ચેન્નઈઃ સુપરસ્ટાર રજનીકાંત અને યુવા અભિનેતા વિજયની રાજકીય પાર્ટી તમિલગા વેત્રી કડગમના નેતા આધાવ અર્જુન વચ્ચે થયેલા વિવાદે એક નવો વળાંક લઈ લીધો છે. આ વિવાદ સામે આવ્યા બાદ રજનીકાંતના સમર્થકો ગુસ્સે ભરાયા છે. આ સમગ્ર કેસમાં રજનીકાંતે મૌન તોડીને એક સત્તાવાર નિવેદન આપ્યું છે, જેમા તેમણે પોતાના સમર્થકોનો આભાર વ્યક્ત કર્યો છે.
સમર્થકોનું દિલ જીત્યું
રજનીકાંતે સમર્થકોનું દિલ જીત્યું અને અર્જુનની બોલતી બંધ કરી દીધી છે. આ વિવાદની શરૂઆત 12 માર્ચના રોજ થઈ હતી. વિજયની પાર્ટી TVKના મહાસચીવ આધાવ અર્જુને તમિલનાડું સરકારની વિરૂદ્ધમાં એક વિરોધ પ્રદર્શન દરમિયાન રજનીકાંતનો ઉલ્લેખ કર્યો હતો.અર્જુને દાવો કર્યો હતો કે, જ્યારે રજનીકાંતે રાજનીતિમાં આવવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે સત્તા પર રહેલી DMK પાર્ટીએ એમને ધમકાવ્યા હતા. પછી અર્જુને એવી સ્પષ્ટતા કરી કે, એમને હેતુ અભિનેતાની ટિકા કરવાનો ન હતો. એ દર્શાવવાનો હતો કે, એમની પાર્ટીના સ્થાપક વિજય પણ એવા કોઈ રાજકીય દબાણ સામે નમવાના નથી.
અન્ય લોકોનો આભાર માન્યો
રજનીકાંતના સમર્થકોએ અને અન્ય કેટલાક લોકોએ આ કૃત્યને અપમાનજનક ગણાવી દીધુ. અર્જુને માફી માગવી જોઈએ એવી જીદ કરતા વિરોધ પ્રદર્શન પણ કર્યા હતા. તમિલ ભાષામાં નિવેદન આપતા રજનીકાંતે કહ્યું હતું કે, અર્જુનો દાવો અને તથ્ય ભ્રામક છે. રજનીકાંતે પોતાના સમર્થકો અને અન્ય લોકોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. આ રાજકીય ખેંચતાણમાં એમની તરફેણ બદણ આભાર વ્યક્ત કર્યો. રજનીકાંતે ખાસ કરીને વિરોધ પક્ષના નેતા એડપ્પાદી કે. પલાનીસ્વામી, તમિલનાડુ ભાજપ પ્રમુખ નૈનાર નાગેન્દ્રન, કેન્દ્રીય મંત્રી એલ. મુરુગન, અન્નામલાઈ અને અન્ય અગ્રણી નેતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સાથે તેમણે દિગ્દર્શક અમીર અને ફિલ્મ જગતના પોતાના મિત્રોનો પણ આભાર માન્યો હતો.
રજનીકાંતે ઈશારામાં આપ્યો જવાબ
પોતાના નિવેદનમાં રજનીકાંતે અત્યંત પ્રભાવશાળી રીતે જવાબ આપ્યો હતો. તેમણે લખ્યું હતું કે, 'આધવ અર્જુન, જેઓ TVK પાર્ટીમાં મહત્વના હોદ્દા પર છે, તેમણે તાજેતરમાં મારા વિશે એક નિવેદન આપ્યું હતું, જે તથ્યો પર આધારિત ન હતું. હું એ તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર માનું છું જેમણે મારા સમર્થનમાં અવાજ ઊઠાવ્યો અને તેમની અપમાનજનક ટિપ્પણીઓની નિંદા કરી. આ નેતાઓમાં તમિલનાડુના વિરોધ પક્ષના નેતા એડપ્પાદી કે. પલાનીસ્વામી, તમિલનાડુ ભાજપ પ્રમુખ નૈનાર નાગેન્દ્રન, કેન્દ્રીય મંત્રી એલ. મુરુગન, તમિલનાડુના મંત્રી રઘુપતિ, થોલ. તિરુમાવલવન, એસ.પી. વેલુમણિ, મારા મિત્ર અન્નામલાઈ, અર્જુનમૂર્તિ, અંબુમણિ રામદાસ, જી.કે. વાસન, જોન પાંડિયન, પુગાઝેન્ડી અને અન્ય ઘણા રાજકીય નેતાઓ સામેલ છે. હું અમીર, જી. ધનંજયન અને ફિલ્મ જગતના મારા મિત્રોનો પણ આભાર માનું છું; સાથે જ નકીરન ગોપાલ, રંગરાજ પાંડે અને મીડિયાના સભ્યોનો પણ, અને સૌથી વધીને, મારા ચાહકોનો જે મારા માટે ભગવાન સમાન છે, તેમના અતૂટ સમર્થન બદલ. બની શકે કે સમય અત્યારે કંઈ ન બોલે, પરંતુ તે રાહ જોશે અને યોગ્ય સમય આવ્યે જવાબ જરૂર આપશે. તમિલનાડુ અમર રહે! તમિલનાડુની જનતા અમર રહે!! જય હિંદ!!! સ્નેહ સહ, રજનીકાંત.'