Fri Jun 19 2026

Logo

આ કારણે આગામી 18 મહિના સુધી રણવીર સિંહનો એક પણ ઈન્ટરવ્યુ જોવા નહીં મળે, જાણી લો...

2026-06-19 20:44:10
Author: Darshana Visaria
Article Image

બોલીવૂડ સુપરસ્ટાર રણવીર સિંહ અને ફિલ્મમેકર ફરહાન અખ્તરની આગામી ફિલ્મ 'ડોન 3' છેલ્લા કેટલાક સમયથી ભારે ચર્ચામાં છે. પરંતુ હવે આ પ્રોજેક્ટને લઈને એક ખૂબ જ આઘાતજનક અને મોટું અપડેટ સામે આવ્યું છે. 'ડોન 3'ના વિવાદ બાદ રણવીર સિંહે આગામી 18 મહિના સુધી કામ અને મીડિયા ઈન્ટરવ્યુથી કમ્પલિટ ડિસ્ટન્સ મેઈન્ટેઈન રાખવાનો મોટો નિર્ણય લીધો છે. અહેવાલો અનુસાર, એક્ટર તેની આગામી ફિલ્મ 'પ્રલય'ની રીલિઝ સુધી કોઈ પણ મીડિયા પ્લેટફોર્મ સાથે સંવાદ સાધશે નહીં. ચાલો જોઈએ શું છે આખી સ્ટોરી...

અંદર કી બાત પર વિશ્વાસ કરીએ તો પત્રકાર જગતના એક જર્નાલિસ્ટે એવો દાવો કર્યો છે કે તે પર્સનલી રણવીર સિંહને વ્યક્તિગત રીતે મળ્યો હતો. તેણે એ પત્રકારને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે તે 'ડોન ૩' વિવાદ પર કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરવા માંગતો નથી અને આગામી 18 મહિના સુધી કોઈને પણ ઈન્ટરવ્યુ આપશે નહીં.

છેલ્લાં કેટલાક સમયથી મીડિયામાં અહેવાલો વહેતા થયા છે કે 'ડોન 3'ના મેકર્સ અને રણવીર સિંહ વચ્ચે ક્રિયેટિવ ડિફરન્સ થયા છે. અહેવાલો અનુસાર, ફિલ્મની સ્ક્રિપ્ટમાં વારંવાર થઈ રહેલા વિલંબ અને પ્રોડક્શનના મુદ્દાઓથી પરેશાન થઈને રણવીર સિંહે આ પ્રોજેક્ટથી અલગ થવાનો નિર્ણય કર્યો હતો.

શરૂઆતમાં આ મામલો માત્ર સ્ટારકાસ્ટના બદલાવ જેવો લાગતો હતો, પરંતુ હવે આ વિવાદે કાનૂની સ્વરૂપ ધારણ કરી લીધું છે. ફરહાન અખ્તરની પ્રોડક્શન કંપની 'એક્સેલ એન્ટરટેઈનમેન્ટ' દ્વારા રણવીર સિંહ પાસે 45 કરોડ રૂપિયાના નુકસાનીની માંગણી કરવામાં આવી હોવાના અહેવાલ છે. આ ઉપરાંત, 'ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ' દ્વારા પણ એક્ટર સામે અસહકારનો આદેશ જાહેર કરાયો હતો, જેને જોકે હવે પાછો ખેંચી લેવામાં આવ્યો છે.

'ડોન 3'ના વિવાદ વચ્ચે રણવીર સિંહ હવે તેના આગામી મોટા પ્રોજેક્ટ 'પ્રલય'ની તૈયારીઓમાં વ્યસ્ત છે. આ ફિલ્મ એક પોસ્ટ-એપોકેલિપ્ટિક ઝોમ્બી થ્રિલર હશે, જેમાં વિનાશ પામેલા મુંબઈ શહેરની વાર્તા બતાવવામાં આવશે. આ ફિલ્મની ખાસિયત એ છે કે બરબાદ થયેલા મુંબઈના દ્રશ્યો, અવશેષો અને કાટમાળને સ્ક્રીન પર તદ્દન વાસ્તવિક બતાવવા માટે અત્યાધુનિક એઆઈ ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરવામાં આવશે.

આ હાઈ-બજેટ અને પ્રાયોગિક પ્રોજેક્ટનું નિર્દેશન પ્રખ્યાત ફિલ્મમેકર હંસલ મહેતાના પુત્ર જય મહેતા કરી રહ્યા છે. ડાયરેક્ટર તરીકે મોટા પડદા પર જય મહેતાની આ ડેબ્યુ ફિલ્મ હશે. આ પહેલાં જય મહેતા સુપરહિટ વેબ સિરીઝ 'સ્કેમ 1992: ધ હર્ષદ મહેતા સ્ટોરી' (Scam 1992)નું સહ-નિર્દેશન કરી ચૂક્યા છે અને તેઓ તેમની રિયાલિસ્ટિક સ્ટોરીટેલિંગ શૈલી માટે ઈન્ડસ્ટ્રીમાં જાણીતા છે. હવે જોવાનું એ રહેશે કે રણવીર સિંહ અને જય મહેતાની આ અનોખી જુગલબંધી બોક્સ ઓફિસ પર કેવો પ્રલય લાવે છે.