નવી દિલ્હીઃ સંસદની સીડી પર બેસી 'ચા-બિસ્કિટ' ખાવા અંગે રાહુલ ગાંધી ફરી વિવાદોમાં પડ્યા છે. સેનાના પૂર્વ જવાને એક પત્ર લખ્યો છે, જેમાં તેમણે સંસદના શિષ્ટાચાર ભંગ માટે રાહુલ ગાંધી માફી માગે એવી માગ કરી છે, જોકે, આ પહેલા કેન્દ્રીય મંત્રી અમિત શાહ પણ એમની આવી વર્તણૂકનો વિરોધ કર્યો હતો. વિરોધ પક્ષ જે રીતે વિરોધ કરે એમાં જગ્યાનું પણ એક મહત્ત્વ હોય છે.
શું છે જવાને લખેલા પત્રમાં
સૈન્યના એક મોટા પદ પર રહેલા જવાને પત્રમાં કહ્યું છે કે ભારતની સંસદ આપણા બંધારણીય માળખામાં એક અનોખું અને ઊંચું સ્થાન ધરાવે છે. સંસદનું ગૌરવ માત્ર એક પરંપરાના વિષય નથી, પરંતુ બંધારણીય લોકાચારનો એક અનિવાર્ય તત્વ છે, જે આપણા લોકશાહીનું સંચાલન કરે છે.
લોકસભા અને રાજ્યસભાના કક્ષ સાથે જોડાયેલ પવિત્રતા, સંસદીય પ્રાંગણના તમામ ક્ષેત્રો પર સમાન રીતે લાગુ પડે છે. તેમાં સીડી અને લૉબી સામેલ છે. આ સ્થળો કોઈ સામાન્ય સ્થળ નથી, પરંતુ સંસદના અભિન્ન અંગો છે, અને તેમાં આવું ગેરવર્તન યોગ્ય નથી. આવી સંસ્થાનું ગૌરવ કરવું જોઈએ, છબિ ખરડાય એવું ન કરવું જોઈએ.
પ્રતિબંધ હોવા છતાં વિરોધ પ્રદર્શન
તારીખ 12 માર્ચે થયેલી ઘટનાઓ અત્યંત ચિંતાજનક છે. સંસદ પ્રાંગણમાં પ્રદર્શન અથવા વિરોધ પ્રદર્શન પર સ્પષ્ટ રીતે પ્રતિબંધ લાગ્યા હોવા છતાં, રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિપક્ષે આ સૂચનાનું ઉલ્લંઘ કરી મનમાની કરી હતી. એ માત્ર પ્રક્રિયાનું ઉલ્લંઘન જ નથી, સંસદીય અધિકારનું ઘોર અપમાન છે. રાહુલ ગાંધી, ઘણા અન્ય સભ્યો સાથે, સંસદની સીડી પર ચા-બિસ્કિટ ખાવા બેસી ગયા હતા. આ એવું દર્શાવે છે કે, વ્યક્તિગત રાજકીય ઈચ્છાશક્તિ બંધારણીય સંસ્થાની ગરિમા કરતા ઉપર છે. સાંસદ તરીકે જેઓ એમની સાથે હતા એ લોકો માટે પણ આ શરમજનક છે.
રાજકીય 'તમાશા'નું સ્થળ નથી
સંસદની સીડી રાજકીય તામાશાનું સ્થળ નથી. સંસદ પ્રાંગણમાં એવું વર્તન ગેર શિસ્ત દર્શાવે છે. દુર્ભાગ્યવશ, રાહુલ ગાંધીએ સંસદમાં અને બહાર બંને જગ્યાએ ડ્રામેબાજી કરી, અયોગ્ય કામ કર્યું છે. રાહુલ ગાંધીએ આ વર્તન માટે રાષ્ટ્ર પાસે માફી માંગવી જોઈએ અને તે દૃષ્ટિકોણ પર આત્મનિરિક્ષણ કરવું જોઈએ. જોકે, આ પહેલા પણ વિપક્ષ સાંસદના પરિસરમાં વિરોધ પ્રદર્શન કરી ચૂક્યો છે, પણ આ વખતે મામલો વધારે ગરમાયો હતો.