(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પુણેથી આવેલા યુવાને અટલ સેતુ (મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક) પર કાર રોક્યા પછી દરિયામાં કૂદકો માર્યો હોવાની ઘટના શનિવારની મધરાતે બની હતી. પ્રેમપ્રકરણમાં યુવાને આવું પગલું ભર્યું હોવાની શક્યતા પોલીસ તપાસી રહી છે.
પોલીસના જણાવ્યા મુજબ દરિયામાં ઝંપલાવનારા યુવાનની ઓળખ પ્રતીક સુભાષ રાસકર (28) તરીકે થઈ હતી. પુણેના શિરુર તાલુકામાં રાંજણગાંવની ખેડકર વસ્તી ખાતે રહેતો પ્રતીક મધરાતે દોઢ વાગ્યે દરિયામાં કૂદ્યો હતો. રવિવાર અને સોમવારની મોડી સાંજ સુધી સર્ચ ઑપરેશન ચલાવ્યા છતાં તેની કોઈ ભાળ મળી નહોતી.
ઉલવે પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર અર્જુન રજાનેએ જણાવ્યું હતું કે પ્રતીકની કાર અટલ સેતુ પર 13 કિલોમીટરના માર્ક પાસે ઊભી દેખાઈ હતી. સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસતાં તે દરિયામાં કૂદકો મારતો દેખાયો હતો. કારમાંથી કોઈ ચિઠ્ઠી મળી નહોતી કે જેના પરથી પ્રતીકે આવું પગલું શા માટે ભર્યું તે જાણી શકાય.
કહેવાય છે કે કારમાંથી પ્રતીકનો મોબાઈલ ફોન મળી આવ્યો હતો, જેની મદદથી તેના પરિવારજનોનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. હાલમાં ઉલવે પોલીસે મિસિંગની ફરિયાદ નોંધી છે.
પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે બહાર જમવા જતો હોવાનું માતાને કહીને પ્રતીક ઘરેથી નીકળ્યો હતો, પણ તે સીધો અટલ સેતુ તરફ આવ્યો હતો.
દરમિયાન બનાવની જાણ થતાં ઉલવે પોલીસ, મેરિટાઈમ સિક્યોરિટી એજન્સીસ અને રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બોટની મદદથી દરિયામાં શોધ ચલાવ્યા છતાં પ્રતીકની કોઈ ભાળ મળી નહોતી. આર્થિક રીતે સધ્ધર પ્રતીકે પ્રેમપ્રકરણને કારણે આવું પગલું ભર્યું હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી હતી.