ચાર્જશીટ દાખલ થાય ત્યાં સુધી રાજ્ય બહાર રહેવા સહિતની શરતો મુકાશે
મુંબઈઃ થાણે જિલ્લાની મ્યુનિસિપલ હોસ્પિટલમાં તબીબ પર હુમલો કરવાના ગંભીર આક્ષેપનો સામનો કરી રહેલા શિવસેનાના કોર્પોરેટર રમેશ મ્હાત્રેને બોમ્બે હાઈકોર્ટે જામીન આપવાની તૈયારી દર્શાવી છે, પરંતુ આ જામીન કડક શરતોને આધીન રહેશે.
બોમ્બે હાઈ કોર્ટે આજે જણાવ્યું હતું કે તે થાણે જિલ્લાની મ્યુનિસિપલ હોસ્પિટલમાં તબીબો પર હુમલો કરનાર આરોપી શિવસેનાના કોર્પોરેટર રમેશ મ્હાત્રેને જામીન આપવા ઈચ્છે છે, પરંતુ તે કડક શરતોને આધીન રહેશે.
સંબંધિત તમામ પક્ષોને સાંભળ્યા બાદ, કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ રવિન્દ્ર વી. ઘુગે અને ન્યાયાધીશ ગૌતમ અંખડની બૅન્ચે જામીનની કેટલીક શરતો જણાવી હતી અને કહ્યું હતું કે શુક્રવારે આ અંગેનો ઔપચારિક આદેશ પસાર કરવામાં આવશે.
ચાર્જશીટ દાખલ ન થાય ત્યાં સુધી રાજકારણીને રાજ્યમાં પ્રવેશ ન કરવાના નિર્દેશ ઉપરાંત, તેમને સાક્ષીઓનો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંપર્ક નહીં કરવા અને તેઓ જ્યાં રોકાવાના હોય તે સ્થળનું સરનામું તથા સંપર્ક નંબર પૂરા પાડવા માટે પણ કહેવામાં આવશે.
સુનાવણી દરમિયાન અદાલતે ચાર્જશીટની સ્થિતિ વિશે પૂછતાં સરકારી વકીલ શિશિર હિરેએ જણાવ્યું હતું કે ફોરેન્સિક વિશ્લેષણનો અહેવાલ મળ્યા બાદ તે દાખલ કરશે. ત્યાર બાદ અદાલતે કાલિના ફોરેન્સિક લેબોરેટરીને આરોપીના અવાજના નમૂનાનો અહેવાલ દસ દિવસની અંદર રજૂ કરવાનો નિર્દેશ આપ્યો.
ન્યાયપીઠે એ વાત પર પણ ભાર મૂક્યો કે આ કેસમાં અનુભવી વિશેષ સરકારી વકીલની નિમણૂક કરવામાં આવે. સ્વતઃ સંજ્ઞાન લઈને, હાઈ કોર્ટે ૧૮ જુલાઈએ નીચલી અદાલત દ્વારા મ્હાત્રેને આપવામાં આવેલા જામીન પર રોક લગાવી હતી.
(પીટીઆઈ)