Wed Aug 19 2026

Logo

રત્નાગિરિમાં સિંચાઈ વિભાગના બે અધિકારી લાંચ લેતાં ઝડપાયા

2026-03-28 19:11:00
Author: Yogesh C. Patel
Article Image

થાણે: ડૅમનું કામ પૂર્ણ કરનારા કોન્ટ્રાક્ટરના બાકી પેમેન્ટનો ચેક સોંપવા માટે લાંચ લેનારા રત્નાગિરિ જિલ્લાના સિંચાઈ વિભાગના બે અધિકારીની એન્ટિ-કરપ્શન બ્યૂરો (એસીબી)એ ધરપકડ કરી હતી.

એસીબીએ શુક્રવારે છટકું ગોઠવી રત્નાગિરિ ડિવિઝનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર ગણેશ હરિદાસ સાલગર (36) અને જુનિયર ક્લર્ક તેમ જ ટાઈપિસ્ટ શેખર ચંદ્રમણિ પવાર (39)ને લાંચની રકમ સ્વીકારતાં પકડી પાડ્યા હતા.

મંદનગડ તાલુકાના બોલાવલી ખાતે એક ડૅમમાંથી થતા પાણીગણતર થતું હતું. પરિણામે ડૅમનું સમારકામ ફરિયાદીની કંપનીને આપવામાં આવ્યું હતું. ક્ધસ્ટ્રક્શન કંપનીના માલિક એવા ફરિયાદીએ જણાવ્યું હતું કે કામ પૂરું થયા પછી બે હપ્તામાં નાણાં ચૂકવવામાં આવ્યાં હતાં.

જોકે ત્રીજા હપ્તામાં 11.3 લાખ રૂપિયા લેવાના નીકળતા હતા. આ રકમ માટે ફરિયાદીએ સિંચાઈ વિભાગનો સંપર્ક સાધ્યો હતો. ફરિયાદમાં જણાવાયું હતું કે ફરિયાદી એક્ઝિક્યુટિવ એન્જિનિયરને મળ્યો ત્યારે તેણે બાકીનું પેમેન્ટ ચૂકવવા માટે 3.4 લાખ રૂપિયાની માગણી કરી હતી.

આ પ્રકરણે કોન્ટ્રાક્ટરે એસીબીમાં ફરિયાદ કરતાં છટકું ગોઠવવામાં આવ્યું હતું. ચર્ચા પછી બે લાખ રૂપિયા સ્વીકારવાની તૈયારી દાખવનારા અધિકારી એસીબીના છટકામાં સપડાયા હતા. આ પ્રકરણે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. (પીટીઆઈ)