Wed Aug 19 2026

Logo

રાંચીમાં વિદ્યાર્થીઓના વિધાનસભા માર્ચ દરમિયાન પોલીસે લાઠીચાર્જ કર્યો, ટીયર ગેસના સેલ છોડયા

2026-08-10 15:50:00
Author: Chandrakant Kanoja
Article Image

રાંચી: ઝારખંડમાં JPSC સહિતની પરીક્ષાઓમાં ગેરરીતિના મુદ્દે વિદ્યાર્થીઓ સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જે દરમિયાન આજે રાંચીમાં વિધાનસભા માર્ચ કરી  હતી. જેમાં વિદ્યાર્થીઓ બેરીકેડ તોડીને વિધાનસભા નજીક પહોંચ્યા હતા. 
આ દરમિયાન પોલીસે ટોળાંને વિખેરવા માટે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરીને ટીયર ગેસના સેલ છોડયા હતા. 

ભરતી પરીક્ષાઓમાં ગેરરીતિઓ  અંગે આંદોલન 

ઝારખંડમાં JPSC અને JSSC ઉમેદવારો  ભરતી પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓ અને અન્ય માંગણીઓ અંગે આંદોલન કરી રહ્યા છે. જેમાં વિધાનસભા માર્ચ દરમિયાન વિદ્યાર્થીઓ વિધાનસભા નજીક પહોંચ્યા હતા. ત્યારે પોલીસે તેમને રોકવા માટે વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો.જેની બાદ લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો અને તેની બાદ  ટીયર ગેસના શેલ પણ  છોડવામાં આવ્યા હતા.
 

રવિવારે પાંચ કલાકથી વધુ સમય સુધી ચર્ચા ચાલી

આ આંદોલન દરમિયાન વિદ્યાર્થીઓ અને સરકારી પ્રતિનિધિઓ વચ્ચે ત્રણ રાઉન્ડની વાતચીત થઈ ચૂકી છે. રવિવારે પણ  બંને પક્ષો વચ્ચે પાંચ કલાકથી વધુ સમય સુધી ચર્ચા ચાલી હતી. સરકારે વિદ્યાર્થીઓની ઘણી માંગણીઓ સાથે સંમત થઈને આંદોલનનો અંત લાવવાનો પ્રયાસ કર્યો હતો. 

સીબીઆઈ તપાસના મુદ્દે સર્વસંમતિ ના સધાઈ 

જોકે, સીબીઆઈ તપાસ સહિત કેટલાક મુખ્ય મુદ્દાઓ પર કોઈ સર્વસંમતિ થઈ શકી ન હતી. જેના લીધે  વિદ્યાર્થીઓએ આજે ​​વિધાનસભા તરફ કૂચ કરવાનો નિર્ણય લીધો હતો. તેમજ વિદ્યાર્થી સંગઠનોએ તમામ વિદ્યાર્થીઓને પોલીસ સાથે અથડામણ ટાળવા અને તોફાની તત્વો સાથે જોડાવા નહીં તેવી અપીલ કરી હતી.