ભુજ: અષાઢ માસ અડધો વીતી ગયા બાદ મેઘતૃષ્ણાનાં સૂકા મુલક કચ્છ જિલ્લામાં લાંબી પ્રતીક્ષા બાદ મેઘરાજાએ મહેર વરસાવી છે. વિતેલા બે દિવસમાં જ મોસમના કુલ સરેરાશનો ૧૬ ટકા જેટલો વરસાદ નોંધાયો છે. આમ છતાં, હવામાન વિભાગના સત્તાવાર આંકડા અનુસાર કચ્છમાં વર્તમાન સમયગાળામાં જેટલો વરસાદ પડવો જોઈએ તેના કરતાં હજુ પણ ૪૮ ટકા ઓછો વરસાદ નોંધાયો છે. જોકે, રાહતની વાત એ છે કે અગાઉ ૮૦ ટકાથી વધુ રહેલી વરસાદની ઘટ ઘટીને હવે ૫૦ ટકાથી નીચે પહોંચી છે.
ભારતીય હવામાન વિભાગના સત્તાવાર આંકડા મુજબ, કચ્છમાં આ સમયગાળા દરમિયાન સામાન્ય રીતે ૧૭૦ મિલીમીટર વરસાદ પડવો જોઈએ, જેની સામે આ વર્ષે અત્યાર સુધી માત્ર ૮૭ મિલીમીટર વરસાદ પડ્યો છે, જે ૪૮ ટકાની તંગી દર્શાવે છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓની સરખામણીએ બે દિવસના ધીમીધારના સાર્વત્રિક વરસાદને કારણે કચ્છમાં ચોમાસાની ઘટમાં થોડો સુધારો જોવા મળ્યો છે.
'અલ નીનો'ના પ્રભાવને કારણે કચ્છમાં આ વર્ષે ચોમાસાનું આગમન મોડું થયું છે. છેલ્લા સાત વર્ષના આંકડા અનુસાર, આ વર્ષે જુલાઈ માસમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. મોસમનો અત્યાર સુધી માત્ર ૧૮.૮૯ ટકા વરસાદ જ વરસ્યો છે, જેની સામે ગત વર્ષે આ સમયગાળામાં ૬૪ ટકા અને વર્ષ ૨૦૨૨ તથા ૨૦૨૩માં ૧૦૦ ટકાથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો હતો.
ગુજરાત આપત્તિ વ્યવસ્થાપન વિભાગના સત્તાવાર આંકડા અનુસાર, કચ્છના ૧૦ માંથી ૮ તાલુકા એવા છે જ્યાં ૨૦ ટકાથી પણ ઓછો વરસાદ નોંધાયો છે. જિલ્લામાં અત્યાર સુધી સૌથી વધુ સીમાવર્તી રાપરમાં ૫૨ ટકા અને ભચાઉમાં ૩૧ ટકા વરસાદ વરસી ચૂક્યો છે, જ્યારે બાકીના તમામ તાલુકાઓમાં સ્થિતિ ચિંતાજનક છે. પ્રાચીન વર્ષ વિજ્ઞાનના અનુમાન મુજબ આ વર્ષે પાછોતરો વરસાદ સારો વરસવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
વરસાદી સિસ્ટમ ધીમી પડતાં હાલ જિલ્લામાં મોટાભાગના વિસ્તારોમાં ઉઘાડ અને વરાપનો માહોલ જોવા મળી રહ્યો છે. વાદળોની આવન-જાવન વચ્ચે માત્ર કેટલાક સ્થળોએ ઝરમર ઝાપટાં પડ્યા હતા. ગઇકાલે બપોર બાદ ઉઘાડ નીકળતાં મહત્તમ તાપમાન ૨ થી ૩ ડિગ્રી ઊંચકાઈને ૩૧ થી ૩૪ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૨૪ થી ૨૭ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાયું હતું. આ દરમિયાન, બંગાળની ખાડીમાં સર્જાઈ રહેલી નવી વરસાદી સિસ્ટમના પ્રભાવથી આવતા અઠવાડિયે, ખાસ કરીને શનિ-રવિ દરમિયાન કચ્છ સહિત રાજ્યભરમાં મધ્યમથી ભારે વરસાદ વરસવાની આશા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
(ઉત્સવ વૈદ્ય)