Wed Jul 29 2026

Logo

...તો આ કારણે રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના રિસેપ્શનમાં ખુલ્લા પગે જોવા મળ્યા રામ ચરણ?

2026-03-05 20:49:00
Author: Darshana Visaria
Article Image

સાઉથ સુપરસ્ટાર્સ રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના લગ્ન બાદ હૈદરાબાદમાં યોજાયેલું ભવ્ય રિસેપ્શન અત્યારે સોશિયલ મીડિયા પર છવાયેલું છે. ચોથી માર્ચના રોજ યોજાયેલા આ ફંક્શનમાં ફિલ્મી દુનિયાના અનેક દિગ્ગજો ઉમટી પડ્યા હતા, પરંતુ આ બધામાં સૌથી વધુ ચર્ચા રામ ચરણની થઈ રહી છે. રામ ચરણ રિસેપ્શનમાં કાળા કપડામાં અને ખુલ્લા પગે ચાલતાં જોવા મળતા જ ફેન્સ અને સોશિયલ મીડિયા યુઝર્સમાં કુતૂહલ જાગ્યું હતું. ચાલો તમને આખી સ્ટોરી વિસ્તારથી જણાવીએ...

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં હૈદરાબાદમાં યોજાયેલા ગ્રાન્ડ રિસેપ્શનમાં જ્યારે સાઉથના સુપર સ્ટાર રામ ચરણ તેમની પત્ની ઉપાસના સાથે પહોંચ્યા, ત્યારે બધાની નજર તેમના પગ પર અટકી ગઈ હતી. આટલા મોટા ફંક્શનમાં પણ રામ ચરણે પગરખાં પહેર્યા નહોતા. આ વીડિયો વાઈરલ થતાં જ ફેન્સ જાત જાતની અટકળો લગાવી રહ્યા છે. 

રામ ચરણ અત્યારે અત્યંત કઠિન ગણાતી 'અયપ્પા દીક્ષા' પાળી રહ્યા છે. ભગવાન અયપ્પાના ભક્તો દ્વારા કરવામાં આવતું આ 41 દિવસનું વ્રત કરી રહ્યા છે. આ વ્રત દરમિયાન ભક્તોએ કેટલાક કડક નિયમોનું પાલન કરવાનું હોય છે, જેમાં પગરખાંનો ત્યાગ કરવો સૌથી મહત્વનો છે. બસ આ જ કારણ છે કે સુપર સ્ટાર રામ ચરણ રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના રિસેપ્શનમાં ખુલ્લા પગે પહોંચ્યા હતા. 

વાત કરીએ અયપ્પા દીક્ષા લીધા બાદ પાળવાના નિયમોની તો આ દીક્ષા દરમિયાન ભક્તોએ માત્ર કાળા કે વાદળી રંગના વસ્ત્રો જ પહેરવાના હોય છે. આ સિવાય 41 દિવસ સુધી ખુલ્લા પગે ચાલવું, બ્રહ્મચર્યનું પાલન, માંસાહાર અને દારૂથી દૂર રહેવું, વાળ કે દાઢી કપાવવા પર પ્રતિબંધ જેવા કઠોર નિયમોનું પાલન કરવું પડે છે. આ વ્રત પૂર્ણ થયા પછી ભક્તો કેરળના પ્રસિદ્ધ સબરીમાલા મંદિરના દર્શન કરવા જાય છે.

અહીંયા તમારી જાણકારી માટે કે આ પહેલી વખત નથી કે જ્યારે સાઉથના સુપરસ્ટાર રામ ચરણ આ રીતે જોવા મળ્યા હોય. આ પહેલાં વર્ષ 2023માં જ્યારે ફિલ્મ 'RRR'ના ગીત માટે તેઓ ઓસ્કાર સમારોહમાં ગયા હતા, ત્યારે પણ તેઓ અયપ્પા દીક્ષામાં પહોંચ્યા હતા અને એરપોર્ટ પર ખુલ્લા પગે ચાલતા જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર રામ ચરણની આ ધાર્મિક શ્રદ્ધા અને સાદગીની ફેન્સ ખૂબ જ પ્રશંસા કરી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રિસેપ્શનમાં નવી જોડી રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા ટ્રેડિશનલ આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. હૈદરાબાદમાં યોજાયેલા આ ગ્રાન્ડ રિસેપ્શન સેરેમનીમાં સાઉથની સાથે સાથે બોલીવૂડના પણ અનેક સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી, જેણે આ સાંજને યાદગાર બનાવી દીધી હતી.