરિવાર, સંપત્તિ અને સુખ-સુવિધાઓ સાથે જોડાયેલા 33 પ્રશ્નોના જવાબની જાણકારી ખુદ ઓનલાઈન પણ ભરી શકાય છે. 1 જૂનથી પ્રથમ તબક્કા માટે ફિલ્ડવર્ક વસ્તી ગણતરી માટે શરૂ થશે. આ પ્રક્રિયા અંતર્ગત રાજ્યભરમાં 1 લાખથી વધારે વસ્તી ગણતરી માટે કર્મચારીઓને જવાબદારી સોંપી દેવાઈ છે, જે ઘરે-ઘરે જઈને મોબાઈલ એપ્લિકેશનની મદદથી એક યાદી તૈયાર કરશે અને સરકારને સોંપશે.
 
આ વખતે ગુજરાતમાંથી જ વસતીની સંખ્યા 7 કરોડને પાર પહોંચવાની પૂરી શક્યતાઓ રહેલી છે. વર્ષ 2011માં ગુજરાતની વસ્તી 6 કરોડ હોવાનું જાણવા મળ્યું હતું. રીવાબાએ નાગરિકોને અપીલ કરી હતી કે, નાગરિકો પોતાની જવાબદારી સમજીને સ્વગણના પ્રક્રિયા ફોલો કરે અને વસ્તી ગણતરીમાં સરકારને સહયોગ આપે.