Mon Jul 27 2026

Logo

અતિવૃષ્ટિથી પ્રભાવિત વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણયઃ તો મફત મળશે નવા પાઠ્યપુસ્તકો

2026-07-27 15:43:09
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ ગુજરાતમાં ભારે વરસાદ અને પૂરના કારણે ઘણા વિસ્તારોમાં ઘરો અને શાળાઓમાં પાણી ભરાઈ ગયાં હતાં. આ કારણે ઘણા વિદ્યાર્થીઓના અભ્યાસના પુસ્તકો પલળી ગયા હતા અથવા ખરાબ થઈ ગયા છે. વિદ્યાર્થીઓનું શિક્ષણ અટકે નહીં તે માટે રાજ્ય સરકારે એક મોટો નિર્ણય લીધો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે,  ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ' દ્વારા જે વિદ્યાર્થીઓના પુસ્તકો પૂરના પાણીમાં પલળી ગયા છે, તેમને તાત્કાલિક નવાં પુસ્તકો મફતમાં આપવામાં આવશે.

મળતી વિગત પ્રમાણે, અતિવૃષ્ટિથી પ્રભાવિત વિસ્તારોની તમામ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના વિદ્યાર્થીઓને આ લાભ મળશે. શાળાઓ સુધી પુસ્તકો વહેલી તકે પહોંચાડી શકાય તે માટે તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને નુકસાન પામેલા પુસ્તકોની વિગતો મેળવીને ઝડપથી યાદી મોકલવા આદેશ અપાયો હતો, જે વિદ્યાર્થીઓના પુસ્તકો પલળી ગયાં હોય કે ખરાબ થઈ ગયાં હોય તેમણે તાત્કાલિક શાળા અથવા જિલ્લા શિક્ષણ અધિકારીનો સંપર્ક કરવા જણાવાયું છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના અનેક જિલ્લાઓમાં પડેલા ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું. ઘણી જગ્યાએ ઘરોથી લઈને શાળાઓમાં પાણી ભરાયા હતા. રાજ્યમાં ઘણી શાળાઓમાં પાણી ભરાવાને કારણે બાળકોના પાઠ્યપુસ્તકો પલળી ગયા હતા. આ સ્થિતિમાં વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો હતો. અતિવૃષ્ટિના કારણે જે ઘરોમાં તથા શાળાઓમાં પાણી ભરાવાથી બાળકોના પાઠ્યપુસ્તકો પલળી ગયા હતા કે નુકસાન પામ્યા હતા તેવા તમામ બાળકોને ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ત્વરિત ધોરણે નવા પાઠ્યપુસ્તકો આપવામાં આવશે. 

શિક્ષણ પ્રધાન ડૉ.પ્રદ્યુમન વાજા તેમજ શિક્ષણ રાજ્ય પ્રધાન રીવાબા જાડેજાના નેતૃત્વમાં ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ વિશિષ્ટ આયોજન પાછળનો મુખ્ય હેતુ અતિવૃષ્ટિથી પ્રભાવિત વિસ્તારોના ગરીબ અને સામાન્ય પરિવારના બાળકોનું શિક્ષણ અટકે નહીં અને તેમનો અભ્યાસ સતત ચાલુ રહે તે સુનિશ્ચિત કરવાનો છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે અતિવૃષ્ટિથી પ્રભાવિત તમામ વિસ્તારોની સરકારી તેમજ ગ્રાન્ટેડ શાળાઓમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવશે. તમામ જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને અતિવૃષ્ટિના કારણે નુકસાન પામેલા પાઠ્યપુસ્તકોની સચોટ વિગતો મેળવીને સત્વરે પાઠ્યપુસ્તક મંડળને મોકલી આપવા જણાવવામાં આવ્યું છે.  

જિલ્લાકક્ષાએથી માંગણી પત્રક મળતાની સાથે જ મંડળ દ્વારા વિનામૂલ્યે પાઠ્યપુસ્તકોનો જથ્થો પ્રભાવિત શાળાઓ સુધી ઝડપથી પહોંચાડવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે.