રાજકોટ: શહેરમાં ગુનાખોરીના વકરી રહેલા ગ્રાફને લઈ પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. છેલ્લા થોડા દિવસોમાં સામાન્ય બોલાચાલીમાં છરી વડે હુમલાની અનેક ઘટનાઓ સામે આવી હતી, જેને રોકવા માટે પોલીસ કમિશનરે શહેરમાં નાઈટ પેટ્રોલિંગ વધારવા આદેશ આપ્યો હતો.
જે અંતર્ગત શહેરમાં રવિવાર રાત્રે યોજવામાં આવેલી ખાસ ડ્રાઈવ દરમિયાન પોલીસે જાહેર રસ્તાઓ પર છરી કે અન્ય તીક્ષ્ણ હથિયારો લઈને ફરતા કુલ 42 લોકોની અટકાયત કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત પ્રમાણે, માલવિયાનગર પોલીસે 11 શખસ, થોરાળા પોલીસે 9 શખસ, યુનિવર્સિટી પોલીસે 8 શખસ, પ્રદ્યુમનનગર પોલીસે 5 શખસ, ગાંધીગ્રામ પોલીસે 4 શખસ, તાલુકા પોલીસે 4 શખસ તથા એ-ડિવિઝન પોલીસે 1 શખસને છરી કે અન્ય તીક્ષ્ણ હથિયારો સાથે ઝડપ્યા હતા.
પકડાયેલા તમામ 42 આરોપીઓ સામે હથિયારબંધી જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસની આ કાર્યવાહીથી છરી જેવા હથિયારો લઈને ફરતા ઇસમોમાં ફફડાટ ફેલાયો હતો.