પુણે: પુણેમાં એમ્યુનેશન ફેક્ટરી ખડકી (એએફકે)ના પરિસરમાં શંકાસ્પદ વિસ્ફોટક વસ્તુ ફાટતાં કોન્ટ્રેક્ટ પરના 20 વર્ષના મજૂરનું મૃત્યુ થયું હતું. સોમવારે બપોરે આ ઘટના બની હતી અને મજૂરનું સારવાર દરમિયાન મંગળવારે મૃત્યુ થયું હતું, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
એએફકેના પરિસરમાં સિવિલ વર્ક પ્રોજેક્ટ હેઠળ ટોઇલેટનું બાંધકામ ચાલી રહ્યું હતું અને કાર્તિક બરમન નામનો મજૂર ત્યાં કામ કરી રહ્યો હતો. બપોરના ત્રણ વાગ્યાની આસપાસ ક્ધસ્ટ્રકશન સાઇટ નજીક કાર્તિક પાણી પીવા માટે ગયો હતો, જ્યાં પ્લમ્બિંગ મટિરિયલ રાખવામાં આવ્યું હતું.
કાર્તિક પગથિયાં પર બેઠો હતો અને શંકાસ્પદ વસ્તુને હાથમાં લઇ તેને જોઇ રહ્યો હશે ત્યારે તેમાં ધડાકો થયો હતો, એવું કહેવાય છે. ધડાકામાં કાર્તિકને ગંભીર ઇજા પહોંચી હતી. ખડકી પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર વિક્રમ કદમે જણાવ્યું હતું કે મજૂરને ત્વરિત સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, જ્યાં મંગળવારે તેનું મૃત્યુ થયું હતું.
કાર્તિક કયા પ્રકારની વિસ્ફોટક વસ્તુ હાથમાં લઇને જોઇ રહ્યો હતો તે જાણી શકાયું નહોતું. પોલીસે આ પ્રકરણે એડીઆર દાખલ કરીને તપાસ આદરી હતી. (પીટીઆઇ)