ભુજઃ શહેરની બી-ડિવિઝન પોલીસે બાતમીના આધારે હાઇવે પરથી પસાર થતાં એક ટેન્કરને આંતરીને તેના ગુપ્ત ખાનામાં છુપાવેલો રૂપિયા ૫૧,૦૩,૪૮૦ની કિંમતનો અંગ્રેજી શરાબનો જથ્થો પકડી પાડ્યો છે. પોલીસની આ સફળ કામગીરીથી દારૂના મોટા નેટવર્કનો પર્દાફાશ થતાં બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
રૂપિયા ૮૧,૧૩,૯૮૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો
પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. બાતમી મળી હતી કે, એક ટેન્કર ભચાઉથી કંડલા તરફ જતાં ધોરીમાર્ગ પરથી દારૂનો જથ્થો લઈને પસાર થવાનું છે, સ્ટાફે મચ્છુનગર પુલિયા પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન, બાતમીવાળું ટેન્કર (નંબરઃ જીજે-૩૩-ટી-૫૯૨૫) આવતાં પોલીસે તેને અટકાવ્યું હતું. ચાલક મોટારામ પુનારામ જાટની પૂછપરછ દરમિયાન શંકા જતાં ટેન્કરની તપાસ કરવામાં આવી હતી. ટેન્કરના પાછળના ભાગે આવેલા પાંચ ખાનાના ઢાંકણા ખોલી અંદર તપાસ કરતાં વિશેષ રીતે બનાવાયેલું ચોર ખાનું મળી આવ્યું હતું.
વિવિધ બ્રાન્ડની દારૂની બોટલો તથા ક્વાર્ટરિયા મળી આવ્યા
બી-ડિવિઝન પોલીસ મથકે ટેન્કર લાવીને તપાસ કરાતાં, તેમાંથી વિવિધ બ્રાન્ડની દારૂની બોટલો તથા ક્વાર્ટરિયા મળી આવ્યા હતા. 'ફોર સેલ ઇન રાજસ્થાન ઓન્લી' લખાણ ધરાવતો આ દારૂ રાજસ્થાનના પવનસિંહ મહેચ્છાએ ભરી આપ્યો હતો અને તે મેઘપર બોરીચીના ચંદન ગુપ્તા તથા રાહુલસિંહ જાડેજાના માણસોને પહોંચાડવાનો હતો. પોલીસે દારૂ, ટેન્કર, મોબાઇલ અને ફાસ્ટ ટેગ મળી કુલ રૂપિયા ૮૧,૧૩,૯૮૦નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અન્ય એક કિસ્સામાં, પદ્ધર પોલીસે ગુપ્ત બાતમીના આધારે શેખપીર બસ સ્ટેશન પાસેથી માધાપરના સોનાપુરી વિસ્તારમાં રહેતી રમીલાબેન મામદ કોળી નામની મહિલાને રૂપિયા ૮,૮૦૦ની કિંમતના વ્હિસ્કીના ૪૪ ક્વાર્ટરિયા અને રૂપિયા ૫,૦૦૦ની કિંમતના મોબાઇલ ફોન સાથે ઝડપી લીધી હતી. પ્રાથમિક પૂછપરછમાં આ દારૂ તે વેચાણ અર્થે અંજારથી લાવી હોવાનું બહાર આવ્યું છે. આ ઉપરાંત, પદ્ધર પોલીસે લેર સીમમાં આશાપુરા કંપની પાછળ વડલા નીચે ગેરકાયદેસર રીતે દેશી દારૂનું વેચાણ કરતા ધીરજ ઈશાક કોલી (રહે. કારીમોરી, માધાપર)ને રૂપિયા ૬,૦૦૦ની કિંમતના ૩૦ લીટર દેશી દારૂ અને મોબાઇલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(ઉત્સવ વૈદ્ય)