નવી દિલ્હીઃ લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ નેતાએ ફરી એક વાર ભાજપ અને આરએસએસને આડે હાથ લીધા હતા. તેમણે કહ્યું કે, આ દેશમાં બે વિચારધારા વચ્ચે લડાઈ ચાલી રહી છે. તેમણે કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, જ્યારે અમારા અધ્યક્ષ ખડગે હલ્દ્વાની જાય છે, ત્યારે ત્યાં શુદ્ધિકરણ કરવામાં આવે છે. આ ભાજપ અને RSS ના લોકો કરે છે.
રાહુલ ગાંધીએ કહ્યું, શુદ્ધિકરણ કરવું એ એક ગુનો છે, ક્રિમિનલ ઑફેન્સ છે. 10 ઓગસ્ટે શુદ્ધિકરણ થયું અને 13 ઓગસ્ટે ખડગેએ ગૃહમાં કહ્યું કે તેમનું અપમાન થયું છે. હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી છે? અમારી માંગ છે કે જે લોકોએ આવું કર્યું છે તેમના પર વહેલામાં વહેલી તકે FIR નોંધવામાં આવે. આ કૃત્ય SC/ST એક્ટનું ઉલ્લંઘન છે. શુદ્ધિકરણ'ની વિધિ કરવી એ એક ગુનો છે, તેમ છતાં, કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.
રાહુલે FIRની માંગ કરી
તેમણે કહ્યું, વડા પ્રધાનનો દાવો છે કે તેઓ દરેક જાતિ સાથે સંબંધ ધરાવે છે અને સમગ્ર ભારતના વડા પ્રધાન છે. તેમ છતાં, તેમની પાર્ટીના પ્રમુખનું કહેવું છે કે શુદ્ધિકરણ યોગ્ય હતું. અમે ઈચ્છીએ છીએ કે વડા પ્રધાન તાત્કાલિક આ લોકો વિરુદ્ધ SC/ST એક્ટ હેઠળ FIR નોંધવાનો આદેશ આપે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર, બંનેની એ જવાબદારી છે કે તેઓ ઉત્તરાખંડમાં ખડગેને ન્યાય મળે તે સુનિશ્ચિત કરે. તેમણે વધુમાં કહ્યું, આ માત્ર કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો મુદ્દો નથી, પરંતુ આ ભારતના દરેક દલિત વ્યક્તિ સાથે જોડાયેલો મુદ્દો છે. જો અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ સાથે જાહેરમાં, કોઈ પણ ખચકાટ વિના આવો વ્યવહાર થઈ શકતો હોય, તો વિચારો કે શાળામાં કોઈ બાળકની સાથે શું થઈ રહ્યું હશે? આ અમારા માટે સ્વીકાર્ય નથી. અમારી લડાઈ ભાજપ-આરએસએસની ભેદભાવ અને અસમાનતાને પ્રોત્સાહન આપતી વિચારધારા વિરુદ્ધ છે.
આઝાદીના 80 વર્ષ પછી પણ દલિતો પર અત્યાચાર ચાલુ
રાહુલ ગાંધીએ કહ્યું કે ભારત વિવિધતાઓનો દેશ છે. જ્યાં હજારો જાતિઓ છે. અનેક ધર્મો, અનેક ભાષાઓ અને અનેક સંસ્કૃતિઓ છે. પરંતુ આઝાદીના 80 વર્ષ પછી પણ દલિતો પર અત્યાચાર થઈ રહ્યો છે. દલિત દ્વારા મૂછ રાખવા પર હત્યા થઈ રહી છે. મંદિરમાં પ્રવેશીને મૂર્તિને અડવા પર હત્યા થઈ રહી છે. ઘોડા પર વરઘોડો કાઢવા પર હુમલા થઈ રહ્યા છે.
