મુંબઈ: નિતીશ તિવારીના નિર્દેશમાં બની રહેલી ભવ્ય ફિલ્મ ‘રામાયણ’ની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા ચાહકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. આગામી 2 એપ્રિલના રોજ હનુમાન જયંતિના શુભ અવસરે ફિલ્મનું નવું ટીઝર ‘રામ’ રિલીઝ થવા જઈ રહ્યું છે. રિલીઝના બે દિવસ અગાઉ જ આ ટીઝરને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) તરફથી લીલી ઝંડી મળી ગઈ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા સર્ટિફિકેટ મુજબ, આ ટીઝર માત્ર એક ઝલક નહીં પરંતુ પ્રેક્ષકોને ફિલ્મની ભવ્યતાનો પૂરો અહેસાસ કરાવશે.
સામાન્ય રીતે ટીઝર ખૂબ ટૂંકા હોય છે. પરંતુ રામાયણનું આ ટીઝર લગભગ ટ્રેલર જેટલું લાંબુ હશે. રિપોર્ટ્સ અનુસાર આ ટીઝર 2 મિનિટ અને 38 સેકન્ડનું છે, જેને સેન્સર બોર્ડ દ્વારા ‘U’ (યુનિવર્સલ) રેટિંગ આપવામાં આવ્યું છે. આનો અર્થ એ છે કે દરેક ઉંમરના લોકો આ ટીઝર જોઈ શકશે. 30 માર્ચના રોજ આપવામાં આવેલા આ સર્ટિફિકેટ બાદ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે નિર્ધારિત સમયે ચાહકો ભગવાન રામના રૂપમાં રણબીર કપૂરની પહેલી મોટી ઝલક જોઈ શકશે.
🚨 Exclusive : Ramayana Second Asset 'Rama' Glimpse certified by CBFC with 2:38 mts of Runtime 🔥 pic.twitter.com/BkqHrdEPMx
— The Ramayana 🏹 (@RamayanaSaga) March 30, 2026
ફિલ્મના પ્રોડ્યુસર નમિત મલ્હોત્રાએ આ પ્રોજેક્ટને પૂરી શ્રદ્ધા અને જવાબદારી સાથે તૈયાર કર્યો હોવાનું જણાવ્યું છે. આ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામ તરીકે, સાઈ પલ્લવી સીતા માતા તરીકે અને સાઉથ સુપરસ્ટાર યશ રાવણના પાત્રમાં જોવા મળશે. આ સિવાય સની દેઓલ હનુમાનજી અને રવિ દુબે લક્ષ્મણના રોલમાં નજર આવશે. ખાસ વાત એ છે કે આ ફિલ્મનું સંગીત ઓસ્કાર વિજેતા એ.આર. રહેમાન અને હંસ ઝિમર જેવા દિગ્ગજ સંગીતકારોએ સાથે મળીને તૈયાર કર્યું છે, જે ફિલ્મને વૈશ્વિક સ્તરે લઈ જશે.
મેકર્સ દ્વારા અગાઉ ‘રામાયણમ્: ધ ઇન્ટ્રોડક્શન’ નામે એક વિડિયો શેર કરવામાં આવ્યો હતો, જેમાં VFX અને ભવ્ય સેટની ઝલક જોવા મળી હતી. હવે 2 એપ્રિલે ‘રામ’ નામે નવો વિડિયો વિશ્વભરના દર્શકો સામે મોટા સ્તરે રજૂ કરવામાં આવશે. આ ફિલ્મ બે ભાગમાં રિલીઝ થવાની છે. જે મુજબ ફિલ્મનો પ્રથમ ભાગ દિવાળી 2026માં અને બીજો ભાગ દિવાળી 2027માં સિનેમાઘરોમાં રિલીઝ થશે. ભારતીય સંસ્કૃતિની આ મહાન ગાથાને આધુનિક ટેકનોલોજી સાથે મોટા પડદે જોવી એ પ્રેક્ષકો માટે એક લ્હાવો હશે.