Mon Jul 27 2026

Logo

નીટ પેપર લીક પર પહેલા જ દિવસે ફાસ્ટ ટ્રેક કોર્ટની સુનાવણી ટળી, ન પહોંચ્યા સીબીઆઇના વકીલ

2026-07-27 14:59:00
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હી: દેશભરમાં વિદ્યાર્થીઓના વિરોધ વચ્ચે સરકારે નીટ (NEET) પેપર લીક કેસના આરોપીઓને સજા અપાવવા માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરી છે. દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટમાં 'પબ્લિક એક્ઝામિનેશન્સ (પ્રિવેન્શન ઑફ અનફેર મીન્સ) એક્ટ, 2024' હેઠળ બનાવવામાં આવેલી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આજે (સોમવાર, 27 જુલાઈ) પેપર લીક કેસોની પહેલી સુનાવણી હતી. જોકે, પહેલા જ દિવસે કોર્ટની સુનાવણી ટળી ગઈ હતી.

મહિતી અનુસાર, CBI તરફથી આજે આ કેસની સુનાવણીમાં કોઈ વકીલ કોર્ટમાં હાજર રહ્યા ન્હોતા. સરકારી વકીલ ઉપલબ્ધ ન હોવાને કારણે સુનાવણીને આગામી મહિનાની 3 ઓગસ્ટ સુધી ટાળી દેવામાં આવી છે.

3 ઓગસ્ટે થશે સુનાવણી

ફાસ્ટ ટ્રેક કોર્ટના સ્પેશિયલ જજ અનુ ગ્રોવર બલીગાએ NEET UG 2026 પેપર લીક કેસમાં ધરપકડ કરાયેલા દિનેશ બિવાલ અને વિકાસ બિવાલની જામીન અરજીઓ પર સુનાવણી કરવાની હતી. કોર્ટે ડાયરેક્ટર ઑફ પ્રોસિક્યુશનને NEET પેપર લીક કેસ માટે પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરવા જણાવ્યું છે. રાઉઝ એવેન્યુ કોર્ટ આ મામલાની આગામી સુનાવણી 3 ઓગસ્ટે સવારે 10 વાગ્યે કરશે.

દિનેશ અને વિકાસ બિવાલની CBIએ કરી હતી ધરપકડ

દિનેશ બિવાલ અને વિકાસ બિવાલ—આ બંને આરોપીઓ CBI દ્વારા NEET UG પેપર લીક પ્રકરણમાં ધરપકડ કરાયેલા 13 આરોપીઓમાં સામેલ છે. તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, આરોપીઓનો સંબંધ તે નેટવર્ક સાથે છે જેણે પરીક્ષા પહેલાં પેપર લીક કર્યું હતું અને તેને આગળ અનેક ઉમેદવારો સુધી પહોંચાડ્યું હતું.

વડા પ્રધાને કર્યું હતું ફાસ્ટ ટ્રેક કોર્ટની રચનાનું એલાન

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પેપર લીકના આરોપીઓને સજા અપાવવા માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની રચનાની જાહેરાત કરી હતી. તેમણે 23 જુલાઈએ સોશિયલ મીડિયા પર આની માહિતી આપી હતી. તેમણે એક પોસ્ટ શેર કરતા કહ્યું હતું કે દેશના યુવાનોનું હિત અને તેમનું ભવિષ્ય સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. તેમણે કહ્યું હતું કે પેપર લીકને લગતા તમામ કેસોમાં દોષિતોને વહેલી તકે સખત સજા આપવા માટે, કેસના ઝડપી નિકાલ માટે ફાસ્ટ ટ્રૅક કોર્ટની રચના કરવામાં આવશે. આ અંગે નિર્દેશ આપી દેવામાં આવ્યા છે કે સંબંધિત વિભાગો આવશ્યક કાર્યવાહી સુનિશ્ચિત કરે. તેમણે કહ્યું હતું કે યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરનાર કોઈપણ વ્યક્તિને બક્ષવામાં નહીં આવે.