Thu Jul 23 2026

Logo

જંતર-મંતર આસપાસ અચાનક મોબાઇલ ઇન્ટરનેટ બંધ! કેન્દ્રએ કેમ લીધો અચાનક મોટો નિર્ણય?

2026-07-23 22:14:03
Author: Mumbai Samachar Team
Article Image

ગૃહ મંત્રાલયે જંતર-મંતરમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનને ગંભીરતાથી લઈને મોટો આદેશ જારી કર્યો છે. દિલ્હીમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોને ધ્યાનમાં રાખીને, સરકારે તા.23 જુલાઈના રોજ સાંજે 4 વાગ્યાથી મધ્યરાત્રિ સુધી જંતર-મંતરના 1.5 કિલોમીટરના એરિયામાં ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવાનો નિર્દેશ આપ્યો છે. CJP વિરોધ પ્રદર્શનને સમર્થન આપવા માટે દેશભરના યુવાનો એકઠા થયા છે.આ સમગ્ર માહોલને ઘ્યાનમાં લઈને ગૃહ મંત્રાલય તરફથી આદેશ આપવામાં આવ્યા છે.  ગુરુવારે આદેશ કરવામાં આવ્યો હતો. CJP વિરોધ પ્રદર્શન સાથે જોડાયેલી હિંસાની છૂટાછવાયા ઘટનાઓ બાદ સુરક્ષા ચિંતાઓને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. 

મોબાઈલ જામર એક્ટિવ કર્યા

કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે, પોલીસે વિરોધ સ્થળની આસપાસ મોબાઇલ જામર પહેલેથી જ એક્ટિવ કરી દીધા હતા. મધ્ય દિલ્હીમાં હિંસાની ઘણી ઘટનાઓ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં ઓછામાં ઓછા છ પોલીસ કર્મચારીઓ-જેમાં ACP રેન્કના બે અધિકારીઓનો સમાવેશ થાય છે જેઓ ઈજાગ્રસ્ત થયા હતા.  મંગળવારે, કનોટ પ્લેસમાં એક વિરોધ પ્રદર્શનકારી ભીડે 45 વર્ષીય રેપિડ એક્શન ફોર્સ (RAF) જવાન પર તલવારો અને લાકડીઓથી હુમલો કર્યો હોવાનો આરોપ છે. આ આશંકાઓને ધ્યાનમાં રાખીને ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.વધુમાં, કનોટ પ્લેસમાં દુકાનો અને અન્ય સંસ્થાઓ સાંજે 6:30 વાગ્યા સુધીમાં બંધ થઈ જશે. કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે, અને નવી દિલ્હી ટ્રેડર્સ એસોસિએશનની સલાહને અનુસરીને, કનોટ પ્લેસમાં દુકાનો, ઓફિસો અને રેસ્ટોરન્ટ ગુરુવારે સાંજે 6:30 વાગ્યા સુધીમાં બંધ કરાવી દેવામાં આવી છે. 

દુકાનો બંધ કરી દેવાઈ

કનોટ પ્લેસની આસપાસ ચાલી રહેલા CJP વિરોધ પ્રદર્શનોથી ઊભી થયેલી ગંભીર પરિસ્થિતિને ટાંકીને, ટ્રેડર્સ એસોસિએશને દુકાન માલિકો, ઓફિસો અને રેસ્ટોરન્ટ્સને સૂચનાઓનું પાલન કરવા અને સહકાર આપવા અપીલ કરી હતી. સલાહકારમાં વધુમાં જણાવાયું છે કે, કોઈપણ અનિચ્છનીય ઘટના, મિલકતને નુકસાન અથવા ઇજાઓ અટકાવવા માટે આ સાવચેતીભર્યું પગલું લેવામાં આવ્યું છે.સીજેપીના પ્રવક્તા સૌરભ દાસે એક્સ પર જણાવ્યું હતું કે, સીજેપી વિરુદ્ધ એનઆઈએ તપાસની માંગ કરતી જાહેર હિતની અરજી (પીઆઈએલ) જે રાઈટી વિચારધારા ધરાવતી વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવી છે. તે ખૂબ જ શંકાસ્પદ છે. અમે કોર્ટને વિનંતી કરીએ છીએ કે તે આ સરકારના હાથમાં સાધન ન બને. આખી યુવા પેઢી આશા સાથે તેની તરફ જોઈ રહી છે. સોનમ વાંગચુકના સ્વાસ્થ્ય સંબંધિત પીઆઈએલ અંગે દિલ્હી હાઈકોર્ટના આદેશનો ઉપયોગ તેમને બળજબરીથી દૂર કરવા અને હોસ્પિટલમાં અટકાયતમાં રાખવા માટે કરવામાં આવ્યો હતો. આનાથી વિરોધ પ્રદર્શનો વધુ ભડક્યા છે.