દલિતો સાથે દરેક જગ્યાએ ભેદભાવ
રાહુલ ગાંધીએ કહ્યું કે ચાની દુકાન પર જુઓ, બે પ્રકારના કપ વપરાય છે. એક કાચનો કપ હોય છે, જે રિયુઝેબલ હોય છે. કાચના કપને ધોઈ શકાય છે, જ્યારે બીજો પેપર અથવા પ્લાસ્ટિકનો કપ હોય છે, જેને ફેંકી દેવામાં આવે છે. પ્લાસ્ટિક કે પેપરવાળો કપ દલિતો માટે અને કાચવાળો કપ અન્ય લોકો માટે હોય છે.
#WATCH | Delhi: Lok Sabha LoP Rahul Gandhi says, "...We have decided that we want our President to get justice. Now the ball is in their court. If they take the action that ought to be taken, very good. If they do not take action, then there will certainly be a reaction from us.… pic.twitter.com/8hxZKzJHVB
— ANI (@ANI) August 29, 2026
દેશમાં બે વિચારધારાઓ વચ્ચે લડાઈ
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું, દેશમાં બે વિચારધારાઓ વચ્ચે લડાઈ ચાલી રહી છે. એક આંબેડકર, ગાંધીજી, પટેલની વિચારધારા અને બીજી આરએસએસ-ભાજપની વિચારધારા છે. હજારો વર્ષોથી દલિતો પર અન્યાય કરવામાં આવ્યો છે અને આજે પણ દલિત બાળકો પાસે શાળામાં ઝાડુ મરાવવામાં આવે છે, શૌચાલય સાફ કરાવવામાં આવે છે. લગ્નમાં દલિત જ્યારે ઘોડા પર બેસે છે ત્યારે હેલ્મેટ પહેરીને નીકળે છે કે ક્યાંક કોઈ પથ્થર ન મારી દે. દલિત જેટલો વધુ સફળ થાય છે, તેના પર એટલો જ મોટો હુમલો થાય છે.'
સંસદમાં ઉઠાવ્યો હતો મુદ્દો
સંસદના ચોમાસુ સત્રના અંતિમ દિવસે રાજ્યસભાની કાર્યવાહી શરૂ થતાં જ કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં ભાષણ પછી કરવામાં આવેલા શુદ્ધિકરણનો મુદ્દો ઉઠાવ્યો હતો. હું હલ્દ્વાનીમાં હતો, જ્યાં મેં રામલીલા મેદાનમાં એક જનસભાને સંબોધિત કરી હતી. ત્યાં લાખો લોકો હાજર હતા. તે સમયે મેં કોઈ સમુદાય કે ધર્મનું નામ લીધું નહોતું. મેં માત્ર સરકાર સાથે જોડાયેલા મુદ્દાઓ જ રજૂ કર્યા હતા. પરંતુ મારા ભાષણ પછી, ભાજપના લોકોએ તે મંચને શુદ્ધ કરવા માટે ત્યાં હવન કર્યો હતો. શું લોકશાહીમાં આવું બને છે? તમે બંધારણનું રક્ષણ કેવી રીતે કરી રહ્યા છો? હું વિપક્ષનો નેતા છું.
જેપી નડ્ડાએ આ ઘટનાને અત્યંત દુઃખદ ગણાવી હતી. તેમણે કહ્યું, આ માત્ર કૉંગ્રેસ પક્ષ માટે જ નહીં પરંતુ આપણા સૌ માટે દુઃખદ છે. ભાજપ આવી પ્રવૃત્તિઓનું સમર્થન કરતું નથી. ક્યારેય કરતું નથી. પરંતુ અમે આની તપાસ કરાવીશું. હું તમને ખાતરી આપું છું કે ત્યાં જે કંઈ પણ બન્યું છે તેની ચોક્કસપણે તપાસ કરવામાં આવશે. તમારી લાગણીઓ દુભાઈ છે તે આપણા સૌ માટે ખૂબ જ ખેદજનક બાબત છે.